મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી મેચમાં (Match) અભિષેક શર્મા અને એડન માર્કરમની અર્ધસદીઓ અને બંને વચ્ચે ત્રીજી વિકેટની 96 રનની મહત્વની ભાગીદારી ઉપરાંત અંતિમ ઓવરમાં શશાંક સિંહ અને માર્કો યાન્સેને મળીને 25 ઓવર બનાવતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે મુકેલા 196 રનના લક્ષ્યાંક સામે ગુજરાત ટાઇટન્સે અંતિમ ઓવરમાં ચાર છગ્ગા સાથે 25 રન કરીને મેચ 5 વિકેટે જીતીને સનરાઇઝર્સ સામે મળેલી હારનો બદલો વાળી લીધો હતો.
લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે સારી શરૂઆત અપાવી હતી. જો કે ઉમરાન મલિકે ગીલ, હાર્દિક પડ્યા, સાહા, ડેવિડ મિલર અને અભિનવ મનોહરની વિકેટ ઉપાડીને તેમને બેકફૂટ પર ધકેલ્યા હતા. અંતિમ ચાર ઓવરમાં ગુજરાતને 59 રનની જરૂર હતી જે તેવટિયા અને રાશિદની જોડીએ નોટઆઉટ ભાગીદારી કરીને ગુજરાતને જીતાડ્યું હતું. ઉમરાન મલિકે ઉપાડેલી પાંચ વિકેટ તેની ટીમ હારતા એળે ગઇ હતી.
ટોસ હાર્યા પછી પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે શરૂઆતની પાંચ ઓવરમાં જ 44 રનના સ્કોર સુધીમાં કેપ્ટન કેન વિલિયમ્સન અને રાહુલ ત્રિપાઠીની વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મૂકાઇ હતી. જો કે ઇનફોર્મ બેટ્સમેન અભિષેક અને માર્કરમે મળીને તે પછી ત્રીજી વિકેટની 96 રનની ભાગીદારી કરીને સ્કોર 140 સુધી પહોંચાડી દીધો હતો. અભિષેક 42 બોલમાં 65 રન કરીને આઉટ થયો હતો. જ્યારે માર્કરમ 40 બોલમાં 56 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 18 ઓવરમાં 5 વિકેટે 161 રન હતો. અંતિમ બે ઓવરમાં માર્યો યાન્સેન અને શશાંક સિંહે 33 રનની ભાગીદારી કરી હતી. તેમાં પણ અંતિમ ઓવર ફેંકવા આવેલા લોકી ફર્ગ્યુસનની એ ઓવરમાં યાન્સેને એક અને શશાંકે ત્રણ છગ્ગા ફટકારીને કુલ 25 રન લેતા સનરાઇઝર્સનો સ્કોર 6 વિકેટે 195 પર પહોંચ્યો હતો. શશાંક 6 બોલમાં 3 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 25 અને યાન્સેન 5 બોલમાં 8 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.