પુણે : આઇપીએલની (IPL) આજે મંગળવારે અહીં રમાયેલી 39મી મેચમાં (Match) ટોપ ઓર્ડર (Top Order) લથડી પડ્યા પછી રિયાન પરાગે આક્રમક નોટઆઉટ અર્ધસદી ફટકારતા રાજસ્થાન રોયલ્સે મુકેલા 145 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 115 રનમાં વિંટો વળી જતાં રાજસ્થાન રોયલ્સ 29 રને જીત્યું હતું.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતેરેલી આરસીબી વતી ઓપનીંગ કરવા માટે વિરાટ કોહલી ઉતર્યો હતો પણ તે માત્ર 9 રન કરીને આઉટ થયો હતો. તે પછી ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની વિકેટ બે બોલમાં પડી હતી અને તે પછી નિયમિત સમયાંતરે વિકેટ પડતી રહેવાથી આરસીબીએ 72 રનમાં છ વિકેટ ગુમાવી હતી. દિનેશ કાર્તિક કમનસીબ રીતે રનઆઉટ થયો હતો અને તે પછી આરસીબી 115 રને ઓલઆઉટ થતાં રાજસ્થાન રોયલ્સ 29 રને મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચ્યું હતું.
આરસીબીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કર્યા પછી શરૂઆતમાં જ પડ્ડીકલની વિકેટ ગુમાવી હતી. બેટીંગમાં પ્રમોટ કરાયેલા રવિચંદ્રન અશ્વિને 9 બોલમાં 17 રન કર્યા પછી 33 રનના સ્કોરે તે બીજી વિકેટ તરીકે આઉટ થયો હતો અને એ જ સ્કોર પર જોસ બટલર પણ માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. સંજૂ સેમસને થોડી આક્રમકતા તો બતાવી પરંતુ તે પણ 27 રન કરીને આઉટ થયો હતો. અને સ્કોર 102 સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં ડેરિલ મિચેલ અને શિમરોન હેટમાયર પણ આઉટ થઇ ગયા હતા. પરાગે છતાં પોતાની આક્રમક ઇનિંગ રમીને રાજસ્થાનને 144 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આરસીબી વતી મહંમદ સિરાજ, જોશ હેઝલવુડ, વનિન્દુ હસરંગા એ 2-2 જ્યારે હર્ષલ પટેલે 1 વિકેટ ઉપાડી હતી.