નવી મુંબઇ : આઇપીએલની (IPL) આજે સોમવારે (Monday) અહીં રમાયેલી 64મી લીગ મેચમાં પહેલા બોલે ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવ્યા પછી મિચેલ માર્શની અર્ધસદી ઉપરાંત સરફરાઝ ખાનની 16 બોલમાં 32 રનની ઇનિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે મૂકેલા 160 રનના લક્ષ્યાંક સામે પંજાબ કિંગ્સ 9 વિકેટે 142 રન સુધી પહોંચતા દિલ્હી કેપિટલ્સનો 17 રને વિજય થયો હતો.
લક્ષ્યાંકનો પીછો કરવાની શરૂઆત પંજાબ કિંગ્સે આક્રમક અંદાજમાં કરી તો હતી પણ તે પછી ઉપરાછાપરી વિકેટ ગુમાવવાના કારણે 67 રનના સ્કોર સુધીમાં તેમણે 6 વિકેટ ગુમાવી હતી. તે પછી જિતેશ શર્માએ આક્રમક બેટીંગ કરીને જીતની આશા જગાવી હતી પણ તે આઉટ થતાંની સાથે તેમની આશાનો પણ અંત આવ્યો હતો અને 20 ઓવરના અંતે પંજાબ 9 વિકેટે 142 રન સુધી જ પહોંચી શક્યું હતું. દિલ્હી વતી શાર્દુલ ઠાકુરે 4 જ્યારે કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઉપાડી હતી.
પંજાબ કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે પહેલા બોલે જ વોર્નરની વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી ઓપનીંગમાં ઉતરેલા સરફરાઝ ખાન અને મિચેલ માર્શે મળીને 5 ઓવરમાં જ બોર્ડ પર 51 રન મૂકી દીધા હતા. સરફરાઝ 16 બોલમાં 32 રન કરીને આઉટ થયો હતો. માર્શે તે પછી લલિત યાદવની સાથે 47 રનની ભાગીદારી કરી હતી. જો કે દિલ્હીએ નજીકના ગાળામાં જ લલિત યાદવ, ઋષભ પંત અને રોવમેન પોવેલની વિકેટ ગુમાવી દેતા તેમનો સ્કોર 5 વિકેટે 112 રન થયો હતો. માર્શે તે પછી પોતાની બેટીંગને નિયંત્રીત કરીને સ્કોરને 150 નજીક લઇ ગયો હતો ત્યારે તે 48 બોલમાં 63 રન કરીને આઉટ થયો હતો અને 20 ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સ 7 વિકેટે 159 રન સુધી જ પહોંચી શક્યું હતું. પંજાબ કિંગ્સ વતી લિયામ લિવિંગસ્ટોન અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ ઉપાડી હતી. જ્યારે એક વિકેટ કગિસો રબાડાના ખાતામાં ગઇ હતી.