નવી મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી 31મી મેચમાં (Match) પહેલી ઓવરમાં (Over)જ બે વિકેટ ગુમાવવાના કારણે મુસીબતમાં મુકાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 96 રનની અર્ધશતકીય ઇનિંગ રમવાની સાથે જ શાહબાઝ અહેમદની સાથે 70 રનની ભાગીદારી કરીને મુકેલા 182 રનના લક્ષ્યાંક સામે લખનઉ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 8 વિકેટે 163 રન સુધી જ પહોંચતા આરસીબીએ 18 રને જીત મેળવી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમે પાવરપ્લેમાં જ 33 રનના સ્કોરમાં બે વિકેટ ગુમાવી હતી. તે પછી કેપ્ટન રાહુલ પણ 30 રન કરીને જ્યારે દીપક હુડા 13 રન કરીને આઉટ થતાં લખનઉએ 100 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. તે પછી કૃણાલ પંડ્યા 28 બોલમાં 42 રન કરીને આઉટ થયો હતો અને આયુષ બદોની 13 રન કરીને આઉટ થતાં લખનઉએ 135 રનમાં છ વિકેટ ગુમાવી હતી. અંતિમ બે ઓવરમાં 34 રનની જરૂર હતી ત્યારે માર્કસ સ્ટોઇનીસ 24 રન કરીને આઉટ થયો હતો. અંતે લખનઉ 20 ઓવરમાં 8 વિકેટે 163 રન સુધી જ પહોંચતા આરસીબીનો 18 રને વિજય થયો હતો. આરસીબી વતી જોશ હેઝલવુડે 4 વિકેટ ખેરવીને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી દાવ લેવા ઉતરેલી આરસીબીને પહેલી ઓવરમાં જ બે વિકેટ ગુમાવવાના કારણે ફટકો પડયો હતો. જો કે તે પછી કેપ્ટન ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે 37 રનની ભાગીદારી કરી હતી. મેક્સવેલ 11 બોલમાં 23 રનની ટૂંકી ઇનિંગ રમીને આઉટ થયો હતો અને તેના પછી બેટીંગમાં જોડાયેલો સુયશ પ્રભુદેસાઇ પણ 10 રન કરીને આઉટ થયો હતો. ડુ પ્લેસિસ અને શાહબાઝ અહેમદ વચ્ચે 70 રનની ભાગીદારી થઇ હતી. શાહબાઝ 26 રન કરીને આઉટ થયો હતો. ડુ પ્લેસિસ અંતિમ ઓવરના પાંચમા બોલે આઉટ થયો હતો. તેણે 64 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 96 રનની ઇનિંગ રમી હતી.