Sports

જેનો ડર હતો તે જ થયું: પાંચમી ટેસ્ટ રોહિત નહીં રમે, 35 વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં દેખાશે આ બદલાવ

નવી દિલ્હી : ભારતીય ટીમના (Indian Team) કેપ્ટન રોહિત શર્માનો બુધવારે કરાયેલા કોરોના ટેસ્ટનું (Corona Test) પરિણામ ફરી પોઝિટિવ (Possitive) આવતા હવે તે ઇંગ્લેન્ડ સામે આગામી પહેલી જુલાઇથી રમાનારી એકમાત્ર ટેસ્ટમાંથી આઉટ (Out) થઇ ગયો છે અને તેના સ્થાને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ભારતીય ટીમનું સુકાન સંભાળતો જોવા મળી શકે છે. આ પહેલા રોહિતનો રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે તેનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ પોઝિટિવ રહ્યો છે.

બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઇને કહ્યું હતું કે રોહિત શર્માનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરીથી પોઝિટિવ રહેવાના કારણે તે પહેલી જુલાઇથી શરૂ થઇ રહેલી ટેસ્ટમાંથી આઉટ થઇ ગયો છે અને તે હાલ આઇસોલેશનમાં જ છે. આ સ્થિતિમાં કેએલ રાહુલની ગેરહાજરીમાં ટીમનો અન્ય વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ ટીમનું સુકાન સંભાળશે.

35 વર્ષ પછી ટીમ ઇન્ડિયાનું સુકાન ઝડપી બોલર સંભાળતો જોવા મળશે
ઇંગ્લેન્ડ સામે રિશેડ્યુલ કરાયેલી ગત વર્ષની પાંચમી ટેસ્ટ પહેલી જુલાઇથી બર્મિંઘમ ખાતે શરૂ થશે ત્યારે તેમાં 35 વર્ષના લાંબા ગાળા પછી ભારતીય ટીમનું સુકાન એક ઝડપી બોલર સંભાળતો જોવા મળી શકે છે. રોહિત શર્માનો કોરોના ટેસ્ટ ફરીથી પોઝિટિવ આવતા તે આ ટેસ્ટમાંથી આઉટ થઇ ગયો છે અને તેના સ્થાને કેએલ રાહુલની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ આ ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળે તેવી સંભાવના છે. જો એમ થશે તો તે કપિલ દેવ પછી છેલ્લાં 35 વર્ષોમાં એવો બીજો ઝડપી બોલર બનશે જેણે ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળ્યું હોય.

ભારતના ટેસ્ટ ઇતિહાસમાં બુમરાહ ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળનારો 36મો કેપ્ટન બનશે
ઇંગ્લેન્ડ સામે પહેલી જુલાઇથી બર્મિંઘમ ટેસ્ટમાં જો જસપ્રીત બુમરાહ ટેસ્ટ ટીમનું સુકાન સંભાળશે તો 1932થી શરૂ થયેલા ભારતીય ટીમના ટેસ્ટ ઇતિહાસમાં તેનું નામ 36માં કેપ્ટન તરીકે લખાઇ જશે. ગુજરાતના આ ઝડપી બોલરે 29 ટેસ્ટમાં 123 વિકેટ લીધી છે અને વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં તેની ગણતરી થવા માંડી છે. પસંદગી સમિતિના ચેરમેન ચેતન શર્માએ તેને પહેલાથી જ ભવિષ્યના સુકાની તરીકે ગણાવ્યો જ છે.

શુભમન ગીલ સાથે ચેતેશ્વર પુજારા અથવા હનુમા વિહારી ઓપનીંગમાં આવશે
અનુભવી રોહિત શર્મા ટેસ્ટની અંતિમ ઇલેવનમાંથી આઉટ થઇ ગયો છે ત્યારે અનુભવી ચેતેશ્વર પુજારા શુભમન ગીલ સાથે દાવની શરૂઆત કરવા માટે ઉતરે તેવી ઉજળી તકો છે. સૂત્રોએ કહ્યું હતું કે મયંક અગ્રવાલને માત્ર કવર તરીકે બોલાવાયો છે અને જ્યાં સુધી વાત પ્લેઇંગ ઇલેવનની છે તો મયંક યોજનામાં સામેલ નથી. સૂત્રો કહે છે કે ગીલ-પુજારાની જોડી જ ઓપનીંગ કરશે, એક શક્યતા એવી પણ છે કે હનુમા વિહારી ગીલ સાથે દાવની શરૂઆત કરી શકે, પણ પુજારાનું જ નામ લગભગ નક્કી છે.

ભારતીય ટીમ સંયોજનમાં માત્ર એક જ મૂંઝવણ, અશ્વિન કે શાર્દુલ
ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમની ઇલેવન લગભગ નક્કી છે. જેમાં 10 ખેલાડીઓના સ્થાન પાકાં થઇ ચૂક્યા છે અને એકમાત્ર મૂંઝવણ એ છે કે બીજા સ્પીનર તરીકે રવિચંદ્રન અશ્વિનને રમાડવો કે પછી ઝડપી બોલીંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને રમાડવો. ટીમ સંયોજન પર નજર નાંખવામાં આવે તો પાંચ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે ચેતેશ્વર પુજારા, શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી અને ઋષભ પંતના નામ આવે છે. ત્રણ ઝડપી બોલર તરીકે જસપ્રીત બુમરાહની સાથે મહંમદ શમી અને મહંમદ સિરાજની પસંદગી આપોઆપ થઇ ચૂકી છે, એક સ્પીનર તરીકે રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે અને બાકી બચેલા એક સ્થાન માટે અશ્વિન અથવા શાર્દુલમાંથી કોઇ એકનો સમાવેશ થશે.

Most Popular

To Top