India

AI સાથે આધ્યાત્મિકતા, સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવ લાઇટ-સાઉન્ડ અને ફાયર શો સાથે ઉજવાશે

સાળંગપુરમાં હનુમાન મંદિરે આ વર્ષે હનુમાન જન્મોત્સવ વિશેષ અને ઐતિહાસિક બનવાનો છે. વિશ્વપ્રસિદ્ધ કષ્ટભંજન દેવના આ ધામમાં ભક્તોને આ વખતે આધ્યાત્મિકતા અને આધુનિક ટેક્નોલોજીનો અનોખો સમન્વય જોવા મળશે. મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક મહિનાથી ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, જેમાં અંદાજે 800થી 1000 લોકોની ટીમે દિવસ-રાત મહેનત કરીને આયોજન પૂર્ણ કર્યું છે. આ વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ ‘AI આધારિત શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શો’ રહેશે. સામાન્ય રીતે આવા શો સ્ક્રીન કે કોઈ સ્ટેજ પર દર્શાવવામાં આવે છે, પરંતુ સાળંગપુરમાં પ્રથમ વખત એવો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં લાઈટ્સ સીધા ભક્તો પર ફોકસ કરીને એક લાઇવ અનુભવ આપશે. આશરે 150 નિષ્ણાતોની ટીમે મળીને તૈયાર કરેલો આ 10 મિનિટનો શો અત્યંત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે.

મૂર્તિના બંને બાજુ આશરે 30-30 ફૂટ ઊંચા સ્કેફોલ્ડિંગ પર કુલ 201 શાર્પી લાઈટો ગોઠવવામાં આવી છે, જેની ડિઝાઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવી છે. આ લાઈટ્સ અને સાઉન્ડનું સંકલન એવું બનાવવામાં આવ્યું છે કે ભક્તોને ઇન્ટરનેશનલ કોન્સર્ટ જેવી અનુભૂતિ થશે. ખાસ તૈયાર કરાયેલા ટ્રેકમાં વેસ્ટર્ન ટ્રાન્સ મ્યુઝિક સાથે પરંપરાગત ધાર્મિક ભાવનાઓને જોડવામાં આવી છે, જેમાં સંતોના અવાજ દ્વારા દાદાના મહિમાનો વર્ણન પણ સામેલ છે. આ ઉપરાંત, કાર્યક્રમમાં ભવ્ય આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લગભગ 100 કલાકારો દ્વારા 14થી 15 મિનિટ સુધી હરિદ્વારની ગંગા આરતી જેવી જ ભવ્ય સાળંગપુર આરતી રજૂ કરવામાં આવશે. આરતી બાદ 8 મિનિટનો ફાયર શો યોજાશે, જેમાં 2000થી વધુ આયાતી ફટાકડાઓનો ઉપયોગ કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે ક્રેનની મદદથી દાદાની વિશાળ મૂર્તિ પાછળથી ફાયર શો કરવામાં આવશે, જેના કારણે મૂર્તિ પાછળ પ્રકાશના ચક્ર કે કિરણો નીકળતા હોય તેવો દ્રશ્યો સર્જાશે, જે સામાન્ય રીતે વિદેશી શોમાં જ જોવા મળે છે. ઉજવણીના બીજા દિવસે હનુમાન જન્મોત્સવના મુખ્ય પ્રસંગે વિશેષ કેક કટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આકાશમાંથી 1 લાખ જેટલા બલૂન છોડવામાં આવશે અને બ્લોઅર દ્વારા રંગીન કાગળ ઉડાડીને ભવ્ય માહોલ ઉભો કરવામાં આવશે. આ રીતે સાળંગપુરમાં આ વર્ષની હનુમાન જયંતિ આધ્યાત્મિકતા, ભક્તિ અને આધુનિક ટેક્નોલોજીનો અનોખો મેળાપ બનીને ભક્તોને એક યાદગાર અનુભવ આપશે.

Most Popular

To Top