Columns

આકાશમાં જાસૂસો!

વર્તમાનમાં બલૂનનું દેખાવું આશ્ચર્યજનક લાગે પણ તેની પાછળ ચોક્કસ ગણતરી માંડવામાં આવી છે! યુદ્ધ ઉપરાંત નવી ટેક્નોલોજી સાથેનાં ફુગ્ગાઓ આધુનિક સમયમાં પણ ઉપયોગમાં લેવાય છે! અમેરિકાને તે અનુભવ પહેલેથી છે, 2021માં યુદ્ઘગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી સૈન્યને પીછેહઠ કરાવવાં પહેલાં અમેરિકાએ તાલિબાન પર નજર અને નિયત્રંણ ટકાવી રાખવા અફઘાનિસ્તાનમાં કેમેરા સાથે માઉન્ટ થયેલ એરોસ્ટેટ્સ નામના હિલીયમ ભરેલા વિમાનને તૈનાત કર્યા હતા. અમેરિકાએ ફુગ્ગાઓનો ઉપયોગ પોતાની ભૂમિ પર પણ કર્યો હતો. પેન્ટાગોને 2019થી 6 મધ્યપશ્ચિમ રાજ્યોમાં સર્વેલન્સ પરીક્ષણો કરવા માટે 25 માનવરહિત સૌર-સંચાલિત બલૂન મોકલ્યા છે!

અમેરિકાનાં એર સ્પેસમાં દેખાયાં અને મળી આવેલાં હાઈ એલ્ટિટ્યુડ સર્વેલન્સ બલૂન! દાવો છે કે તે ચીને મોકલ્યો હતો. આવી રીતભાત ચીનની ખાસિયત છે! તેનું એક કારણ એ પણ છે કે બલૂનનો ઉપગ્રહો પર ફાયદો છે કારણ કે તેઓ નીચી ઉંચાઈથી મોટા વિસ્તારને સ્કેન કરી શકે છે! તેમજ લક્ષ્ય વિસ્તાર પર વધુ સમય પસાર કરી શકે છે કારણ કે તેઓ ઉપગ્રહો કરતાં ધીમી ગતિએ આગળ વધે છે! આમ ઉપગ્રહ કરતાં બલૂનથી જાસૂસી ઝડપી અને વધુ વિસ્તાર આવરી લેતી વ્યવસ્થા છે. જ્યારથી ઉપગ્રહોને લક્ષ્ય બનાવવાં લેસર અને ગતિમાન શસ્ત્રો વાપરવામાં આવ્યાં છે ત્યારથી ફુગ્ગા ફરી કામમાં આવતાં દેખાયાં છે. ફુગ્ગાઓમાં ઉપગ્રહોની જેમ સતત દેખરેખનું સ્તર હોતું નથી પણ તે લોન્ચ કરવા માટે ખૂબ સસ્તું અને ફરી મેળવી પ્રાપ્ત કરવામાં સરળ છે. નીચે ધીમી મુસાફરી કરતાં બલૂન દેખાવે જોવામાં સરળ નથી હોતાં!

ઉપગ્રહોને અવકાશમાં મોકલવા માટે, સ્પેસ લોન્ચરની જરૂર પડે છે જેનો ખર્ચ લાખો ડોલર થઈ શકે છે. તે સરખામણીમાં બલૂન સસ્તી અને સુગમ જાસૂસી માટે ઉપયોગી સાધન બન્યાં છે! અલબત્ત અમેરિકાની ચિંતા વધારી છે.આ પહેલીવાર થયું નથી. રાષ્ટ્રો બીજાં દેશોની માહિતી જાણવાં અને એકત્ર કરવાં જાસૂસી ફુગ્ગા કામે લગાડવામાં આવે છે! પહેલીવાર આવાં બલૂન શત્રુ ગતિવિધિ જાણવાં લગભગ 1800 વરસ પહેલાં ફલુરસનાં યુધ્ધ દરમ્યાન ઉપયોગમાં લેવાયા હતાં.

તાજેતરમાં અમેરિકાએ કહ્યું છે કે તેઓ એક શંકાસ્પદ સર્વેલન્સ બલૂનને ટ્રેક કરી રહ્યાં છે જે તેમની યુક્તિ મુજબ માને છે કે ચીને મોકલ્યો હતો. અધિકારીઓએ માહિતી આપી હતી કે,યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે એક ઉચ્ચ-ઉંચાઇ પર દેખરેખ કરતું બલૂન શોધી કાઢ્યું હતું. ઊંચાઈએ ઉડતું બલૂન એરસ્પેસમાં થોડા દિવસોથી મંડરાયેલું છે. જે ખંડીય યુનાઇટેડ સ્ટેટ્સ પર છે. બલૂન વાણિજ્યિક હવાઈ ટ્રાફિકથી વધુ ઊંચાઈએ ફરી રહ્યું હોવાથી અને જમીન પર લોકો માટે લશ્કરી અથવા ભૌતિક ખતરો ઊભું કરતું ન હતું.

એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ઉચ્ચ આત્મવિશ્વાસ સાથે કહી શકાય તેમ કે તે એક ચાઈનીઝ બલૂન છે! જે માહિતી એકત્રિત કરવા માટે સંવેદનશીલ સ્થળો આસપાસ આભ પર ઉડી રહ્યું છે! તે સૌપ્રથમ પશ્ચિમી રાજ્ય મોન્ટાના પર જોવામાં આવ્યું હતું, જે માલમસ્ટ્રોમ એર ફોર્સ બેઝ ખાતે દેશના ત્રણ પરમાણુ મિસાઈલ સિલો ક્ષેત્રોમાંથી એક ધરાવે છે. રાષ્ટ્રપતિ જો બિડેનને પરિસ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા, તેમને લશ્કરી વિકલ્પો માટે પૂછવા માટે પૂછવામાં આવ્યું. જો કે, પેન્ટાગોને તેની વિરૂધ્ધ ભલામણ કરી હતી.

શા માટે US એ ઊંચાઈવાળા બલૂનને નીચે ન માર્યું? જાસૂસ બલૂન શું છે અને ભૂતકાળમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે? તેઓને ઉપગ્રહો પર કયા ફાયદા છે? તે નજીકથી જાણવા જેવું છે! એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ ત્યાં સુધી માન્યું કે જો વ્હાઇટ હાઉસ આદેશ આપે તો તેમણે F 22 સહિત ફાઇટર જેટ તૈયાર હતાં. જો કે, વહીવટીતંત્રનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને આર્મી જનરલ માર્ક મિલીએ બિડેનને કાટમાળમાંથી લોકોની સલામતી જોખમમાં ન આવે તે માટે ‘ગતિજન્ય પગલાં’ લેવા તરફ અવગણના કરવાની સલાહ આપી હતી. તે સંભવિત વિસ્તારની આસપાસનાં એરસ્પેસને ખાલી કરવાં માટે નાગરિક સત્તાવાળાઓ સાથે સંકલન કરી અધિકારીઓ પાકી ખાતરી કરી લેવાં માંગે છે.

ત્યાં રક્ષણાત્મક પગલાં લેવામાં આવ્યાં હોવા છતાં તે લશ્કરી કમાન્ડરોનો ચુકાદો હતો કે અમે જોખમને પૂરતું ઓછું કર્યું નથી. તેથી બલૂન પર શોટ માર્યો નહીઁ. મહત્વપૂર્ણ બાબત એ છે કે તેનાં પર નજર દૂરથી જ હતી! US એરસ્પેસમાં પ્રવેશે તે પહેલાં જાસૂસ બલૂનને અલેયુટિયન ટાપુઓ – દક્ષિણ અલાસ્કાથી વિસ્તરેલી લાંબી ટાપુ ચેઈન – અને કેનેડા નજીક જોવામાં આવ્યું હતું ત્યારથી તેની ગતિવિધિ નોંધવામાં આવી રહી છે. આ ઉપરાંત કેનેડાનાં રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગે અલગથી ટાંકીને જણાવ્યું હતું કે તેમણે ઊંચાઈ પર દેખરેખ કરતું બલૂન શોધી કાઢ્યું હતું! તેમનાં મતે તેનું લક્ષ્ય અન્યત્ર હતું.

જાસૂસી ફુગ્ગાઓ સામાન્ય ઢબે કેમેરા વહન કરે છે. તેનો ઉપયોગ સર્વેલન્સ અને એરિયલ રિકોનિસન્સ માટે થાય છે. પવનનાં જોરમાં લહેરાતાં બલૂનમાં રડાર જેવાં સાધનો પણ હોઈ શકે છે! આ ફુગ્ગાઓ સાધારણ સ્તરે 80,000- 120000 ફીટ ઊંચી ઉડાન પર કામ કરે છે, કોમર્શિયલ એરલાઇન્સ ઉડે છે જે મોટાભાગે ક્યારેય 12000 મીટર કે 40000 ફીટ કરતાં વધારે નથી હોતી. એરફોર્સની એરપાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટેનાં 2005નાં અભ્યાસ પ્રમાણે આ ફુગ્ગાઓ સીધી રીતે ચલાવવામાં આવતા નથી પરંતુ વિવિધ પવનનાં પ્રવાહોને પકડવા માટે ઊંચાઈ બદલીને આશરે લક્ષ્ય વિસ્તાર તરફ માર્ગદર્શન આપી શકાય છે. યુદ્ધો દરમિયાન ખાસ કરીને જાસૂસ ફુગ્ગાઓ તૈનાત કરવા એ નવી વાત નથી.

નેશનલ વર્લ્ડ વોર મ્યુઝિયમ અને મેમોરિયલની માહિતી અનુસાર ફ્રી અને કેપ્ટિવ બલૂન ફ્રેન્ચ ક્રાંતિ (1789 – 1794) સુધી શોધી શકાયા છે, ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ડિરિજિબલ્સ લોન્ચ કરવામાં આવ્યાં હતા, જેને ગ્રેટ વોર 1914 થી 1918 તરીકે પણ ઓળખવામાં આવે છે! 1861માં અમેરિકન ગૃહ યુદ્ધ દરમિયાન USA યુનિયન આર્મી બલૂન કોર્પ્સની સ્થાપના કરી. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીનાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર અભ્યાસનાં પ્રોફેસર જ્હોન બ્લેક્સલેન્ડે જણાવ્યું હતું કે યુનિયન ટુકડીઓ દૂરબીન વડે ગરમ હવાનાં ફુગ્ગાઓ પર બેસીને કન્ફેડરેટ સ્ટેટ્સ આર્મી વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.તેઓએ મોર્સ કોડ અથવા પથ્થર સાથે બાંધેલા કાગળનાં ટુકડા સાથે સિગ્નલ પાછાં મોકલ્યા હતાં.

1918માં USની 8મી બલૂન કંપનીનું કેપ્ટિવ બલૂન મ્યુઝ-આર્ગોન ઓફેન્સિવ દરમિયાન 20 માઈલ (અંદાજે 32 કિમી) આગળ ઉડ્યું હતું. UKની દરેક રોયલ ફ્લાઈંગ કોર્પ્સ બ્રિગેડ પાસે કાઈટ બલૂન વિંગ હતી! આમાંની કેટલીક પ્રણાલીઓ અત્યંત ઉચ્ચ ફ્રીક્વન્સીઝનો ઉપયોગ કરે છે જે ટૂંકી રેન્જની હોય છે, જે વાતાવરણ દ્વારા શોષી શકાય છે અને લાઇન-ઓફ-સાઇટ ખૂબ જ દિશાસૂચક હોય છે. સંભવ છે કે ઉપગ્રહ કરતાં આવા વિશિષ્ટ ટેકનિકલ સંગ્રહ માટે બલૂન વધુ સારૂ કલેક્શન પ્લેટફોર્મ હોઈ શકે! દેશ અને દુનિયા માટે ફરી ફુગ્ગા પડકાર બને તે સંભવ છે!

Most Popular

To Top