દુર્ગાપુર: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સ્પાઈસ જેટની ફ્લાઈટ તોફાનમાં ફસાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના પગલે 40 મુસાફરો ઘાયલ થયા હતા. જ્યારે 10ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સ્પાઈસ જેટનું વિમાન બોઈંગ B737 બંગાળના દુર્ગાપુરમાં કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ લેન્ડિંગ દરમિયાન વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. જોકે પાયલોટે સફળતાપૂર્વક વિમાનનું રનવે પર લેન્ડિંગ કરાવ્યું હતું.
તમામ ઈજાગ્રસ્તોને માથા પર ઈજા
હાલમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લગભગ તમામ ઈજાગ્રસ્તોને માથા પર ઈજા થઈ હતી. સમગ્ર દુર્ઘટના મામલે સ્પાઈસ જેટે જણાવ્યું હતું કે મુંબઈથી દુર્ગાપુર જતી તેની બોઈંગ B737 એરક્રાફ્ટ ઓપરેટ કરતી ફ્લાઈટ SG-945ને લેન્ડિંગ વખતે ગંભીર જોખમનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે કમનસીબે કેટલાક મુસાફરોને ઈજાઓ થઈ હતી. સ્પાઇસજેટે આ ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
ફુડ ટ્રોલી સાથે અથડાવાથી બે મુસાફર ગંભીર રીતે ઘાયલ
એક રિપોર્ટ મુજબ, પાયલોટે ખતરાને ધ્યાનમાં રાખીને સીટ બેલ્ટની સાઈન ઓન કરી દીધી હતી. એ પછી પણ ફુડ ટ્રોલી સાથે અથડાવાથી બે મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, વિમાન દુર્ગાપુર સ્થિત કાજી નજરલ ઈસ્લામ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે વાવાઝોડામાં ફસાયું હતું. ફ્લાઈટ ડગમગતાં કેબિનમાં રાખવામાં આવેલો સામાન પડવા લાગ્યો હતો. એને પગલે લગભગ 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે 10 મુસાફરોની હાલત ગંભીર છે પરંતુ તેઓ ખતરાની બહાર છે.
કાલ બૈસાખી શું છે?
સ્પાઈસજેટની ફ્લાઈટ લેન્ડિંગ પહેલાં કાલ બૈસાખી તોફાનમાં ફસાઈ ગયું હતું.તોફાનના કારણે પ્લેન હવામાં ડૂબકી મારવા લાગ્યું હતું. કાલ બૈસાખી એટલે વાદળોની ગર્જનાની સાથે વીજળી પડવી અને ઝડપી હવા ફૂંકાવવો. આ એક સામાન્ય ઘટના છે. જે એપ્રિલ અને મેમાં ઝારખંડ, બિહાર, પં.બંગાળ અને ઓડિશામાં જોવા મળે છે. મોટા ભાગે આ ઘટના વૈશાખ મહિનામાં થાય છે, આ કારણે એને કાલ બૈસાખી કહેવામાં આવે છે. જો કે વાવાઝોડામાં પ્લેન કેવી રીતે ફસાઈ ગયું તે અંગે તપાસ ચાલી રહી છે.