જીવનના દરેક તબક્કે નાના અથવા મોટા રિસ્ક લેવાના તબક્કા આવતા હોય છે. આવા રિસ્ક એટલે કે થોડું કે મોટું જોખમ લેવાની તમારી નિર્ણયશક્તિ, તમારા વ્યક્તિત્વ અથવા તો ઓર્ગેનાઇઝેશનના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઝડપી નિર્ણય લેવામાં ત્વરિત નિર્ણયશક્તિ હંમેશાં મદદરૂપ થતી હોય છે. આપણે હંમેશાં જોયું છે કે જે મહાન વ્યક્તિઓએ પોતાના ઓર્ગેનાઇઝેશનને નવી ઊંચાઈએ પહોંચાડી છે, તે વ્યક્તિઓએ તેમના જીવનના કોઈ ને કોઈ તબક્કે જોખમ ઉઠાવીને સંસ્થાને હાલની પરિસ્થિતિમાં વિકસાવી છે. આનું શ્રેષ્ટ ઉદાહરણ છે – રોબિન ગોયંકા.
ગુજરાતમાં સંકલ્પ ગ્રુપનું નામ ખૂબ જાણીતું છે. સંકલ્પ ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર રોબિન ગોયંકા ફર્સ્ટ જનરેશન એન્ત્રોપ્રેન્યોર છે. પોતાની ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાને લીધે રોબિનભાઈનું નામ ખૂબ જાણીતું બન્યું છે. સંકલ્પ ગ્રુપ હાઈ કવોલિટી કન્સ્ટ્રક્શન માટે આખા ગુજરાતમાં ખૂબ જાણીતું છે. તાજેતરમાં જ સંકલ્પ ગ્રુપે ફાર્માસ્યુટિકલસના વ્યવસાયમાં પણ ઝંપલાવ્યું છે. કંપનીના વડા રોબિનભાઈ તેમની નિર્ણયશક્તિ અને એક સાથે અનેક કામ કરવા માટે જાણીતા છે. રોબિનભાઈના ટેબલ પર કોઈ પણ વસ્તુ ક્યારેય પેન્ડિંગ નથી હોતી.
રોબિન ગોયંકાના મતે રિસ્ક લીધા વગર પ્રગતિ નથી. તમે કોઈ સંસ્થામાં કામ કરતા કર્મચારી હો કે સંસ્થાના માલિક હો, ક્યારે અને કેટલું રિસ્ક લેવું, જો તમે આટલું જાણતા હો તો તમારા વિકાસને કોઈ રોકી ન શકે. રોબિનભાઈ પોતાની સફળતા માટે કંપનીની ટીમ અને પોતાના ફેમિલીને શ્રેય આપે છે. રોબિનભાઈનું માનવું છે કે જ્યારે ઝડપી નિર્ણય લો, ત્યારે કોઈ વખત નિર્ણય ખોટો પણ પડી શકે છે પરંતુ નહિ લીધેલો નિર્ણય અથવા ઢીલાશ રાખવાથી પોતાને અને કંપનીને વધુ નુકસાન થાય છે. રોબિનભાઈની એક ફિલોસોફી ખૂબ જ મહત્ત્વની અને જાણવા જેવી છે કે ત્વરિત નિર્ણય લો અને જે નિર્ણય લીધો છે, તે સાચો જ નિર્ણય છે તે હાંસલ કરવા માટે અથાગ પ્રયત્ન કરો.
રોબિન ગોયંકાની બિઝનેસ ફિલોસોફીમાં એથિક્સ અને કમિટમેન્ટ પ્રથમ સ્થાને છે. રોબિનભાઈ માને છે માબાપના સારા સંસ્કારોને આગળ ધપાવવા એ જ મારું લક્ષ છે. તેઓ માને છે કે બિઝનેસમાં હંમેશાં રિસ્ક તો રહેવાનું જ, પરંતુ તમે જે કંઈ કમિટમેન્ટ આપ્યું હોય તેને પૂરું કરવાનો પ્રયત્ન કરશો તો માર્કેટમાં તમારી ક્રેડિબિલિટી જળવાઈ રહેશે.
રોબિન ગોયંકાના મતે આજના સ્પર્ધાત્મક યુગમાં જો તમારે ટકી રહેવું હોય તો તમારે દરેક કામમાં ઝડપ રાખવી પડે. દિવસની શરૂઆત વહેલી સવારથી કરનારા રોબિનભાઈ પોતાની ઓપેરેશન એક્ટિવિટિસમાંથી બપોરે 12 વાગે તો ફ્રી થઇ જાય છે.
બાકીનો સમય તેઓ ડેવેલોપમેન્ટ એક્ટિવિટિસ માટે રાખે છે. રોબિનભાઈના શબ્દોમાં જો તમારે બિઝનેસમાં સફળતા મેળવવી હોય તો ઊંડાણમાં ઊતરવું પડે. જેટલા બિઝનેસ અને માર્કેટને સમજવા માટે ઊંડા ઊતરશો એટલી જ તમને વધુ સફળતા મળશે. જીવનમાં રિસ્ક નથી તો વિકાસ નથી. જો તમારે વિકાસ કરવો હોય તો તમારે જોખમ તો લેવું જ પડે. તમે દરિયાકિનારે ઊભા રહીને દરિયાઈ સાહસો ખેડવાના ફક્ત ખ્યાલ ન કરી શકો. તે માટે તમારે દરિયામાં ઝંપલાવવું જ પડે.
ubhavesh@hotmail.com