સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર, ર૦રર દરમ્યાન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, અઠવા, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરનાં પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગયા વર્ષે કોરોનાની બીજી લહેરને લીધે આ એક્ઝિબિઝન રદ થયું હતું. હવે જ્યારે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની સ્થિતિ સુધરી છે ત્યારે આ વખતે બીટુસી ધોરણે એક્ઝિબિઝન યોજાશે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેક્ચરીંગ મોટા પાયા ઉપર થઇ રહ્યું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહ્યું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે.
સ્પાર્કલ પ્રદર્શનમાં સુરતના બાયર્સ આવતા જ હોય છે. પરંતુ લગ્નસરા હોવાથી આ વખતે નવસારી, બારડોલી અને વાપી વિગેરે દક્ષિણ ગુજરાતમાંથી એનઆરઆઇને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ અવનવી ડિઝાઇનર્સ જ્વેલરી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જ્વેલરી મેન્યુફેક્ચરીંગ અને ડિઝાઇનીંગમાં સુરતની કેપેસિટી પણ વધી રહી છે ત્યારે સ્પાર્કલ એક્ઝિબિઝનને હવે સુરત પૂરતું જ સીમિત રાખવામાં આવશે નહીં. સુરતમાં વર્ષોથી સફળ આયોજન બાદ સ્પાર્કલ એક્ઝિબિઝનને અમદાવાદ, રાજકોટ, મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા દેશના મેટ્રો શહેરો સુધી લઇ જવાનો પ્રયાસ ચેમ્બર દ્વારા કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલ માર્કેટ પુરું પાડવાના હેતુથી યુ.એસ.એ. અને દુબઇ ખાતે એક્ઝિબિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું, આથી સુરતના હીરાના ઉદ્યોગપતિઓ તેમજ જ્વેલર્સ પણ તેઓની જ્વેલરી વૈશ્વિક બજારમાં મુકી શકે તે માટે ચેમ્બર દ્વારા ભવિષ્યમાં યુએસએ, દુબઇ તથા અન્ય દેશોમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
ચેમ્બરના ઓલ એક્ઝિબિઝન્સ ચેરમેન તેમજ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાત તથા દેશભરના બાયર્સને સ્પાર્કલ પ્રદર્શનની પ્રતિક્ષા હોય છે. સ્પાર્કલના આયોજનમાં આ વર્ષે પણ શહેરના જ્વેલરી તેમજ હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ જે ઉત્સાહ દાખવ્યો છે. પ્રદર્શનમાં રપથી વધુ જ્વેલર્સ ભાગ લઇ રહ્યા છે.
સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરને જ્વેલરી હબ બનાવવાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું. વિશ્વભરમાં વેચાતા ૧૦૦ માંથી ૯૦ ડાયમંડ સુરતમાં બને છે અને સુરતના જ્વેલર્સ અવનવી ડિઝાઇન બનાવવા માટે આગવી તૈયારી કરી રહ્યા છે ત્યારે સુરત વિશ્વનું જ્વેલરી હબ બની શકે છે. આવું એટલા માટે થઇ શકે છે કે સુરત જ્વેલરી ડિઝાઇનીંગ ફેક્ટર્સમાં પણ આગળ છે.
એક લાખથી એક કરોડ સુધીની કિંમતની જવેલરી રજૂ કરાશે
પોલકી ડાયમંડ, ફેન્સી ડાયમંડ, એન્ટી ગોલ્ડ જેવી સુરતમાં ડિઝાઇન થતી જ્વેલરી ભારતભરમાં વખણાય છે. આ એક્ઝિબિઝનમાં રૂપિયા ૧ લાખથી લઇને રૂપિયા ૧ કરોડ સુધીની કિંમતની જ્વેલરી રજૂ કરવામાં આવશે.
સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના કો–ચેરમેનો નિખિલ દેસાઇ, સ્નેહલ પચ્ચીગર, પ્રતાપ જીરાવાલા અને સલિમ દાગીનાવાલાએ પણ આ પ્રદર્શનને સફળ બનાવવા પ્રયાસ કર્યા છે. સ્પાર્કલ પ્રદર્શનને સુરત, અમદાવાદ, વડોદરા, નવસારીના જ્વેલર્સ એસોસિએશન અને જવેલરી મેન્યુ.એસો.એ સહયોગ આપ્યો છે.