મેડ્રિડ: સ્પેનમાં (Spain) ભયંકર હિમતોફાન દરમિયાન એક 1 વર્ષની બાળકીને 4 ઈંચ મોટા કરા વાગતા તેનું મૃત્યુ (Death) થયું હતું, દેશમાં અત્યારે ખરાબ હવામાનનો તબક્કો ચાલી રહ્યો છે. લા બિસબલ દે ઈમ્પોર્ડાના કેટલાન અને તેની આસપાસના વિસ્તારોમાં બરફના કરાથી ઈજા પામેલા 30 લોકોમાં તે બાળકી પણ હતી. તેને મંગળવારે તુરંત જ જોસેપ ટ્રુટા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પણ માથાની ગંભીર ઈજાના કારણે બુધવારની સવારે તેનું મૃત્યુ થયું હતું.
અન્ય ઈજાગ્રસ્ત લોકોમાં મોટાભાગનાને માથામાં ઈજા થઈ હતી અથવા બરફથી કપાઈ ગયા હતાં સાથે જ અમુકના હાટકા તૂટી ગયા હતાં.
ફ્રાન્સની સીમાની નજીક આવેલા આ પર્યટક શહેરમાં ટેનિસ બોલના આકારના કરા પડતા કેટલીક ઈમારતો અને કારો પણ ક્ષતિગ્રસ્ત થઈ હતી, છતની ટાઈલ્સો તૂટી ગઈ હતી જ્યારે સોલર પેનલ પર ડેન્ટ પડી ગયા હતાં. કેટલાનના હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં આટલા મોટા કરા નથી પડયા. મંગળવારની સાંજે 7.30 વાગે બરફનો તોફાન શરૂ થયો હતો જેની થોડીક જ મિનિટમાં તે બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી, તોફાન 15 મિનિટ સુધી આવ્યો હતો. જો કે આ બાળકી કયા વિસ્તારથી આવી હતી અને તેની નાગરિકતા અંગે હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી. તસવીરો અને વીડિયોમાં દેખાય છે કે વિશાળ બરફના કરાઓ જમીન પર પૂરઝડપથી પડી રહ્યા છે. ગલીઓ અને માર્ગો પર બરફના અને તૂટેલા કાંચના ટુકડાઓ વિખરાયેલા જોવા મળ્યા હતાં.