Editorial

એેસએન્ડપીએ ભારતનું રેટિંગ વધાર્યું: ટ્રમ્પના મોઢે તમાચો

ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સી S&Pએ ગુરુવારે ભારતનું સોવેરિન ક્રેડિટ ૧૮ વર્ષ પછી અપગ્રેડ કરીને સ્ટેબલ આઉટલૂક સાથે  ‘BBB’ કર્યું હતું, જે માટે તેણે કારણ તરીકે મજબૂત આર્થિક વિકાસ, નાણાકીય સઘનીકરણ માટેની રાજકીય  પ્રતિબધ્ધતા અને ફુગાવો કાબૂમાં રાખવા માટે સાનુકૂળ નાણાકીય નીતિને દર્શાવ્યા હતા. નોંધપાત્ર રીતે આ એના થોડા દિવસો પછી જ બન્યું છે જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃત અર્થતંત્ર તરીકે ગણાવ્યું હતું. 

ટ્રમ્પના આ બખાળાનો જો કે ભારતે તો જવાબ આપ્યો જ છે પરંતુ એક અગ્રણી વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારતનું રેટિંગ વધાર્યું તે ટ્રમ્પને એક મોટો તમાચો છે. વધુમાં આ રેટિંગ એજન્સીએ પોતાના અભિપ્રાયમાં એમ પણ કહ્યું છે કે અમેરિકાના  ટેરિફ ભારતને કોઇ મોટી અસર કરી શકશે નહી. ટ્રમ્પને આ બીજો એક આંચકો છે. S&P એ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર પર અમેરિકી ટેરિફની અસર કામ પાર પાડી શકાય તેવી રહેશે, અને ઉમેર્યું હતું કે અમેરિકાને કરાતી નિકાસ પર 50 ટકા ટેરિફ (જો લાદવામાં આવે તો) ભારતના વિકાસ સામે નક્કર  તાણ ઉભી કરશે નહીં. 

ભારત સરકારે સ્વાભાવિક રીતે જ આ રેટિંગ અપગ્રેડને આવકારતા સરકારની કામગીરીને આનો યશ આપ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આઝાદી પછી શરૂઆતથી જ ક્રમશ: ભારતના અર્થતંત્રનો પાયો મજબૂત થતો ગયો છે અને આર્થિક  ઉદારીકરણ પછી ૧૯૯૩થી તો ભારતે વૈશ્વિક પ્રવાહ સાથે તાલ મેળવ્યો અને દેશની સ્થિતિનું ધ્યાન રાખીને આર્થિક ખુલ્લાપણાની નીતિ અપનાવી પછી તો દેશનું અર્થતંત્રનો પાયો ખૂબ મજબૂત બનવા માંડ્યો. ટ્રમ્પ જેવાઓ ભારતના  અર્થતંત્રને મૃત કહે તેથી તે કંઇ મૃત થઇ જતું નથી.

જાન્યુઆરી  2007માં S&P એ ભારતને ‘BBB-’ ના સૌથી નીચા રોકાણ ગ્રેડ રેટિંગ પર મૂક્યું હતું. ‘BBB’ માં રેટિંગ અપગ્રેડ કરવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય કંપનીઓના ધિરાણ લેવાના ખર્ચમાં ઘટાડો થશે. ‘BBB’ એ એક રોકાણ  ગ્રેડ રેટિંગ છે અને દેશની દેવાની જવાબદારીને આરામથી પૂર્ણ કરવાની ક્ષમતામાં સુધારો દર્શાવે છે. કોઇ વૈશ્વિક એજન્સી દ્વારા આ બીજું સોવરિન રેટિંગ રિવિઝન છે. આ વર્ષની શરૂઆતમાં, મોર્નિંગસ્ટાર DBRS એ ભારતના ઇશ્યુઅર રેટિંગને  ‘BBB (લો)’ થી ‘BBB’ માં અપગ્રેડ કર્યું હતું.

ભારતનું અપગ્રેડ તેના તેજીમય આર્થિક વિકાસને પ્રતિબિંબિત કરે છે. S&P ગ્લોબલ રેટિંગ્સે ભારત પર તેના લાંબા ગાળાના અનસોલિસિટેડ સોવરિન ક્રેડિટ રેટિંગને ‘BBB-’ થી વધારીને ‘BBB’ અને તેના ટૂંકા ગાળાના રેટિંગને ‘A-3’ થી ‘A-2’ કર્યા છે. આર્થિક રિકવરી હવે સારી રીતે ટ્રેક પર છે. S&P નાણાકીય વર્ષ 2026 માં GDP ના 7.3 ટકા સરકારી ખાધ નાણાકીય વર્ષ 2029 સુધીમાં ઘટીને 6.6 ટકા થવાની આગાહી કરે છે.

ભારતની મહામારીના નીચલા સ્તરમાંથી રિકવરી તેને વિશ્વના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઉભરતા બજાર અર્થતંત્રોમાં સ્થાન આપે છે. આર્થિક વિસ્તરણ સારી ગતિ સાથે વધુ ટકાઉ સ્તર તરફ સામાન્ય થઈ રહ્યું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે  મજબૂત ગ્રાહક અને જાહેર રોકાણ ગતિશીલતા નાણાકીય વર્ષ 2026 માં વાસ્તવિક GDP વૃદ્ધિને 6.5 ટકા અને આગામી ત્રણ વર્ષમાં સરેરાશ 6.8 ટકા સુધી પહોંચાડશે એમ S&P એ જણાવ્યું હતું. આ વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારતના અર્થતંત્રના કરેલા અઢળક વખાણ ટ્રમ્પને ખસિયાણા પાડી દેવા માટે પુરતા છે. ફરી એકવાર કહીએ કે ટ્રમ્પના કહેવાથી ભારતનું અર્થતંત્ર કંઇ મૃત થઇ જતું નથી.  

Most Popular

To Top