દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ પર નવ વિકેટથી વિજય મેળવીને સેમિફાઇનલ તરફ એક મોટું પગલું ભર્યું. આ વિજય માત્ર આફ્રિકન ટીમ માટે જ નહીં પરંતુ ટીમ ઇન્ડિયા માટે પણ રાહતનો શ્વાસ લીધો. અમદાવાદના Narendra Modi Stadium ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરી હતી. શરૂઆતથી જ કેરેબિયન ટીમ દબાણમાં આવી ગઈ હતી અને 83 રન સુધીમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, જેસન હોલ્ડર (49) અને રોમારિયો શેફર્ડ (52) વચ્ચે 89 રનની જબરદસ્ત ભાગીદારી થતાં ટીમ 176 રન સુધી પહોંચી શકી. 177 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાએ તાબડતોબ શરૂઆત કરી. ક્વિન્ટન ડી કોક (47) અને કેપ્ટન એડન માર્કરમે માત્ર 8 ઓવરમાં 95 રનની ભાગીદારી કરીને મેચનો રુખ સ્પષ્ટ કરી દીધો. માર્કરમે 82 રનની અણનમ અને ઐતિહાસિક ઇનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. રાયન રિકલ્ટન પણ 45 રન સાથે અણનમ રહ્યો અને ટીમે સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું. બોલિંગમાં લુંગી એનગિડીએ 3 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ લાઇનને ઝંઝોડી નાખી, જ્યારે કગીસો રબાડા અને કોર્બિન બોશે 2-2 વિકેટ ઝડપી મહત્વનો ફાળો આપ્યો. આ જીતથી દક્ષિણ આફ્રિકાની સેમિફાઇનલની દાવેદારી મજબૂત બની છે. સાથે જ ભારત માટે પરિસ્થિતિ અનુકૂળ બની છે. હવે ભારત જો પોતાની બાકીની 2 મેચ જીતી જાય, તો સેમિફાઇનલમાં પ્રવેશનો રસ્તો લગભગ સાફ થઈ શકે છે. હાલ ઇન્ડિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ ચાલુ છે. આ મેચ ટીમ ઇન્ડિયા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.