વાપી : શોસિઅલ મીડિયાનું (Social Media) ઘેલું યુવકોમાં બેહદ રીતે લાગ્યું છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તેઓ અપરાધ કરી બેસે છે.આવો જ એક કિસ્સો વાપીના (Vapi) છીરીમાં બન્યો હતો. અહી રહેતો અને નોકરી કરતો 19 વર્ષના યુવકે તેના જન્મ દિવસની (Birthday) ઉજવણી કરવા માટે મિત્રો સાથે એપાર્ટમેન્ટના પાર્કિંગની જગ્યામાં તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી. તલવારથી કેક કાપતો વિડિયો સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરતા જાહેરનામાના ભંગ માટે ડુંગરા પોલીસ છીરીમાં રહેતા રાજપૂત યુવકની ઘરે પહોંચી હતી. આમ ઇન્સ્ટાગ્રામમાં તલવારથી કેક કાપતો વીડિયો દેખાતા પોલીસે યુવક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તલવાર કબજે લઈ તેની અટક કરી હતી.અને અંતે તેને જેલની હવા ખાવાની નોબત આવી હતી.
બે દિવસ પહેલા બર્થડે ઉજવી હતી
વાપીના છીરી ગામમાં વલ્લભનગર સાંઈ મિલન કોમ્પ્લેક્ષમાં ફ્લેટ નં. 207માં રહેતો પ્રતિકસીંગ અજયસીંગ રાજપૂત મૂળ ઉત્તર પ્રદેશ જૌનપુર જિલ્લાના ગોપીપુર ગામનો વતની છે. 26 ડીસેમ્બરે તેનો જન્મ દિવસ હતો. જન્મ દિવસની રાત્રે નવ વાગ્યાના અરસામાં પ્રતિકસીંગ તેના મિત્રો સાથે સાંઈ મિલન કોમ્પ્લેક્ષના પાર્કિંગની જગ્યામાં બર્થડેની ઉજવણી કરી હતી. આ સમયે પ્રતિકસીંગે તલવારથી કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. તલવારથી કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.
ઇન્સ્ટા ઉપર તલવારથી કેક કાપતો વીડિયો અપલોડ કર્યો
ઇન્સ્ટાગ્રામમાં તલવારથી કેક કાપતો વીડિયો અપલોડ કરતા આ વાતની જાણ પોલીસને થઈ હતી. ડુંગરા પોલીસ બીજા જ દિવસે પ્રતીકસીંગ રાજપૂતના ઘરે પહોંચી હતી. તેના ઘરના બેડરૂમમાંથી તલવાર જેવા હથિયારને પોલીસે કબજે લઈ પ્રતિક રાજપૂતની અટક કરીને તપાસ હાથ ધરી હતી. જાહેરનામાના ભંગ અંગે જી.પી.એક્ટ 135 મુજબ ડુંગરા પોલીસ મથકમાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી પ્રતિક રાજપૂતની અટક કરી હતી. આમ જન્મ દિવસનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂકતા પોલીસે તલવારથી કેક કાપવાના મામલે યુવકને અટક કરી હતી.
ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ બન્યા છે
ઈન્સ્ટા ઉપર વિડીયોની રીલ્સ બનાવીને વિડીયો અપલોડ કરવાના ચક્કરમાં અનેક યુવકો જેલના સળિયા ગણી ચુક્યા છે.કેટલીક વાર મોટર સાઇકલ ઉપર જીવના જોખમે રીલ્સ બનાવવામાં આવે છે તો કેટલીક વાર આ રીતે તલવારથી કેક કાપીની સસ્તી પ્ર્સ્સીધી મેળવવાના ચસકામાં જાહેરનામાંનો ભંગ કરી દેતા હોઈ છે.