વલસાડ : વલસાડના સોનવાડા (Sonwada) હાઇવે (Highway) ઉપર 55 મહિલાઓને લઇને માતાજીના દર્શન કરવા જઈ રહેલી લક્ઝરી (Luxury) બસને (Bus) ઓવરટેક (Overtake) કરવા જતા ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લક્ઝરી બસમાં બેસેલી 55 મહિલાઓને ઈજા થતાં સારવાર અર્થે ડુંગરી સીએચસી લઈ ગયા હતા. આ અકસ્માતને લઈને હાઈવે જામ થઈ ગયો હતો.પોલીસ સુત્રો પાસેની મળતી માહિતી મુજબ નવરાત્રી પર્વને લઈને મહારાષ્ટ્રના દાહણુથી 55 મહિલાઓ માતાજીના દર્શન કરવા બાલાજી ટ્રાવેલ્સની બસમાં ગુજરાત તરફ આવી હતી. ઉનાઈ માતાજીના દર્શન કરીને લક્ઝરી બસ વલસાડના રાબડા ગામે વિશ્વંભરી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહી હતી.
આગળ ચાલતી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો
દરમ્યાન ડુંગરી નજીક સોનવાડા હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે લક્ઝરી બસને કટ મારતા બસના ચાલકે બસ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી આગળ ચાલતી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે અમદાવાદ-મુંબઈ હાઇવે અસરગ્રસ્ત બન્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 અને ડુંગરી પોલીસને જાણ જારી હતી.
બસને સાઈડ ઉપર કરી આગળની કાર્યવાહી હાથ ધરી
108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મહિલાઓને નજીકના PHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. ડુંગરી પોલીસે ક્રેઇનની મદદ વડે બસને સાઈડ ઉપર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડુંગરી પોલીસે સર્વિસ રોડ ઉપર ટ્રાફિક ડાઈવટ કર્યો હતો. ટ્રાફિકને નડતરરૂપ બસ દૂર કરી જામ થયેલો હાઇવેનો ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પારડી હાઇવે પાસે આઈસ્ક્રીમનાં કપ ભરેલો ટેમ્પો પલટી ગયો
પારડી : પારડી ચાર રસ્તા ઓવરબ્રિજ મહેતા હોસ્પિટલ સામે રાત્રિનાં સેલવાસથી અમદાવાદ જતો આઈસ્ક્રીમનાં કપ ભરેલો ટેમ્પા બ્રિજ ચઢતા જ ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા પલ્ટી માર્યો હતો, ટેમ્પો ચાલક ટેમ્પાની કેબિનમાંથી બહાર નીકળી જતાં તેનો ચમત્કારી બચાવ થયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની ટ્રાફિકની લાંબી કતાર જામી હતી. અકસ્માત ઘટનાની જાણ પારડી પોલીસને થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો. બાદમાં ક્રેનની મદદથી પલ્ટી મારેલા ટેમ્પાને ઉભો કરી સાઈડ પર કર્યો હતો.