National

સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને લખ્યો પત્ર, ‘ભલે હું પ્રત્યક્ષ રીતે પ્રતિનિધિત્વ ન કરું, પરંતુ…’

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા સોનિયા ગાંધીએ (Sonia Gandhi) આજે ગુરુવારે તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલી (Rae Bareli) માટે પત્ર (letter) લખ્યો છે. જનતાને સંબોધિત કરતી વખતે સોનિયાએ કહ્યું કે તેણી સ્વાસ્થ્ય અને વધતી ઉંમરને કારણે આગામી લોકસભાની (LokSabha) ચૂંટણી નહીં લડે. સોનિયાએ તેમની રાજકીય કારકિર્દી માટે રાયબરેલીના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેમનું સીધું પ્રતિનિધિત્વ નહીં કરી શકે, પરંતુ તેમનું હૃદય અને આત્મા હંમેશા ત્યાંના લોકોની સાથે રહેશે.

સોનિયા ગાંધીએ પત્રમાં કહ્યું હતું કે, “હવે તબિયત અને વધતી ઉંમરને કારણે હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું. આ નિર્ણય બાદ મને તમારી સીધી સેવા કરવાનો મોકો નહીં મળે. પરંતુ એ વાત ચોક્કસ છે કે મારું હૃદય અને આત્મા હંમેશા તમારી સાથે રહેશે.”

સોનિયા ગાંધીએ પત્રમાં શું લખ્યું?
સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, “દિલ્હીમાં મારો પરિવાર અધૂરો છે. તે રાયબરેલી આવીને અને તમારા લોકોને મળવાથી પૂર્ણ થાય છે. આ ગાઢ સંબંધ ઘણો જૂનો છે અને મને મારા સાસરિયાઓ તરફથી સારા નસીબ તરીકે મળ્યો છે. અમારો પરિવાર રાયબરેલી સાથે છે. તેમજ રાયબરેલી સાથેના અમારા સંબંધોના મૂળ ખૂબ ઊંડા છે. આઝાદી બાદ યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં તમે મારા સસરા ફિરોઝ ગાંધીને અહીંથી જીતાડીને દિલ્હી મોકલ્યા હતા. ત્યાર બાદ તમે મારા સાસુ ઈન્દિરા ગાંધી તમારા પોતાના બનાવી લીધા હતા. ત્યારથી લઈને આજ સુધી જીવનમાં ઉતાર-ચઢાવનો આ સિલસિલો ચાલુ રહ્યો છે. તેમજ અમે કપરા માર્ગ પર પ્રેમ અને ઉત્સાહથી આગળ વધ્યા અને આમાં અમારો વિશ્વાસ વધુ મજબૂત બન્યો.”

તેણીએ કહ્યું, “તમે મને એ જ તેજસ્વી માર્ગ પર ચાલવા માટે જગ્યા આપી જ્યા મારા સાસુ સસરા ચાલ્યા હતા. મારા સાસુ અને મારા જીવનસાથીને કાયમ માટે ગુમાવ્યા બાદ હું તમારી પાસે આવી અને તમે મારા માટે તમારા હાથ લંબાવ્યા. છેલ્લી બે ચૂંટણીઓમાં પણ મુશ્કેલ સંજોગોમાં પણ તમે મારી પડખે ઉભા હતા.” હું આ ક્યારેય ભૂલી શકીશ નહી. મને એ કહેતા ગર્વ થાય છે કે આજે હું જે કંઈ પણ છું તે તમારા કારણે છું અને મેં હંમેશા આ વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે.”

સોનિયાએ પત્રમાં આગળ લખ્યું છે કે, “હવે તબિયત અને વધતી ઉંમરને કારણે હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું. આ નિર્ણય બાદ મને તમારી સીધી સેવા કરવાની તક નહીં મળે પરંતુ એ નિશ્ચિત છે કે મારું હૃદય અને આત્મા હંમેશા તમારી સાથે રહેશે. હું જાણું છું કે તમે મારી અને મારા પરિવારની દરેક મુશ્કેલીમાં એવી જ રીતે કાળજી રાખશો જે રીતે તમે અત્યાર સુધી મારી સંભાળ રાખતા હતા. આ સાથે જ તેમણે ટૂંક સમયમાં મળવાનું વચન પણ આપ્યું હતું.

Most Popular

To Top