વ્યારા: સોનગઢની (Songhad) યુવતી શુભાંગી સિંહની (Shubhangi singh) ભારતની (India) જમીન પર યોજાનાર અંડર-17 (Undar 17) ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ફીફા વર્લ્ડકપમાં જુનિયર કે સિનિયર સ્તરે ભાગ લેનારી શુભાંગી ગુજરાતની પ્રથમ ખેલાડી હશે. અંડર-17 મહિલા ફૂટબોલ ટીમની સેન્ટર મિડ ફિલ્ડર શુભાંગી હાલમાં ટીમ સાથે ફિફા વર્લ્ડકપની તૈયારી કરી રહી છે. ૧૧થી 30 ઓક્ટોબર વચ્ચે યોજાનાર ફિફા વર્લ્ડકપ, ભારતની પ્રથમ મેચ ભુવનેશ્વરમાં અમેરિકા સામે થશે.તાપી જિલ્લાના સોનગઢમાં રહેતા સિંહ પરિવારની પુત્રી શુભાંગી અગાઉ પણ આ જ ગ્રુપ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
ખેલ મહાકુંભમાં ભાગ લીધો. ત્યારથી તેની ફૂટબોલ સફર શરૂ થઈ
અંડર-17 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે તાજેતરમાં વિદેશ પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો પણ ભાગ હતી.મૂળ ઉત્તર પ્રદેશના સતીશ સિંહ 14 વર્ષ પહેલાં ગુજરાતના સોનગઢ આવ્યા હતા અને પરિવાર સાથે સોનગઢમાં સ્થાયી થયા હતા. સુભાંગીના ભાઈ શુભમે કહ્યું કે મારી બહેને નવ વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું, અહીંની સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો અને સ્કૂલમાંથી ખેલ મહાકુંભમાં ભાગ લીધો. ત્યારથી તેની ફૂટબોલ સફર શરૂ થઈ હતી. તેણે શુભ્રાતો મુખર્જી કપ સહિતની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. વર્ષ 2018માં તેને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીની હિંમતનગર સ્થિત ફૂટબોલ એકેડમીના કોચ તરુણ રોય અને મોહસિન મલિક દ્વારા સ્કાઉટ કરવામાં આવ્યો હતો.
શુભાંગી વર્ષમાં એક કે બે વાર ઘરે આવે છે
છેલ્લાં ચાર વર્ષથી એસ.એ.જી.ની એકેડમીમાં ફૂટબોલની તાલીમ અને અભ્યાસ કરે છે, તેનો રહેઠાણ, ભોજન, અભ્યાસ અને તાલીમનો ખર્ચ આ સંસ્થા જ ઉઠાવે છે. શુભમે વધુમાં જણાવ્યું હતું કે, ફૂટબોલમાં વ્યસ્ત શુભાંગી વર્ષમાં એક કે બે વાર ઘરે આવે છે. પરંતુ અમે બધા ખુશ છીએ કે તેની કારકિર્દી આગળ વધી રહી છે. હવે તે ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરી રહી છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત ફૂટબોલ માટે આ ગૌરવની ક્ષણ છે.
સ્કૂલમાં છોકરીઓની ફુટબોલ ટીમ નહોતી ત્યારે તે છોકરાઓની ટીમમાં ફુટબોલ રમતી
ફીફા વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદ થયેલી સોનગઢની શુભાંગી સિંહની સ્કૂલમાં છોકરીઓની ફુટબોલ ટીમ નહોતી ત્યારે તે છોકરાઓની ટીમમાં ફુટબોલ રમતી હતી પરંતુ પોતાના ફુટબોલ રમવાના શોખને છોડ્યો નહોતો. શુભાંગીનો ઉત્સાહ જોઈને જ તેની સ્કૂલના સ્પોર્ટ્સના સર વિજયે સ્કૂલમાં છોકરીઓની ફુટબોલની ટીમ બનાવી હતી અને ત્યારથી શુભાંગીએ પાછળ વળીને જોવું પડ્યું નથી. છેલ્લા ચાર વર્ષથી શુભાંગી હિંમતનગર ખાતે આવેલી ફૂટબોલ એકેડેમીમાં ફુટબોલ રમવાની આધુનિક તાલીમ લેતી હતી અને તેને કારણે આખરે તેની વર્લ્ડકપમાં પસંદગી થઈ હતી તેમ તેના પિતા સતિષસિંહે જણાવ્યું હતું.