વ્યારા: સોનગઢથી (Songarh) નવાપુર તરફ જતાં રોડ ઉપર બેડકીનાકા પર ગઇ તારીખ 16/09/2020ના રોજ ગાયોની હેરાફેરી અન્ય રાજ્યમાં કરતી વખતે પકડાયેલા એક ઇસમને કોર્ટે (Court) દશ વર્ષની સજા (Punishment) તેમજ પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો જ્યારે અન્ય બે આરોપીને (Accused) નિર્દોષ છોડી મૂક્યા હતાં.આ કેસની મળતી વિગત અનુસાર ગઇ તારીખ સવારે 16/09/2020ના રોજ કટાસવાણમાંથી પસાર થતા ને.હા. નં.53 ઉપર પોલીસે બોલેરો પીકઅપ વાને નં.જી.જે.26-ટી-7921 ઝડપી પાડી હતી. આ પીકઅપ વાનમાંથી બે ગાય અને એક વાછરડું મળી આવ્યું હતું. તેમને ટૂંકી દોરી વડે બાંધીને ઘાસચારા કે, પાણીની વ્યવસ્થા નહીં હતી એટલું જ નહીં રાજ્યની બહાર નિકાસબંધી હોવા છતાં તેને અન્ય રાજ્યમાં લઇ જવાતા હોવાનું બહાર આવતા ગાય સાથે મોહંમદ રામતલ્લા ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આ ગાયો એલમ હૈદર આલીસર (હાલ રહે.કડોદ, મઢી રોડ, તા.બારડોલી, જી.સુરત, મૂળ રહે. દેરાસર ગામ, તા.રામસર, જી.બાડમેર, રાજસ્થાન)એ ભરાવી આપી હોવાથી તેની સામે ગુનો નોંધી તેની પણ ધરપકડ કરી હતી.
જ્યારે અન્ય બે ને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો
ઉપરાંત ગાયો મંગાવનાર મીર હસન ઉરસ (હાલ રહે. ડોંડાઈચા ગામ માર્કેટમાં, તા.શિંદખેડા, જિ. ધુલિયા, મહારાષ્ટ્ર, મૂળ રહે. દેરાસર ગામ, તા.રામસર, જી.બાડમેર રાજસ્થાન) સામે પણ કાર્યવાહી કરી હતી. વ્યારા સેશન્સ કોર્ટમાં આ કેસ ૨ વર્ષ પછી ચાલી જતા ૧૩મી જાન્યુઆરીએ આ પ્રકરણમાં ત્રણ આરોપીઓ પૈકીનાં એકને સજા ફટકારતો હુકમ થયો છે. જેમાં ગાયોની ગેરકાયદે હેરાફેરી કરનાર આરોપી મોહંમદ રામતલ્લા ખાન (રહે. ડોંડાઈચા ગામ માર્કેટ, તા.શિંદખેડા, જિ. ધુલિયા (મહારાષ્ટ્ર), મૂળ રહે. રાજસ્થાન)ને તકસીરવાર ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. પાંચ લાખનો દંડ ફટકારતો હુકમ તાપી જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજે કર્યો છે. જ્યારે અન્ય બે ને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો.
ચીખલીમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો
નવસારી : ચીખલીમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયેલા આરોપીઓને કોર્ટે નિર્દોષ ઠેરવી છોડી દીધા છે.
ગત 2015 માં ચીખલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, એક કાળા રંગની સ્કોર્પિયો (નં. જીજે-5-સી.એચ.-7188) અને એક સિલ્વર રંગની સ્કોર્પિયો (નં. જીજે-7-એ.આર.-7299) મૂળ વાહન માલિકો પાસેથી વાહન વેચાણે લઈ પોતાના નામ પર નહીં કરાવી ગાડીના મૂળ માલિકની સંડોવણી થાય તેવા હેતુથી હેતુથી ગાડી (નં. જીજે-5-સી.એચ.-7188) માં વિદેશી દારૂ ભરી જતા હતા. જે બાતમીના આધારે પોલીસે ગત 11મી ફેબ્રુઆરી 2015 માં બાતમીવાળી જગ્યાએ નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમીવાળી ગાડી વડપાડા બ્રિજ તરફથી વડપાડા ચોકડી તરફ આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી ચાલકે ગાડી નહીં રોકતા પોલીસે તેનો પીછો કર્યો હતો.
પોલીસના ખાનગી વાહનને પલટી ખવડાવવાનો પ્રયત્ન કર્યો હતો
પરંતુ દારૂ ભરેલી ગાડીના ચાલકે પોલીસના ખાનગી વાહનને ડ્રાઇવર સાઈડે ગાડીથી ટક્કર મારી પોલીસને મારી નાંખવા માટે ઓવરટેક કરી પોલીસના ખાનગી વાહનને પલટી ખવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દારૂ ભરેલી ગાડી ગટરમાં પલટી ખાઈ જતા લાલજીભાઈ વિક્રમભાઈ યાદવને ઝડપી પાડ્યો હતો. જ્યારે પપ્પુ ઉર્ફે પંકજ તથા ઓ.પી. નામના આરોપીઓ દારૂ ભરેલી ગાડી લઈ નાસી ગયા હતા. જ્યારે આરોપી ફિરોઝ અબ્દુલ ગની શેખ, જીગો અને સતીષ નામના આરોપીઓ ગાડીમાંથી નીકળી નાસી ગયા હતા. જ્યારે પ્રવિણ વસાવા વિદેશી દારૂનો ધંધો કરતા હોવાથી તેને ત્યાં સ્કોર્પિયો ગાડીમાં ભરેલી વિદેશી દારૂ ઉતારી વેચી નાંખી હોવાનો ગુનો કર્યો હતો. જે બાબતે ચીખલી પોલીસ મથકે 307,427,186 અને 114 મુજબનો ગુનો નોંધાયો હતો.