દેહરાદૂન: ઉત્તરાખંડનું પ્રાચીન શહેર જોશીમઠ ભૂસ્ખલનની ઝપેટમાં છે, સતત ભૂસ્ખલનને કારણે શહેરના 700 થી વધુ મકાનો, હોટેલો અને દુકાનોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે ત્યાંના લોકોને ત્યાંથી તેમના ઘરોને છોડીને જવાની ફરજ પડી રહી છે. લગભગ અઢી હજાર વર્ષ જૂનું મંદિર ભૂસ્ખલનની નીચે આવી ગયું છે. ભૂસ્ખલનને કારણે મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ તિરાડો પડી ગઈ છે. તિરાડોના કારણે લોકો ભયભીત છે, અહીં આદિગુરુ શંકરાચાર્યએ અઢી હજાર વર્ષ પહેલાં તપસ્યા કરી હતી, તેથી જ ભારતના દરેક ખૂણેથી લોકો અહીં દર્શન માટે પહોંચે છે.
‘જ્યોતિર્મથ’ તરીકે ઓળખાતું હતું જોશીમઠ
જોશીમઠને ધાર્મિક પુસ્તકોમાં ‘જ્યોતિર્મથ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિમાલયના નીચલા અને મેદાની વિસ્તારો હંમેશા આધ્યાત્મિકતાના ગઢ તરીકે ઓળખાય છે. જોશી મઠ એ આદિશંકરાચાર્ય દ્વારા દેશમાં સ્થાપિત ચાર મઠમાંનું એક છે. આધ્યાત્મિકતાની સાથે જોશીમઠનું ધાર્મિક મહત્વ પણ છે. અહીં ભગવાન વિષ્ણુનું મંદિર છે. જોશીમઠ હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે, કારણ કે આ એ જ સ્થાન છે જ્યાં આદિગુરુ શંકરાચાર્યએ તપસ્યા કરીને દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કર્યો હતો. નરસિંહ દેવનું 1200 વર્ષ જૂનું મંદિર પણ છે જ્યાં આદિગુરુ શંકરાચાર્યએ નરસિંહ દેવની મૂર્તિ સ્થાપિત કરી હતી.
જોશીમઠ સ્વર્ગનું પ્રવેશદ્વાર છે!
જોશીમઠ, જે ચમોલી જિલ્લા હેઠળ આવે છે, તે 7મીથી 11મી સદી સુધી કટ્યુરી વંશના શાસન હેઠળ રહ્યું છે. તે વંશના લોકોએ તેને પોતાની રાજધાની બનાવી હતી. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે જોશીમઠના નરસિંહ મંદિરમાં ભગવાન નરસિંહની મૂર્તિનો ડાબો હાથ ધીમે ધીમે સડી જશે અને પડી જશે. પછી નર અને નારાયણ નામના બે પર્વતો મળશે. જો આમ થશે તો બદ્રીનાથ જવાનો રસ્તો કાયમ માટે બંધ થઈ જશે. એક ધામ બંધ થઇ જશે તેની સામે બીજું એક ધામ છે કે જેને ભવિષ્ય બદરી તરીકે ઓળખવામાં આવે ત્યાં લોકો દર્શન કરવા માટે જશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર જોશીમઠને સ્વર્ગનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. શરૂઆતમાં તે જ્યોતિર્મઠ તરીકે ઓળખાતું હતું, પરંતુ ધીમે ધીમે તે જોશીમઠ તરીકે ઓળખાવા લાગ્યું. આજે જોશીમઠ બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચેના ઘણા રસ્તાઓ અને પ્રાચીન માર્ગોનું પ્રવેશદ્વાર છે. જોશીમઠ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પ્રસિદ્ધ પીઠોમાંના એક તરીકે પ્રખ્યાત છે.
બદ્રીનાથ મંદિર બંધ હોય ત્યારે જોશીમઠમાં પૂજા કરવામાં આવે છે
જ્યારે બદ્રીનાથ મંદિર દર વર્ષે શિયાળા માટે બંધ હોય છે, ત્યારે ભગવાન બદ્રીની મૂર્તિ જોશીમઠના નરસિંહ મંદિરમાં લાવવામાં આવે છે અને છ મહિના સુધી તેની પૂજા કરવામાં આવે છે. નંદા દેવી, સંપૂર્ણ પ્રશાસિત ભારતમાં સ્થિત સૌથી ઉંચો પર્વત, જોશીમઠના રસ્તાઓ દ્વારા જ પહોંચી શકાય છે. આ પર્વતો સાથે સંકળાયેલી લોકકથાઓ, સાહસ અને ગુપ્ત અભિયાનોની અતુલ્ય વાર્તાઓ છે.
2400 વર્ષ જૂના શેતૂરના વૃક્ષનો ઇતિહાસ
જોશીમઠની બીજી રસપ્રદ વિશેષતા કલ્પવૃક્ષ છે. આ 2400 વર્ષ જૂનું શેતૂરનું ઝાડ છે, જેની નીચે કુદરતી ગુફા છે. આદિગુરુ શંકરાચાર્યે આ પ્રાચીન વૃક્ષ નીચે ધ્યાન કર્યું હોવાનું કહેવાય છે, કારણ કે તેઓ તેને ભગવાન શિવનો અવતાર માનતા હતા. જો કે હવે આ કલ્પવૃક્ષ કે જેની નીચે શંકરાચાર્યએ ધ્યાન કર્યું હતું તેના પર પણ તિરાડ જોવા મળી રહી છે. જેથી હવે આ વૃક્ષ પણ ખરી જશે તેવું સ્થાનિક લોકો માની રહ્યા છે.
અહીંથી ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી
જોશીમઠ પણ આવી ઘટના સાથે સંબંધિત છે જે ઇતિહાસમાં એક લોકપ્રિય ઘટના તરીકે નોંધવામાં આવી છે. જોશી મઠથી લગભગ 15 કિલોમીટરના અંતરે આવેલું રૈની ગામ. ચિપકો આંદોલનની શરૂઆત માર્ચ 1974માં અહીંથી થઈ હતી, જ્યારે આ ગામની રહેવાસી ગૌરા દેવી કેટલીક મહિલાઓ સાથે જંગલમાં પહોંચી અને ઝાડ સાથે ચોંટી ગઈ હતી. તેમણે વૃક્ષો કાપી રહેલા લોકોને ચેતવણી આપી કે જો આ વૃક્ષો કાપવા જ હોય તો પહેલા અમારા પર ગોળીબાર કરો. આ રીતે અહીંથી ચિપકો આંદોલન શરૂ થયું અને સરકારે પીછેહઠ કરવી પડી.