Gujarat

કોઈ વિન્ટેજ કારમાં તો કોઈ ગાય અને વાછરડા સાથે મતદાન કરવા પહોંચ્યું

ગાંધીનગર: ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. મતદાનને લઇ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો અલગ-અલગ થીમ સંદેશા સાથે મતદાન કરવા પહોચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી, મેયર તેમજ કેન્દ્રીયમંત્રીએ મતદાન કર્યું હતું. તો રાજકોટમાં પૂર્વ મુખ્ય મંત્રીએ પત્ની સાથે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં ભાજપ સાતમી વખત સરકાર બનાવશે: વિજય રૂપાણી
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલી સાથે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સાતમી વખત સરકાર બનાવશે તેવો મને વિશ્વાસ છે. ગુજરાતની જનતા પી.એમ મોદીને ખુબ પ્રેમ કરે છે.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે મતદાન કર્યું
ભાજપનાં સ્ટાર ઉમેદવાર રીવાબાએ મતદાન કર્યું હતું. સાથે જ પતિ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પણ મતદાન કર્યું હતું. જામનગરમાં પંચવટી કોલેજમાં બંનેએ મતદાન કર્યું હતું. રવીન્દ્ર જાડેજાના પત્ની જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર છે.

શાહી ઠાઠમાઠ સાથે રાજવી પરિવારનું મતદાન
રાજકોટમાં રાજવી પરિવારે પણ  ચૂંટણીમાં મતદાન કર્યુ છે. રાજકોટના રાજા માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરી દેવી મતદાન કરાવા માટે વિન્ટેજ કારમાં આવ્યા હતા. આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માંધાતાસિંહ અને તેમના પરિવાર એ તમામ શહેરીજનોને મતદાન કરવાની અપીલ કરી હતી. 

માલધારી સમાજના અગ્રણીનું ગાય-વાછરડા સાથે મતદાન
રાજકોટમાં એક અનોખું મતદાન થયું હતું. જેમા માલધારી સમાજના અગ્રણી રણજિત મુંધવાએ માલધારી સમાજનો પહેરવેશ પહેરી ગાય અને વાછરડા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. લમ્પી વાઇરસમાં સરકારની કામગીરી સામે રોષને કારણે તેમણે ગાય સાથે મતદાન કરવા નીકળ્યા હતા.

કલેકટર આયુષ ઓકેએ મતદાનકર્યું
સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકે અઠવાલાઇન્સ ખાતે પત્ની અંજની ઓક સાથે મતદાન કર્યું હતું. કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણો અધિકાર છે, તેથી તમામ લોકોએ મતદાન કરી પોતાની ફરજ અદા કરવાની અપીલ કરી હતી.

101 વર્ષનાં દાદીમાંએ પરિવાર સાથે મત આપ્યો
સુરતમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનોની સાથે સાથે વૃદ્ધોમાં પણ મતદાન કરવામાં માટે એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતનાં વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના 101 વર્ષનાં કાશીબેન ગોવિંદભાઈ ગોયાણીએ દીકરાના દીકરા સાથે મળીને ત્રણ પેઢીએ એક સાથે મતદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવું જોઈએ.

લોકો ડબલ એન્જિનવાળી સરકાર માટે મતદાન કરી રહ્યા છે: દર્શના જરદોષ
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે પણ મતદાન કર્યું હતું. તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકો ડબલ એન્જિનવાળી સરકાર માટે મતદાન કરી રહ્યા છે. દરેક સમુદાયના લોકો મતદાન કરી રહ્યા છે અને અમે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યુ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. હર્ષ સંઘવી પરિવારના સભ્યોને વ્હિલચેર પર મતદાન કરવા માટે લઇને આવ્યા હતા.તેઓએ મતદાન બુથ પર વડીલોના આશીર્વાદ લીધા હતાં. સાથે મતદાન કરવા આવેલ વડીલો સાથે હર્ષ સંઘવીએ સંવાદ કર્યો હતો.

મેયર હેમાલીબેન સાયકલ પર અનોખા સંદેશા સાથે મત આપવા આવ્યા
પ્રદૂષણ અટકાવવા માટે અનોખો સંદેશા પાઠવવા માટે સુરતનાં મેયર હેમાલીબેન બોઘાવાલા સાયકલ લઈને મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં. તેઓએ સાયકલ પર એક અનોખો સંદેશ લગાવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, છે આ સૌની જવાબદારી મત આપે સૌ નર – નારી. હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવવું ઓછું કરવું એ આપણી ફરજ છે. તેમ મતદાન કરીને પણ લોકશાહીને મજબૂત કરવી દરેકની ફરજ છે. જેથી મેં સાયકલ પર નીકળીને અનોખો સંદેશ આપવા પ્રયાસ કર્યો છે.

Most Popular

To Top