રસોડામાં એવું તે શું થયું કે ભરૂચની અયોધ્યાનગર સોસાયટીની મહિલાઓ ભોજન બહારથી લાવી રહી છે!

ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની (Underground sewer scheme) કામગીરી ચાલી રહી છે. તે પૂર્ણ થવાના અંતિમ તબક્કે (final stage) છે. ત્યારે હજી પણ પાલિકા વોર્ડમાં સમાવિષ્ટ કેટલાક વિસ્તારો અને સોસાયટીઓમાં ડ્રેનેજના પાણીના (Drainage Water) નિકાલની સમસ્યા જોવા મળી રહી છે. એક તરફ પાલિકા ભૂગર્ભ ગટર યોજના શહેરમાં લાગુ કરવાની ગુલબાંગો હાંકી રહી છે અને બીજી બાજુ કેટલાય વિસ્તારોમાં છ-છ મહિનાથી ડ્રેનેજનાં પણ ઠેકાણાં નથી.

  • પાલિકા ભૂગર્ભ ગટર યોજના શહેરમાં લાગુ કરવાની ગુલબાંગો હાંકી રહી છે
  • ગટરના પાણી સોસાયટીમાં અને લોકોના ઘરમાં પણ ફરી વળતા હોવાથી લોકોની હાલત દયનીય બની
  • મહિલાઓ કોર્પોરેટરોને રજૂઆતો કરે છે ત્યારે તેઓ સ્થળ પર આવી ‘થઈ જશે’નો રાગ આલાપી જતા રહે છે

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વોર્ડ નં.4માં આવેલા અયોધ્યાનગરમાં છેલ્લા 6 મહિનાથી ઊભરાતી ગટરોના ગંદા પાણીનો સામનો સ્થાનિક રહીશો કરી રહ્યા છે. ગટરના પાણી સોસાયટીમાં અને લોકોના ઘરમાં પણ ફરી વળતા હોવાથી લોકોની હાલત દયનીય બની છે. સોસાયટીમાં અંદાજિત ૩૦૦૦ જેટલાં ઘરો આવેલાં છે, જેમાંથી કેટલાક ઘરોમાં તો કિચનમાં પણ ગટરના ગંદા પાણી ફરી વળતા હોવાથી ગૃહિણીઓને બહારથી ભોજન લાવવું પડતું હોવાની હૈયાવરાળ ઠાલવી રહી છે. આ સમસ્યા માટે સોસાયટીની મહિલાઓ કોર્પોરેટરોને રજૂઆતો કરે છે ત્યારે તેઓ સ્થળ પર આવી ‘થઈ જશે’નો રાગ આલાપી જતા રહેતા હોય છે તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ચોમાસા પહેલા ડ્રેનેજની સમસ્યાનો કાયમી ધોરણે હલ કરાય તેવી અપેક્ષા પાલિકા પાસે સોસાયટીના રહીશો સેવી રહ્યાં છે.

Most Popular

To Top