Comments

સામાજિક સ્તરીકરણ: પ્રગતિના માર્ગમાં અદૃશ્ય અવરોધ

સામાજિક સ્તરીકરણ એ સમાજમાં સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, શિક્ષણ, જાતિ કે લિંગ જેવાં પરિબળોના આધારે વ્યક્તિઓ કે જૂથોનું ક્રમિક (ઉચ્ચ-નીચ) વર્ગીકરણ છે. આ પ્રક્રિયા સમાજમાં અસમાનતા અને વંશવેલો (Hierarchy) પેદા કરે છે, જ્યાં ઉચ્ચ સ્તરનાં લોકો પાસે વધુ સંસાધનો અને સત્તા હોય છે. સામાજિક સ્તરીકરણનાં મુખ્ય પાસાંઓ જોઈએ તો તેનો મુખ્ય આધાર આર્થિક સ્થિતિ (આવક કે મિલકત), સામાજિક દરજ્જો, વ્યવસાય, શિક્ષણ, જાતિ, વંશ અને લિંગ છે. આધુનિક સમાજ સામાન્ય રીતે ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન વર્ગમાં વહેંચાયેલો છે. ઉપરાંત ભારતીય સંદર્ભમાં જોઈએ તો પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા સ્તરીકરણનું એક જડ સ્વરૂપ છે, જે સામાજિક ગતિશીલતાને મર્યાદિત કરે છે.

આ વલણ તે વ્યક્તિગત ન હોતાં સમગ્ર સમાજનું લક્ષણ છે, જે આદિકાળથી અસ્તિત્વમાં છે. વિશ્વના લગભગ દરેક સમાજમાં સ્તરીકરણ જોવા મળે છે. સ્તરીકરણમાં સંપત્તિ, સત્તા કે પ્રતિષ્ઠાના કિસ્સામાં વ્યક્તિ એક સ્તરમાંથી બીજા સ્તરમાં જઈ શકે છે પરંતુ જાતિ કે લિંગના કિસ્સામાં તે જન્મ આધારિત હોય છે એટલે બદલી શકાતું નથી. સ્તરીકરણની પ્રક્રિયા સમાજમાં સંસાધનોની અસમાન વહેંચણી અને સામાજિક અસમાનતા માટે જવાબદાર છે.

આમ, સામાજિક સ્તરીકરણ એટલે કે સમાજમાં રહેલા ઉચ્ચ-નીચના ભેદભાવ, એ પ્રગતિના માર્ગમાં એક એવો મૂક શિલ્પી છે જે દેખાતો નથી, પણ બધું નક્કી કરે છે. તે ઘણી વાર યોગ્યતાના વેશમાં છુપાઈને લોકોની તકો છીનવી લે છે. ખરેખર તો, આ સ્તરીકરણ માત્ર પૈસાની અસમાનતા નથી, પણ તે ત્રણ મુખ્ય બાબતો નક્કી કરે છે: પહોંચ (Access), અનુભવ (Exposure) અને અપેક્ષા (Expectation). ઘણી વાર આ ત્રણ બાબતો વ્યક્તિની મહેનત કરતાં પણ વધુ મહત્ત્વની સાબિત થાય છે.

૧. જન્મ અને વારસો
સુખી અને સંપન્ન ઘરમાં જન્મેલા બાળકને માત્ર સુવિધાઓ જ નથી મળતી, પણ તેને નાનપણથી જ ઉત્તમ શાળા, સંસ્કારી વાતાવરણ અને પ્રભાવશાળી લોકોનો સાથ મળે છે. તેનામાં કુદરતી રીતે જ આત્મવિશ્વાસ ખીલે છે. બીજી તરફ, ગરીબ ઘરમાં જન્મેલા બાળકે પહેલાં અછત અને મુશ્કેલીઓ સામે લડવું પડે છે અને ત્યાર પછી જ તે પોતાની પ્રતિભા બતાવવાનો વિચાર કરી શકે છે. આ બંનેની દોડ સમાન નથી. બંનેની શરૂઆતની લીટી જ અલગ છે.

૨. અનુભવ અને એક્સપોઝર (Exposure)
અનુભવ એક મોટી શક્તિ છે. જે બાળક કલા, વિજ્ઞાન અને દુનિયાની વાતો સાંભળીને મોટું થાય છે, તેની વિચારવાની શક્તિ અલગ હોય છે. જ્યારે બીજા બાળકની આખી જિંદગી માત્ર પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં જ નીકળી જાય છે. યોગ્યતા હોવા છતાં જો મોકો ન મળે, તો તે પ્રતિભા સૂકી જમીનમાં પડેલા બીજ જેવી છે-જેમાં ઊગવાની ક્ષમતા તો છે પણ અનુકૂળતા નથી.
૩. નેટવર્ક અને ઓળખાણ
આજના સમયમાં ઇન્ટર્નશિપ, નોકરીની માહિતી કે સારી ભલામણ ઘણી વાર ‘ઓળખાણ’થી મળે છે. યોગ્યતા કદાચ સફળતાનું બારણું ખોલે, પણ એ બારણું ક્યાં છે તે જોવાનું કામ સામાજિક સંબંધો (Network) કરે છે.

૪. માનસિક અસર અને આકાંક્ષા
સૌથી ખરાબ અસર વ્યક્તિના આત્મવિશ્વાસ પર પડે છે. સ્તરીકરણને કારણે નીચલા સ્તરનાં લોકોમાં ‘આ બધું અમારા માટે નથી’ એવી હીનભાવના જન્મે છે, જ્યારે ઉપરના સ્તરનાં લોકોમાં ‘બધું મેળવવાનો અમારો અધિકાર છે’ તેવો અહંકાર આવે છે. આમ, માણસનાં સપનાંઓ પણ તેની સામાજિક સ્થિતિ મુજબ મર્યાદિત થઈ જાય છે.

વ્યાવહારિક ઉદાહરણો:
જાતિ આધારિત: ઉના (૨૦૧૬) જેવી ઘટનાઓ દર્શાવે છે કે માત્ર જાતિને કારણે વ્યક્તિએ અપમાન સહન કરવું પડે છે અને તકો ગુમાવવી પડે છે. વર્ગ આધારિત: અમદાવાદના પોશ વિસ્તારના બાળકને પિતાના બિઝનેસ નેટવર્કથી વિદેશ ભણવા જવું સહેલું લાગે છે, જ્યારે પૂર્વ વિસ્તાર કે મજૂર પરિવારના બાળક માટે ઉચ્ચ શિક્ષણ એક સ્વપ્ન બની રહે છે. લિંગ આધારિત: ઘણાં પરિવારોમાં છોકરાને બહાર ભણવા મોકલાય છે, પણ છોકરીને ‘ઘરકામ’ અને ‘લગ્ન’ સુધી જ મર્યાદિત રાખવામાં આવે છે.

સામાજિક સ્તરીકરણ જટિલ પ્રક્રિયા છે. જ્યારે સમાજમાં રહેલી ભિન્નતાઓની સાથે ઉચ્ચ અને નિમ્ન એટલે કે ચઢતા-ઊતરતા ક્રમનો ભાવ જોડાય છે, ત્યારે તેને સ્તરીકરણ કહેવામાં આવે છે. સ્તરીકરણ એ ભૂગર્ભ શાસ્ત્રમાંથી આવેલો શબ્દ છે, જે રીતે પૃથ્વીમાં માટી અને રેતીના થરો એકબીજા પર ગોઠવાયેલા હોય છે, તેમ સમાજ પણ અલગ-અલગ સ્તરોમાં વહેંચાયેલો છે. ઉદાહરણ તરીકે, બધાં ફળોમાં કેરીને ફળોનો રાજા કહેવો એ સ્તરીકરણ છે કારણ કે ત્યાં એક પ્રકારનો કોટિક્રમ (Hierarchy) સ્થાપિત થાય છે. સ્તરીકરણ સભાનતાપૂર્વક અપનાવેલી પ્રક્રિયા છે જેમાં સભ્યોના અધિકારો, ફરજો અને સામાજિક મોભામાં અસમાનતા જોવા મળે છે.

અગાઉ જોયું તેમ સ્તરીકરણના મુખ્યત્વે બે પ્રકારો પ્રચલિત છે: બંધ સ્તરીકરણ અને ખુલ્લું સ્તરીકરણ. બંધ સ્તરીકરણમાં વ્યક્તિનું સ્થાન તેના જન્મ કે જ્ઞાતિ દ્વારા નક્કી થાય છે અને તે આજીવન બદલી શકાતું નથી, જેમ કે ભારતની પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા. બીજી તરફ, ખુલ્લા સ્તરીકરણમાં વ્યક્તિ પોતાની લાયકાત, શિક્ષણ અને પુરુષાર્થના આધારે પોતાનું સ્તર બદલી શકે છે. વિભેદીકરણ એ માત્ર તફાવત સૂચવે છે, જ્યારે સ્તરીકરણ એ તફાવતોને ઉચ્ચ-નીચના ક્રમમાં ગોઠવીને સમાજમાં અસમાનતાનું માળખું તૈયાર કરે છે. સામાજિક સ્તરીકરણ તકોને સાવ નકારતું નથી, પણ તે રસ્તાને ઢોળાવવાળો બનાવી દે છે. આ ઢોળાવ કેટલાક માટે નીચે ઉતરવા જેવો સરળ છે, તો કેટલાક માટે પહાડ ચઢવા જેવો કઠિન. આપણે માત્ર એ જ ન જોવું જોઈએ કે કોણ ઉપર પહોંચ્યું, પણ એ પણ જોવું જોઈએ કે કોણે કેટલા મુશ્કેલ રસ્તા પર મુસાફરી કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top