તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાની સરકારે જોયું કે બાળકો મોબાઈલના આદી બની રહ્યા છે અને તેને કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આજે બાળકો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કે પછી મોબાઈલનો ઉપયોગ સર્વત્ર સમસ્યા બની ચૂકી છે. ભારતમાં આ સમસ્યા વ્યાપક છે. બાળકો દ્વારા મોબાઈલના ઉપયોગને કારણે બાળકોને તેનું વ્યસન થઈ રહ્યું છે. બાળકોનું મગજ એટલું ડેવલપ થયું હોતું નથી અને સોશિયલ મીડિયાના ઉપયોગ કરવામાં આવે તો બાળકોમાં ડીપ્રેશન, એકલતાપણું કે ઉગ્રતા દેખાવા માંડે છે અને ક્યારેક તે બાળકો માટે જીવલેણ પણ બને છે.
ખરેખર સોશિયલ મીડિયા બાળકો માટે છે જ નહીં. જેમ જેમ મોબાઈલનો ઉપયોગ વધે તેમ તેમ બાળકો માટે રિસ્ક ફેકટર વધવા માંડે છે અને અંતે મોટી મુસીબત બની જાય છે. ઓસ્ટ્રેલિયામાં આ સ્થિતિને કારણે પહેલા ત્યાંની સરકારે સરવે કર્યો અને બાદમાં આ નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની સરકારને ખબર હતી કે બાળકો કે તેમના વાલીઓને સજા કરવાથી તેનો કોઈજ મતલબ રહેવાનો નથી. આ કારણે જ ઓસ્ટ્રેલિયાની સરકારે જો 16 વર્ષથી નાના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તો જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જંગી રકમનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
ઓસ્ટ્રેલિયન સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક વર્ષનો સમય પણ આપ્યો છે કે જેથી આ કાયદાનો ચોક્કસ રીતે અમલ કરી શકાય. જે પગલું ઓસ્ટ્રેલિયા દ્વારા લેવામાં આવ્યું તેવું જ પગલું લેવા માટે ફ્રાન્સની સરકાર પણ તૈયારી કરી રહી છે. ભારતમાં પણ આ અંગેના કાયદાઓ છે પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી. ભારતમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કોણ કરી શકે તે માટેની વયમર્યાદા 18 વર્ષની નક્કી કરવામાં આવી છે.
ભારત સરકારે સને 2013માં ઘડેલા આ કાયદામાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. ભારત સરકારે જો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્નને દંડ કરવાની જોગવાઈ કરી નથી પરંતુ આ માટે સીક્યુરિટી ઓફિસર તૈનાત કરવાની જોગવાઈ કરી છે પરંતુ આ કાયદો બન્યા પછી તેનો અમલ ભાગ્યે જ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સીક્યુરિટી ઓફિસર પણ રાખવામાં આવતા નથી અને હાલમાં બધું જ ભગવાન ભરોસે ચાલે છે. આ કારણે જ ભારતમાં બાળકો દ્વારા કરાતા આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. સાથે સાથે મોબાઈલના વળગણને કારણે બાળકોનો વિકાસ અટકી રહ્યો છે. શારિરીક ક્ષમતા ઘટી રહી છે.
મનોચિકિત્સકો કહે છે કે, બાળકોમાં મોબાઈલનું વળગણ વધ્યા બાદ એવી સ્થિતિ થાય છે કે રાત્રે મોડે સુધી બાળકો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જેને કારણે તેઓ મોડા સુએ છે. વહેલા સ્કૂલે જવા માટે ઉઠી શકતા નથી. જો ઉઠી જાય તો પણ તેઓ શરીરથી ઉઠે છે પરંતુ મગજથી ઉંઘમાં જ હોય છે. આ કારણે જ હાલમાં સ્કૂલોમાં પ્રથમ પિરીયડમાં બાળકો ઉંઘતા જોવા મળી રહ્યા છે. એક રિસર્ચમાં એવું કહેવાયું છે કે, જો 21 દિવસ સુધી કોઈ એક પ્રક્રિયા કરવામાં આવે તો તેનું વળગણ થઈ જાય છે.
મોબાઈલનું પણ આવું જ છે. બાળકો દ્વારા 21 દિવસ સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ તે બાળકોમાં એક કાયમી હેબિટ થઈ જાય છે. સ્કૂલોમાં મોબાઈલ લાવવાની મંજૂરી નથી પરંતુ બાળકો સંતાડીને લાવે છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાને કારણે શારિરીક રમતો ઘટી ગઈ છે. તૈયાર ટેક્સ્ટને કારણે બાળકો સ્પેલિંગ શીખી શકતા નથી. વાક્યરચના પણ કરી શકતા નથી. એક જ ક્લિકમાં બધું મળી જતું હોવાથી બાળકોએ જે શીખવું જોઈએ તે શીખી શકતા નથી.
થોડા સમય પહેલા એક એવી ઘટના બની હતી કે બાળકોની બસમાં ડ્રાઈવરને એટેક આવ્યો અને 15 સેકન્ડ સુધી બાળકોને ખબર જ પડી નહીં. એક જ બાળક કે જે મોબાઈલનો ઉપયોગ કરતો નહોતો તેને ખબર પડી અને તેણે દોડી જઈને બ્રેક મારી. આ ઘટના બતાવે છે કે તમામ બાળકો મોબાઈલનો ઉપયોગ કરતાં હતાં અને જે મોબાઈલનો ઉપયોગ કરતો નહોતો તેણે અન્યોને બચાવ્યા. ભારતમાં પણ હજુ મોડું થયું નથી. ભારત સરકારે કાયદાઓ ઘડ્યા જ છે, જરૂર માત્ર તેમાં હાલના સમય પ્રમાણે સુધારાઓની છે. ઓસ્ટ્રેલિયા પછી વિશ્વના અન્ય દેશો પણ બાળકોમાં સોશિયલ મીડિયાના પ્રતિબંધ લાવી રહ્યા છે ત્યારે જો ભારત સરકાર નહીં જાગે તો આ સમસ્યા વધુને વધુ વકરશે અને તેનો ભોગ બાળકો બનશે તે નક્કી જ છે.