ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર અને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ આખરે પોતાના અંગત જીવન અંગે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. મંધાનાએ પોતાના સોશિયલ મીડિયામાં સત્તાવાર જાહેરાત કરી છે કે સંગીતકાર અને બિઝનેસમેન પલાશ મુછલ સાથેનો તેમનો સંબંધ અને આવનારા લગ્ન હવે સમાપ્ત થઈ ચૂક્યા છે. આ જાહેરાત બાદ ચાહકો અને ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મંધાનાનું સત્તાવાર નિવેદન
સ્મૃતિ મંધાનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમના ખાનગી જીવન અંગે અનેક વાતો ફેલાઈ હતી. તેમણે જણાવ્યું કે “હું ખૂબ ખાનગી વ્યક્તિ છું પરંતુ હવે જાહેર કરવાનું જરૂરી છે કે અમારા લગ્ન રદ કરવામાં આવ્યા છે. હું ઇચ્છું છું કે આ મુદ્દો અહીં જ સમાપ્ત થાય. બંને પરિવારોની ગોપનીયતાનો સન્માન કરવા વિનંતી છે.”

મંધાનાએ સાથે જ સ્પષ્ટ કર્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન હવે માત્ર ક્રિકેટ કરિયર પર જ રહેશે. “મારા માટે હંમેશા ભારત માટે રમવું અને દેશને ટ્રોફી અપાવવી સૌથી મોટી પ્રાથમિકતા રહી છે.”
પલાશ મુછલે શું કહ્યું ?
પલાશ મુછલે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે તેમણે પોતાના અંગત સંબંધોથી દૂર થતાં જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે અફવાઓ અને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીએ તેમને ખૂબ અસર કરી છે. “આ મારા જીવનનો સૌથી કઠિન સમય છે પરંતુ હું મજબૂત રહીને આગળ વધીશ.” સાથે જ તેમણે ચેતવણી આપી કે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી થશે.
લગ્ન તૂટવાનું કારણ શું?
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલાના લગ્ન ગત તા. 23 નવેમ્બર 2025ના રોજ થવાના હતા પરંતુ લગ્ન પહેલાં સ્મૃતિના પિતા અચાનક બિમાર પડતા બંને પરિવારો દ્વારા સમારોહ મુલતવી રાખવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર બનાવટી ચેટ્સ અને અફવાઓ વાયરલ થઈ હતી. જેમાં પલાશ પર છેતરપિંડીના આરોપ લગાવવામાં આવ્યા હતા જોકે તેની હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
હવે સ્મૃતિ અને પલાશ બન્નેએ જાહેર રીતે સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો સંબંધ અને લગ્નનો નિર્ણય સત્તાવાર રીતે સમાપ્ત થયો છે.