સુરત: મૂળ મોરબીના (Morbi) વતની અને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સ્મીમેર (Smimmer) હોસ્પિટલ (Hospital) ખસેડાયેલા 35 વર્ષિય યુવાનની સ્મીમેરના સર્જરી યુનિટ (Surgery Unit) -3ના ડોક્ટરો (Doctors) અને નર્સિંગ સ્ટાફે (Nursing staff) સ્પાઇનની સર્જરી કરી નવું જીવન આપ્યું હતું. યુવાનને પરિવારજનો દ્વારા ઘરેથી કાઢી મુકાયો હતો. સુરતમાં રહી મજૂરીકામ કરતા આ યુવાન ઉપર સ્મીમેર હોસ્પિટલના તબીબોએ માનવતા દાખવી હતી.મૂળ મોરબીના વતની મુકેશ ભીખા વલારાને દોઢ બે મહિના પહેલાં ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મુકેશ વલારાને પરિવારજનોએ ઘરેથી કાઢી મૂકતાં તે બેઘર બન્યો હતો અને નોકરી-ધંધા માટે સુરત આવી ગયો હતો. મુકેશ વલારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરીકામ કરતો હતો. ત્યારે ત્રીજા માળેથી પટકાતાં તેને કરોડરજ્જુ તેમજ મગજમાં ઇજા થઇ હતી.
ઇજાને કારણે હાથ-પગ ચાલતા બંધ થઇ ગયા હતા
બંને પગ અને એક હાથમાં પણ ઇજાને કારણે હાથ-પગ ચાલતા બંધ થઇ ગયા હતા. ગરદનના ભાગે પણ તેને ઇજા થઈ હતી. દરમિયાન સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગના યુનિટ-3ના ઇનચાર્જ ડો.હરીશ ચૌહાણ તેમજ રેસિડન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ તેમજ વોર્ડ બોયે મુકેશ વલારા ઉપર માનવતા રાખી તેની દોઢ મહિના સુધી સારસંભાળ રાખી હતી. દરમિયાન તાજેતરમાં જ મુકેશ વલારાનું સ્પાઇનનું ઓપરેશન કરી સ્મીમેરના તબીબોએ તેને નવું જીવન આપ્યું છે. યુનિટ-3ના સર્જરી વિભાગના ડોક્ટરોએ મુકેશને પરિવારના સભ્યની જેમ રાખી તેના તમામ રિપોર્ટ કરાવ્યા હતા. મુકેશનું સફળ ઓપરેશન થતાં તેણે સર્જરી વિભાગ સહિત નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકો અને સગર્ભા મહિલાઓને કિટનું વિતરણ
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં નવજાત બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને ખજૂર, ગોળ અને ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધી ટ્રેઇન્ડ નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અનિલ નાયક અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રાજેશ જોષી, ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞા ડાભી અને નર્સિંગ પ્રમુખ ઇકબાલ કડીવાળાના હસ્તે ગાયનેક વોર્ડમાં નવજાત બાળકો તેમજ સગર્ભા મહિલાઓ માટે કિટનું વિતરણ કરાયું હતું. તેમજ સ્ત્રીરોગ વિભાગમાં ફરજ બજાવતી સફાઇ કામદાર 172 બહેનને સાડીનું વિતરણ કરાયું હતું.