સુરત : સુરત (Surat) મનપાના તંત્ર (SMC System) દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી જાહેર માર્ગો (Public Roads) પર પડી રહેલા બાંધકામ મટીરીયલ (Construction Material) તથા છારૂના ઢગલાઓ ઉપાડીને ટનબંધ માટી અને છારૂની સફાઇ કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહયા્ છે. ત્યારે સતત બીજા દિવસે મનપા દ્વારા 538 મેટ્રીક ટન છારૂનો જાહેર માર્ગ પરથી નિકાલ કરાયો હોવાનો દાવો કરાયો છે. રવિવારે શહેરના તમામ ઝોનમાં જાહેર માર્ગો પરથી ડેબ્રીસ નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સરથાણા ઝોનમાં 132 મેટ્રીક ટન છારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાંદેર ઝોનમાં 38, કતારગામ ઝોનમાં 50.4, વરાછા ઝોનમાં 10.8, સેન્ટ્રલ ઝોનમાં 72.70, ઉધના ઝોન-એમાં 46, ઉધના ઝોન-બીમાં 72, લિંબાયતમાં 52.36 અને અઠવામાં 64 મળી કુલ 538 મેટ્રીક ટન છારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો.
હવા સૂકી થતાં પ્રદૂષણ વધ્યું
દેવદિવાળીના બીજા દિવસે શહેરમાં પ્રદૂષણમાં વધારો થયો હતો. સાયન્સ સેન્ટરમાં લગાડેલી એર ક્વોલીટી મોનિટરીંગ સિસ્ટમમાં બપોરે 12 કલાકે ઇન્ડેકસ 306 નોંધાયો હતો, જે બે દિવસ પહેલાં 256 આસપાસ હતો. બુધવારે વહેલી સવારે શહેરમાં ધુમ્મસ સાથે સ્મોગ (ધુમાડા)ની અસર જોવા મળી હતી. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 91 ટકા જેટલું હતું.
શિયાળામાં પ્રદૂષણનું સ્તર વધે જ છે
દર શિયાળામાં વાતાવરણ સૂકું રહેતું હોવાથી સામાન્ય રીતે પ્રદુષણનું સ્તર વધતું હોય છે. દેવદિવાળીમાં શહેરમાં ફટાકડા પ્રમાણમાં ઘણા ઓછા ફૂટે છે, જેથી એક્યુઆઇના સ્તરમાં વધવાનું કારણ માની શકાય નહીં.
મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો : બુધવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.7 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી નો ઘટાડો જ્યારે લઘુત્તમ તાપમાનમાં 0.3 ડિગ્રીનો વધારો નોંધાયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 91 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું. ઉત્તર દિશાથી 2 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. 15મી પછી ઠંડીનું જોર વધવાની સંભાવના છે.