SURAT

મહિલા કોર્પોરેટરની ભલામણથી 76.80 લાખની કિંમતનો પ્લોટ માત્ર 6.24 લાખના ભાડાથી આપી દેવાયો

સુરત: સ્થાનિક મહિલા કોર્પોરેટર (lady councilor)ની ભલામણથી ભાજપ (bjp)ના જ વોર્ડ પ્રમુખને માત્ર એક લાખ રૂપિયામાં ફાળવી દેવામાં આવેલી અડાજણની ફુડ કોર્ટ (food court)ની જમીનમાં મનપાને ખરેખર છ માસમાં 76.80 લાખ રૂપિયા મળી શકે તેમ છે. જેને કારણે આ પ્લોટની ફાળવણી (plot distribution)માં કોઠા-કબાડાનો મોટો વિવાદ થયો છે. મનપાએ પીપલોદમાં જાતે જ નાઈટ બજાર (night bazar)ના નામે ફુડ કોર્ટ બનાવ્યું છે ત્યારે અડાજણમાં પણ મનપા (smc) પોતે ફુડ કોર્ટ બનાવી શકે છે. મનપાના શાસકોએ પ્રથમ વખત આ રીતે મળતિયાઓને પ્લોટની ફાળવણી કરીને તેને બખ્ખાં કરાવી દીધા છે.

સાદા અંદાજ મુજબ પણ જો સુરત મનપા આ મોકાની જગ્યા પર ફૂડ સ્ટોલ બનાવીને ભાડાથી આપે તો મનપાને છ માસમાં 76.80 લાખ ભાડું મળી શકે. કેમ કે, અહીં એક ફૂડ સ્ટોલનું ભાડું માસિક 40 હજારથી વધુ મળી શકે તેમ છે. જો કે, મનપા દ્વારા વોર્ડ પ્રમુખને માત્ર 6.24 લાખના ભાડાથી આપી દેવાઇ છે. મુદ્દાની વાત તો એ છે કે, સુરત મનપા દ્વારા અત્યાર સુધી એવી પોલિસીને અનુસરાતું હતું કે, પાર્કિંગ, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો વગેરેના હેતુ માટે જ ટેન્ડર વગર આવા પ્લોટ અપાતા હતા, તેમજ મનપા દ્વારા પોતાની જમીન પર જો અન્ય આયોજનો કરવા ખાનગી એજન્સીને ઇજારો અપાય તો પણ તેમાં ચાર્જ મનપા નક્કી કરે છે. જેમ કે, પે એન્ડ પાર્ક, હેલ્થ ક્લબ, પાર્ટી પ્લોટ, ગોપી તળાવ વગેરેમાં ખાનગી એજન્સીઓનું સંચાલન હોય તો પણ ટિકિટ કે અન્ય ચાર્જ તો મનપા જ નક્કી કરે છે. આવી રીતે એક પ્લોટ માત્ર 2 રૂપિયા ચોરસ મીટર જેવા નજીવા દરે ફાળવાય અને તેના પર ઇજારો લેનાર મનફાવે તેવું ભાડું વસૂલે તેવી છૂટ પ્રથમ વખત શાસકોએ આપી છે. જેની પાછળ મળતીયાઓને બખ્ખા કરાવવાના ઇરાદાની પ્રતીતિ થઇ રહી છે.

ટેન્ડરો બહાર પાડવામાં આવે તો ઊંચો ભાવ મળે એવી શક્યતા

અડાજણની ટી.પી.32ના ફાઇનલ પ્લોટ 121માં પણ માસિક 10 લાખનું ભાડું મળે તેવો અંદાજ છે એટલે કે જે 6 માસ માટે ઇજારો અપાયો તેમાં મનપાને ભાજપના વોર્ડ પ્રમુખને ફાળવી દેવાયેલા 31 ફાઇનલ પ્લોટ 198 વાળી 1795 ચોરસ મીટર જગ્યા ઉપરાંત અડાજણની જ ટી.પી.32ના ફાઇનલ પ્લોટ નં.121વાળી જગ્યા પણ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલની સુઓમોટો દરખાસ્તથી ફૂડ પ્લાઝા માટે ફાળવી દેવામાં આવી છે. તે પણ સુરત મનપાની તિજોરી પર તરાપ મારવા જેવી વાત છે. કેમ કે, સ્વાદરસીયા સુરત શહેરમાં મનપાના પ્લોટ પર જો કાયદેસર ફૂડ કોર્ટ બનાવવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવે તો અનેક એજન્સીઓ મેદાનમાં આવી ઊંચો ભાવ ભરે તેવી પૂરતી શક્યતા છે. આ જગ્યા પર અજય રતિલાલ ભંડારી નામના ઓફરકર્તાને માત્ર દોઢ રૂપિયા પ્રતિ ચોરસ મીટર (કુલ 1114 ચોરસ મીટર) જગ્યા ફૂડ પ્લાઝાના હેતુ માટે જ ફાળવવામાં આવી છે.

ભાડું વસૂલી જગ્યા ફાળવવાનો દાવો કરતા શાસકોએ સિટી જીમખાનાને જગ્યા ના ફાળવી

એક બાજુ સ્થાયી સમિતિ ચેરમેન એવો દાવો કરી રહ્યા છે કે, મનપાના પ્લોટ ખાલી હોવાથી તેમાંથી આવક કરવા માટે આજુબાજુની કોઇ સંસ્થા, પેઢી કે હિત ધરાવતા લોકો યોગ્ય ઓફર આપશે તો તેને હંગામી ધોરણે ફાળવણી કરવામાં કોઇ વાંધો નથી. આવી રીતે ટેન્ડર વગર પે એન્ડ પાર્ક જેવા ધંધા માટે જગ્યા ફાળવી પણ દેવાઇ છે. પરંતુ સુરતની પ્રતિષ્ઠિત એવી સિટી જીમખાના દ્વારા જીમખાનાની બાજુમાં જ આવેલી ટી.પી.6(પીપલોદ) એફ.પી. 42 પાર્કિંગ માટેની અનામત જગ્યાની માંગણી મનપા નક્કી કરે એ ભાડાથી હંગામી ધોરણે ફાળવવા માંગણી કરી છે.

મનપાના કોઈપણ પ્લોટ બાબતે સંબંધિત ઝોનના માધ્યમથી માંગણી કરી શકાશે : સ્થાયી ચેરમેન

સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે ટેન્ડર વગર ફૂડ પ્લાઝા માટે ફાળવણી કરાયેલા પ્લોટના વિવાદ બાદ એવું જણાવ્યું હતું કે, સુરત મનપાને આવક થાય એ માટે ખાલી પડેલા હોય તેવા પ્લોટની ફાળવણી હંગામી ધોરણે યોગ્ય ભાડું વસૂલીને કરવામાં આવે છે. આવા પ્લોટ મેળવવા કોઇ પણ વ્યક્તિ ઝોનમાંથી હવે અરજી કરી પ્લોટની માંગણી કરી શકશે અને ઝોનના અભિપ્રાય મુજબનું ભાડું નક્કી કરી સ્થાયી સમિતિ ફાળવણી કરશે.

Most Popular

To Top