સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સામાન્ય સભા (General meeting)માં બે દિવસ પહેલા વિપક્ષી (Opposition) સભ્યને સસ્પેન્ડ (Suspend) કરાતાં ભારે ધમાલ થઇ હતી તેમાં ઘણા માઇક પણ તોડી (Mice break) નંખાયા હોવાનું અને ઘણા માઇકમાં પાણી રેડીને નુકશાન કરાયું હોવાનો આક્ષેપ શાસકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ગાઉ સભાખંડમાં શિક્ષણ સમિતિની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી (AAP)ના સભ્યો દ્વારા સામાન્ય સભાગૃહમાં મહાનગરપાલિકાની પ્રોપર્ટીને નુકસાન કરી ૧૨ માઇકને તોડી નાંખવામાં આવ્યા હતાં. તેથી પોલીસ ફરિયાદ પણ થઇ હતી. હવે આપના કોર્પોરેટરોએ માઇકમાં પાણી નાંખી નુકસાન કરવામાં આવ્યું હતું. જેને લઈને જે તે જવાબદાર કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સાથે આગામી સમયમાં જો પ્રોપર્ટીને કોઈ ડેમેજ કરે તો જે તે જવાબદાર પાસે ખર્ચ વસૂલવા પણ શાસકો વિચારણા કરી રહ્યાં છે તેવુ મેયર હેમાલીબહેન બોઘાવાલા (Hemali boghawala)એ જણાવ્યું હતું.
આ સિવાય સભાગૃહમાં અધ્યક્ષ સ્થાનેથી આવતા રૂલિંગ અન્ય સભ્યોનો શોરબકોર વચ્ચે ના સંભળાય તે માટે વિપક્ષે તરકીબ કરી હોવાનો આક્ષેપ પણ શાસકો કરી રહયા છે. જેમાં એવું છે કે, સભાગૃહમાં ગોઠવાયેલા માઇક એકબીજા સાથે કનેકટ હોય છે. માઇક ચાલુ હોય ત્યારે બોલવા માટે અને બંધ હોય ત્યારે સાંભળવા માટે ઉપયોગમાં આવે છે. તેમજ એક સાથે માત્ર પાંચ માઇક ચાલુ રહી શકે છે, પાંચ માઇક ચાલુ હોય તો છઠ્ઠું માઇક ચાલુ થઇ શકે નહીં તેથી વિપક્ષના સભ્યો એક સાથે પાંચ માઇક ચાલુ રાખે છે અને અધ્યક્ષ જયારે કોઇ પણ રૂલિંગ આપવા ઇચ્છે ત્યારે તેનું માઇક ચાલુ જ ના રહે તેવી સ્થિતી ઉભી થાય તેવો આક્ષેપ મનપાના ભાજપ શાસકો દ્વારા કરવામાં આવ્યો છે.
પે એન્ડ પાર્ક, વેક્સિનેશન તેમજ ખાડી પૂર જેવા ગંભીર મુદ્દાની ચર્ચા જ સભાગૃહમાં ના થઈ
હાલ મળેલી સામાન્ય સભામાં પારદર્શન વહીવટના નામ પર મજબૂત વિપક્ષ તરીકે ચુંટાઇ આવેલા આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા અન્ય મુદ્દા પર સવાલો ઉઠાવવા પ્રયાસ કરાયો હતો. પરંતુ ઝીરો અવર્સમાં પણ શાસકો પર જે મુદ્દે માછલાં ધોવાયાં છે તે પે એન્ડ પાર્કના ઇજારામાં ગોલમાલ, શાસકોની અણઘડતાના કારણે ખાડીપૂરની સમસ્યા કે પછી સૌથી વધુ સળગતા પ્રશ્ન એવા વેક્સિનેશનની હાડમારી બાબતે તો કોઇ ચર્ચા જ નહોતી થઇ. જો કે, એક મુદ્દો એવો પણ છે કે વિપક્ષમાંથી માત્ર વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીને શૂન્યકાળમાં રજૂઆતની તક અપાયા બાદ માત્ર સાત આઠ મિનીટમાં જ તેને સભા અધ્યક્ષ દ્વારા રૂલિંગ આપી બેસાડી દેવાયા હતા, તેથી પણ પૂરતી રજૂઆતો થઇ શકી નહોતી.