સુરત: સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્થ સેન્ટરમાં (Health Center) કાર્યરત કર્મચારીઓની આડોડાઈને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના દર્દીઓને (Patient) ઘણી વખત હાલાકીનો સામનો કરવો પડે છે. હેલ્થ સેન્ટરમાં કાર્યરત મેડિકલ ઓફિસરથી માંડીને કેસ બારી પર કામ કરતા કર્મચારીઓ દ્વારા નિયમોના ઓથા હેઠળ આ પ્રકારના દર્દીઓ સાથે અણછાજતું વર્તન કરવામાં આવતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતાં હવે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.
બુધવારે લિંબાયતના મારુતિનગર સર્કલ પાસે આવેલા હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા નિયમોના નામે એક બાળકને પ્રાથમિક સારવાર આપવા માટે અખાડા કરવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. અલબત્ત, આરોગ્ય વિભાગના વડા ડો.આશિષ નાયક દ્વારા માનવીય અભિગમ દાખવી મારુતિનગર હેલ્થ સેન્ટર ખાતે કાર્યરત સ્ટાફને તાત્કાલિક ધોરણે બાળકને સારવાર આપવા માટે સૂચના આપવામાં આવી હતી. એક તબક્કે ત્વરિત સારવાર આપવાને બદલે નિયમોની આંટીઘૂંટી સર્જી રહેલા ઓન ડ્યૂટી મેડિકલ ઓફિસર ડો.તનુલતાને ડો.આશિષ નાયક દ્વારા તાત્કાલિક ફોન કરીને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવતાં અંતે મામલો થાળે પડ્યો હતો. મળતી વિગતો મુજબ લિંબાયતના મારુતિનગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ખાતે પહેલા ધોરણમાં અભ્યાસ કરતાં એક બાળકને સવારે ચાલુ શાળા દરમિયાન ઊલટી થતાં શિક્ષકો દ્વારા બાળકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તાત્કાલિક શાળાએ પહોંચેલા પરિજનો બાળકને લઈ નજીકમાં આવેલા હેલ્થ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર કર્મચારી દ્વારા બાળકના કેસ પેપરની ચબરખીની માંગણી કરવામાં આવતાં બાળકને પિતાએ તે હાલમાં ઉપલબ્ધ હોવા અંગે પોતાની અસમર્થતા દાખવી હતી. આ સાંભળીને કેસ બારી પર કાર્યરત કર્મચારી દ્વારા માસૂમ બાળકને સારવાર આપવાને બદલે નવો કેસ પેપર કાઢવામાં પણ આડોડાઈ કરવામાં આવી હતી.
એક તરફ બાળકના સ્વાસ્થ્યને લઈ ચિંતિત તેના પિતા દ્વારા આ અંગે હેલ્થ સેન્ટરમાં કાર્યરત મેડિકલ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવતાં તેઓ પણ નિયમોનો હોવાલો આપી યેનકેન પ્રકારે સારવાર ટાળવા માટે પ્રયાસ કરી રહ્યા હોય તેમ નજરે પડી રહ્યું હતું. આ સ્થિતિમાં સમગ્ર હેલ્થ સેન્ટરમાં ભારે હોબાળો મચી ગયો હતો અને ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયક સુધી વાત પહોંચ્યા બાદ તેમણે તાકીદે સારવારની સૂચના આપતાં મામલો થાળે પડ્યો હતો.