૧૩ હજાર EVMની ચકાસણી પૂર્ણ, સ્ટ્રોંગ રૂમમાં સીલ ,કડક સુરક્ષા
ચૂંટણી પૂર્વે વહીવટ સજ્જ
સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકા દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વર્તમાન ટર્મ ૧૧ માર્ચે પૂર્ણ થતી હોવાથી, ચૂંટણી પ્રક્રિયા અંગે અસમંજસની સ્થિતિ વચ્ચે પણ વહીવટ તંત્ર સંપૂર્ણ સજ્જતા દાખવી રહ્યું છે. આ દિશામાં પ્રથમ અને મહત્વપૂર્ણ તબક્કા તરીકે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનારા ઈવીએમ મશીનની ફર્સ્ટ લેવલ ચેકિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
૧૯ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી ચાલેલી આ ચકાસણી કામગીરીમાં ૧૫ ટેકનિશિયન અને એન્જિનિયરો, ૧૦ ઇન્સ્ટ્રક્ટરો, સુરત જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની કડક દેખરેખ રહી હતી.આ સમયગાળામાં કુલ ૧૩,૧૧૯ ઈવીએમ યુનિટની તપાસ કરવામાં આવી, જેમાં ૪,૩૭૩ કંટ્રોલ યુનિટ અને ૮,૭૪૯ બેલેટ યુનિટનો સમાવેશ થાય છે.ચકાસણી દરમિયાન થોડાક યુનિટમાં નાની-મોટી તકનીકી ક્ષતિ નોંધાઈ હતી, જેને તાત્કાલિક સુધારી લેવામાં આવી. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, પાલિકાના મગોબ સ્થિત સેન્ટ્રલ સ્ટોરના વેરહાઉસમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં આ તમામ ઈવીએમ મશીન સંગ્રહિત કરવામાં આવ્યા.
ડેપ્યુટી કમિશનર નિધી સિવાય સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ૧૧૫ કર્મચારીઓની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવ્યો છે.વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી જાહેર થયા બાદ સીલ કરાયેલા ઈવીએમ યુનિટની રેન્ડમ ચકાસણી કરવામાં આવશે અને ત્યાર બાદ જ મતદાન પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરાશે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા, સુરક્ષા અને નિષ્પક્ષતા જાળવવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. પાલિકા ચૂંટણીને લઈ વહીવટની આ તૈયારી લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવતી મહત્વની કડી સાબિત થઈ રહી છે…