સુરત(Surat): સુરત મનપા (SMC) દ્વારા શહેરના ભવ્ય ઇતિહાસને ઉજાગર અને જીવંત રાખવા માટે ઐતિહાસિક ધરોહરને ડેવલપ (Devlop) કરવામાં આવી છે. 16મી સદીમાં બનેલા સુરતના કિલ્લાનું પણ રિ-સ્ટોરેશન કરીને ડેવલપ કરવામાં આવ્યો છે. બે વર્ષ પહેલા કિલ્લાના પ્રથમ ફેઝનું કામ પુર્ણ કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જયારે બીજા ફેઝનું રિસ્ટોરેશન પુર્ણ થવાના આરે હોવાથી બે ત્રણ મહિનામાં તેનું પણ લોકાર્પણ થઇ જશે તેમ મ્યુનિ.કમિ. બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. રૂા. 21.73 કરોડના ખર્ચે કિલ્લાના ફેઝ-1 નું કામ પૂર્ણ થયું હતું. બીજા ફેઝમાં 40 કરોડથી વધુનો ખર્ચો થયો છે. તેમજ કિલ્લાના આસપાસના ઐતિહાસિક ધરોહરને એકસરખો કલર કરી સમગ્ર વિસ્તારને થિમ બેઝ ડેવલપ કરાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.
વધુ માહિતી આપતા મ્યુનિ.કમિ.એ જણાવ્યું હતું કે, કિલ્લાના ડેવલપમેન્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ થશે. તેમજ શહેરીજનો કિલ્લા વિશે તમામ માહિતી સરળતાથી મેળવી શકે તે માટે કિલ્લાની માહિતી આપતું પુસ્તક પણ ટુંક સમયમાં બહાર પડાશે. બીજા ફેઝમાં કિલ્લાના પાંચ બુર્જ પૈકી ચાર બુર્જનું નિર્માણ થઇ ગયું છે. હવે છેલ્લા બુર્જનું કામ ચાલુ છે. કિલ્લાના રિ-સ્ટોરેશનમાં સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી. કિલ્લાને અસ્સલ જુના કિલ્લા જેવો દેખાવ આપવા માટે ખાસ મહેનત કરવામાં આવી છે. આ માટે મહારાષ્ટ્રના ખાસ બ્લોક લેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે કિલ્લાના રેમ્પ પણ પહેલાના જેવા જ અસ્સલ બનાવવામાં આવ્યા છે. જેથી જુના બાંધકામનો લુક લાગે.