સુરત: સુરત મનપાના લિંબાયત ઝોનમાં અધિકારીઓ રાજકીય હાથા બની રહ્યા હોવાથી એક પછી એક વિવાદ ઊભા થઇ રહ્યા છે. પે એન્ડ પાર્કના વિવાદ બાદ હવે મગોબ ફાઇનલ ટી.પી. સ્કીમ નં.34, ફાઈનલ પ્લોટ નં.56ની જમીન ઉપર ફ્રૂટ માર્કેટના સ્ટોલ મનપાની જમીન પર હોવાનું કારણ આપી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાના સ્ટોલ સહિત છ સ્ટોલનું ડિમોલિશન કર્યા બાદ લિંબાયત ઝોનના અધિકારીઓ પાણીમાં બેસી ગયા હતા.
જો કે, બાદમાં અન્ય 32 સ્ટોલને ડિમોલિશનની નોટિસ આપ્યા બાદ રાજકીય દબાણ આવતાં નોટિસ પરત લઇ લેવાઇ હતી. જે વાત બહાર આવતાં વિવાદ વકર્યો છે. તેથી પગ નીચે રેલો આવતાં જ લિંબાયત ઝોનના અધિકારીઓએ અહીંના 32 સ્ટોલધારકને ફરી નોટિસ ફટકારી ડિમોલિશન કરી દેવા ચીમકી આપી દીધી છે. જેની પુષ્ટી ગઇ કાલે નોટિસ પરત ખેંચવાના આદેશની જાણ હોવાનો ઇન્કાર કરનાર લિંબાયત ઝોનના વડા આર.જે.માકડિયાએ જ કરી હતી. જો કે, આ સાથે ફરી એકવાર લિંબાયત ઝોનના આ ઉચ્ચ અધિકારીઓ નેતાઓની રાજકીય સોગઠાબાજીનાં પ્યાદાં બની રહ્યાં હોવાની પણ પ્રતીતિ થઇ રહી છે.
એવું હોય તો એવું, અમે તો ફરી નોટિસ ફટકારી છે : માકડિયાની બેફિકરાઈ
ફ્રૂટ માર્કેટના સ્ટોલધારકોને નોટિસ ફટકારીને પાછી ખેંચી લેવાયા અંગે કોઇ જાણ હોવાની વાતનો ઇન્કાર કરી ઝોનલ વડા તરીકેની બેદરકારીની પ્રતીતિ કરાવનાર આર.જે.માકડિયાએ બેફિકરાઇથી જણાવ્યું હતું કે, પાછળથી કોઇ કોર્ટ કેસ ના થાય એ ચેક કરવા નોટિસ પરત લીધી હતી. જો કે, મનપાનું તંત્ર અગાઉથી ખરાઇ કર્યા વગર નોટિસ આપે એ કેવું ? જો કે માકડિયાએ જાણે કોઇ પરવા ના હોય તેમ જણાવ્યું હતું કે, એવું હોય તો એવું…અમે તો હવે ફરી નોટિસ આપી દીધી છે.
આ તે કેવી કદમબોસી, લિંબાયત ઝોનનું તંત્ર ભગવાનભરોસે?
લિંબાયત ઝોનના તંત્ર દ્વારા ફ્રૂટ માર્કેટના સ્ટોલધારકોને નોટિસ ફટકારાયા બાદ રાજકીય દબાણવશ નોટિસ પરત ખેંચી લઇને સેટિંગ કરી લેવાયું હોવાની ચર્ચા વચ્ચે આ વાતમાં કેટલું તથ્ય છે તે જાણવા ઝોનલ વડાને ફોન કર્યો તો આર.જે.માકડિયાએ તો આવડા મોટા છબરડા બાબતે તેને કોઇ ખબર જ નહીં હોવાનું જણાવી હાથ ખંખેર્યા હતા. જ્યારે બીજા દિવસે ફરીથી આ નોટિસ ફટકારીને ડિમોલિશનની ચીમકી પણ આપી હતી. ત્યારે નોટિસ કેમ પાછી ખેંચી એ અંગે પૂછતા રમેશ માકડિયાએ જણાવ્યું હતું કે, મનપાની જમીન પર સ્ટોલ છે કે સિંચાઇની જમીન પર તે અંગે તપાસ કરવા નોટિસ પાછી ખેંચી હતી. તો સવાલ એ થાય છે કે, લિંબાયત ઝોન ભગવાનભરોસે ચાલે છે ? કોઇ કાર્યવાહી થતાં પહેલાં ખરાઇ થતી જ નથી. શું અધિકારીઓની મુનસફી પર કે રાજકીય કદમબોસી થકી જ તંત્ર ચાલે છે?