Vadodara

SMC દ્વારા ASI લક્ષ્મીકાંત દેસાઇની મિલકત અને બેન્ક વિગતો અંગે પૂછપરછ

રિમાન્ડના પ્રથમ દિવસે ઇન્ટ્રોગેશન શરૂ; મોબાઇલ ડિટેલ્સ આવ્યા બાદ વધુ રહસ્યો ખુલવાની શક્યતા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 2
વડોદરા શહેર પોલીસ વિભાગને બદનામ કરનાર એસઓજીમાં ફરજ બજાવતા ASI લક્ષ્મીકાંત દેસાઇના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રિમાન્ડના પ્રથમ દિવસે SMCની ટીમ દ્વારા આરોપીનું ઘનિષ્ઠ ઇન્ટ્રોગેશન શરૂ કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીની બેન્ક ખાતાઓ, એફડી, બચત રકમ તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓથી એકત્ર કરેલી મિલકતો અંગે વિગતવાર માહિતી માંગવામાં આવી હતી.
SMC દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીએ પોલીસ ફરજ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને કેટલાંક ગેરકાયદે કારોબારમાં સંડોવણી રાખી કેટકેટલી મિલકતો વસાવી છે, તેમજ તેના નામે કેટલા બેન્ક ખાતા અને વાહનો છે તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં SMCની ટીમ દ્વારા આરોપીની મિલકતોની રૂબરૂ તપાસ પણ કરવામાં આવશે.
ખાખી પર લાંછન લગાવનાર કર્મચારીઓ અંગે ગંભીર ચિંતા
વડોદરા શહેર પોલીસ વિભાગમાં કેટલાક કર્મચારીઓ અગાઉ વિવિધ એજન્સીઓમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી શહેરમાં ચાલતા ગુનાઓ અને ગુનેગારોની અંદરની માહિતી ધરાવે છે. આ જાણકારીનો દુરુપયોગ કરીને કેટલાક કર્મચારીઓ આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી ખાખી પર લાંછન લગાવે તેવા કૃત્યો કરતા હોવાની ચર્ચા પોલીસ વર્તુળોમાં ચાલી રહી છે.
47 લાખના હેરોઇન કન્સાઇનમેન્ટ કેસથી ફૂટ્યો ભાંડો
એસઓજીમાં ફરજ બજાવતા ASI લક્ષ્મીકાંત દેસાઇનો ભાંડો તાજેતરમાં રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા રૂ. 47 લાખની કિંમતના હેરોઇન ડ્રગ્સ કેસમાં ફૂટ્યો હતો. ડ્રગ્સ પેડલરના મોબાઇલમાંથી આરોપી ASIની સંડોવણી બહાર આવતા SMC લાંબા સમયથી તેની ઉપર નજર રાખી રહી હતી. ત્યારબાદ SMC દ્વારા તેની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, જેથી ડ્રગ્સ કોની પાસેથી મંગાવવામાં આવ્યું, કોને સપ્લાયમાં મદદ કરવામાં આવી અને અન્ય કોની સંડોવણી છે તેની વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે.
મોબાઇલ અને સિમકાર્ડથી ખુલશે વધુ રહસ્યો
SMC દ્વારા ધરપકડ દરમિયાન આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઇ પાસેથી ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા છે. એક મોબાઇલમાં તેનો નિયમિત સિમકાર્ડ હતો, જ્યારે બીજા મોબાઇલમાં વડોદરાના એક શખ્સના નામે નોંધાયેલ સિમકાર્ડ મળી આવ્યું છે. આ સિમકાર્ડ કોનું છે તેની વિગતો મોબાઇલ કંપની પાસેથી મંગાવવામાં આવી રહી છે અને ત્યારબાદ સંબંધિત વ્યક્તિને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
આ ઉપરાંત, કારમાંથી મળેલા એક કીપેડ મોબાઇલ અંગે આરોપી પોતાનો ન હોવાનું જણાવી રહ્યો છે. આ મોબાઇલને FSLમાં મોકલી તેની ટેકનિકલ વિગતો અને કોલ ડેટા રેકોર્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોબાઇલ ડિટેલ્સ આવ્યા બાદ અનેક રહસ્યો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top