SURAT

કોરોનામાં સ્મશાનગૃહોમાં કતારોના અનુભવમાંથી શીખ લઇ સ્મશાનગૃહો માટે પોલિસી બનાવાય

સુરત : આશરો 60 લાખની વસતી ધરાવતા સુરત (Surat) શહેરનો વિસ્તાર હદ વિસ્તરણ પછી 326.51 ચો.કિ.મી.થી વધીને 474.18 ચો.કિ.મી. થયો છે. આમ છતાં શહેરમાં માત્ર ચાર સ્મશાનગૃહો (Cemeteries) કાર્યરત છે. જેમાં કુરુક્ષેત્ર (kurukshetra), અશ્વિનીકુમાર (asvanikumar), રામનાથ ઘેલા અને લિંબાયત સ્મશાનગૃહોનો સમાવેશ થાય છે.

જો કે, સુરતમાં તમામ સ્મશાનગૃહો ટ્રસ્ટો (trust) દ્વારા સંચાલિત છે. તેથી સુરત મનપા (SMC) પર તેનું સીધું બર્ડન નથી. કોરોના (corona)ની મહામારીમાં એકદમ મોતની સંખ્યા વધી જતાં સ્મશાનગૃહોમાં લાઇન લાગી હતી. આથી આ અનુભવમાંથી શીખ લઇ શાસકોએ શહેરમાં સ્મશાનગૃહો માટે ચોક્કસ પોલિસી બનાવી છે. જેનો સ્વીકાર કરનાર સ્મશાનગૃહ ટ્રસ્ટોને મનપા દ્વારા રખરખાવ તેમજ સુવિધાઓના વિકાસ માટે ગ્રાન્ટ આપવાની જોગવાઇ કરાશે. આ પોલિસીને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. તેમજ શહેરમાં સમાવિષ્ટ થયેલાં નવાં ગામોનાં સ્મશાનગૃહો માટે આ જોગવાઇ ઘણી મદદરૂપ બનશે.

વિસ્તૃત વિગતો મુજબ શહેરમાં દિન પ્રતિદિન વધતી જતી વસતીને કારણે અને હાલ થયેલ વિસ્તાર વધારાની સાપેક્ષમાં શહેરમાં સ્મશાનગૃહની સંખ્યા ખૂબ જ ઓછી જણાય છે. તેમજ હાલ ચાલુ સ્મશાનગૃહોમાં મૃતદેહનાં અગ્નિસંસ્કારની કામગીરી ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિથી કરાવવામાં આવે છે. જેથી આવી સંસ્થાઓ દ્વારા અવરનવર નાણાકીય સહાય/અનુદાન માટે માંગણી કરવામાં આવતી હોય છે. વળી, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ન્યૂ દિલ્હીના સેક્રેટરી જનરલ દ્વારા એડ્વાઈઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ધ્યાને લેતાં સાર્વજનિક સંસ્થા દ્વારા નવા સ્મશાનગૃહ શરૂ કરવા તથા હાલ કાર્યરત સ્મશાનગૃહમાં વિકાસ/વિસ્તરણનાં કાર્યો માટે અનુદાન આપવા જોગવાઇ કરવાની થતી હોવાથી મનપા દ્વારા તેના માટે નિયમો/શરતો નક્કી કરવામાં આવ્યા છે. જેનું પાલન કરવા તૈયાર હોય તેવાં સ્મશાનગૃહોને મનપા આર્થિક સહાય આપશે.

મનપા પાસેથી સહાય મેળવવા માટે શરતો

-મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કાર્યરત સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાનગૃહોના નિભાવ કરતી સંસ્થાનું ચેરિટી કમિશનરમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે.
-નવા સ્મશાનગૃહ માટે સંસ્થાએ સુરત મહાનગરપાલિકામાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
-અનુદાન મેળવતી સંસ્થાએ સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચવવામાં આવેલા પદાધિકારીઓ/અધિકારીઓને ટ્રસ્ટ/મેનેજિંગ કમિટીમાં સભ્ય તરીકે ફરજિયાત સમાવવાના રહેશે.
-સ્મશાનગૃહના બાંધકામ માટે મનપાની પેનલના આર્કિટેક/કન્સલ્ટન્ટ જરૂરી છે તેમજ મનપાના નક્કી થયેલા એસઓઆર મુજબ અંદાજો બનાવવાના રહેશે.
-સ્મશાનભૂમિના બાંધકામ/કેપિટલ ખર્ચ તેમજ સાધન—સામગ્રી ખર્ચ પેટે સાર્વજનિક સંસ્થા દ્વારા સુરત મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરેલ અંદાજની સુરત મહાનગરપાલિકા દ્વારા ચકાસણી થઈ સક્ષમ સત્તાની મંજૂરી મળ્યેથી અંદાજ મંજૂરીની 100 % સુધીની ૨કમ અનુદાન તરીકે મળવાપાત્ર થશે.
-અનુદાનથી મેળવેલી રકમમાંથી જે મિલકત અસ્તિત્વમાં આવશે તેની મરામત ખર્ચના 50 ટકા સુધી રકમ સંસ્થાની માંગણી કરે તો મનપા આપશે.
-કોઈ એક કુંટુંબના ઉપયોગ માટે વપરાતા સ્મશાનગૃહ/કબ્રસ્તાનને આવી મદદ, સહાય કે અનુદાન આપવામાં આવશે નહીં.

Most Popular

To Top