ગાંધીનગર : ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાજ્યના વીજ દરો જાહેર કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે, રાજ્ય માલિકીની વીજ વિતરણ કંપનીઓ (GUVNL હસ્તકની ડિસ્કોમ્સ) અને ટોરેન્ટ પાવર લિમિટેડ (અમદાવાદ, ગાંધીનગર અને સુરત) ના ગ્રાહકો માટે વીજ દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવા ટેરિફ આગામી ૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલી બનશે.
પ્રીપેઇડ સ્માર્ટ મીટર અને બિલિંગ અપનાવનાર ગ્રાહકોને એનર્જી ચાર્જ પર મળતું રિબેટ ૨% થી વધારીને ૩% કરવામાં આવ્યું છે.
- ટાઇમ ઓફ યુઝ (ToU) ડિસ્કાઉન્ટનો વ્યાપ વધ્યો – ToU ડિસ્કાઉન્ટનો લાભ હવે માત્ર પ્રીપેઇડ જ નહીં, પરંતુ સ્માર્ટ મીટર ધરાવતા RGP, GLP, NRGP, LTMD અને LT EV ચાર્જિંગ સ્ટેશનના પોસ્ટપેઇડ ગ્રાહકોને પણ મળશે.
- ડિસ્કાઉન્ટના સમયમાં વધારો – દિવસ દરમિયાન મળતી સસ્તી સોલાર ઊર્જાનો લાભ આપવા માટે ToU ડિસ્કાઉન્ટનો સમય ૪ કલાકથી વધારીને ૬ કલાક (૧૧:૦૦ થી ૧૭:૦૦ કલાક) કરવામાં આવ્યો છે.
- વોટરવર્ક્સ માટે રાહત: તમામ વોટરવર્ક્સ જોડાણો માટે ToU ડિસ્કાઉન્ટ લાગુ કરવામાં આવ્યું છે અને ૫૦ HP થી વધુ લોડ હોવાની શરત દૂર કરવામાં આવી છે.
ટોરેન્ટ પાવરના ગ્રાહકો માટે નવા ફેરફાર
- સોલાર કલાક રિબેટ: HTMD કેટેગરીના ગ્રાહકો માટે રાત્રિ કન્સેશનની જગ્યાએ હવે દિવસ દરમિયાન (૧૧:૦૦ થી ૧૫:૦૦ કલાક) વપરાશ માટે ૩૦ પૈસા/kWh ના દરે ‘સોલાર કલાક રિબેટ’ આપવામાં આવશે.
- ToU ચાર્જના સમયમાં ફેરફાર: અમદાવાદ, ગાંધીનગર અને સુરત માટે ToU ચાર્જનો સમય બદલીને હવે સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ અને સાંજે ૧૭:૦૦ થી ૨૩:૦૦ કલાકનો કરવામાં આવ્યો છે.