સુરત : નાના વરાછા વિસ્તારમાં રત્નકલાકારની બે પુત્રીઓ વચ્ચે ઘરકામ કરવા બાબતે ઝઘડો થયો હતો. માતાએ (Mother) કામને લઇ બે પૈકી એક પુત્રીને તમાચો (Slap) મારતા તેણીએ હતાશામાં આવી જઇ ઝેર પી લીધું હતું. સ્મીમેર હોસ્પિટલ (Hospital) સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ ભાવનગર જિલ્લાનાં ભાલ ગામના વતની અને હાલ નાનાવરાછા વિસ્તારનાં કલ્યાણકુટીર સોસાયટીમાં રહેતા રણછોડભાઈ મકવાણા હીરામજૂરી કામ કરી પત્ની તેમજ ત્રણ પુત્રી અને બે પુત્રનું ગુજરાન ચલાવે છે. થોડા વખત પહેલા જ રણછોડભાઇની પત્ની વતનથી સુરત આવી હતી.
ઘરકામ બાબતે રણછોડભાઇની પુત્રી અસ્મિતા (ઉ.વ.18)નો તેની નાની બહેન સાથે ઝઘડો થયો હતો. ઝઘડા અંગે માતાને જાણ થઇ હતી. જેથી માતાએ ઠપકો આપી અસ્મિતાને તમાચો માર્યો હતો. માઠું લાગી આવતા અસ્મિતાએ ગુરૂવારે સવારના સમયે ઝેરી દવા પી લીધી હતી. તેણીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અલથાણ આવાસમાં 18 વર્ષિય યુવતીએ ફાંસો ખાધો
સુરત : અલથાણમાં આવેલા આંબેડકર એસએમસી આવાસમાં રહેતી સફાઇ કર્મચારીની પુત્રીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લીધો હતો. પિતા નોકરી ઉપર હતા અને માતા પણ ઘરે હાજર ન હતા, ત્યારે 18 વર્ષિય પુત્રીએ અંતિમ પગલું ભર્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અલથાણ કેનાલ રોડ આંબેડકર એસ.એમ.સી આવાસમાં રહેતા વિમલભાઇ સોલંકી મનપામાં સફાઈ કામદાર છે. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. આજે સવારે વિમલભાઇ નોકરીએ ગયા હતા. તેમની પત્ની પણ ઘરે ન હતા. ઘરે કોઇ ન હતું ત્યારે વિમલભાઇની પુત્રી રિતુ (ઉ.વ.18)એ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બપોરના સમયે પિતા નોકરી ઉપરથી પરત ઘરે આવતા બનાવ સામે આવ્યો હતો. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી. બનાવ અંગે અલથાણ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.