India

સ્કાયમેટની ચિંતાજનક આગાહી

૨૦૨૬માં ભારતમાં નબળા ચોમાસા અને દુષ્કાળનું જોખમ


​ભારતની પ્રતિષ્ઠિત ખાનગી હવામાન આગાહી સંસ્થા ‘સ્કાયમેટ’ (Skymet) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ચોમાસાનું સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ અહેવાલ કૃષિ ક્ષેત્ર અને અર્થતંત્ર માટે ચિંતાના સંકેતો આપી રહ્યો છે, કારણ કે પ્રશાંત મહાસાગરમાં બદલાતી દરિયાઈ પરિસ્થિતિ અને ‘અલ-નીનો’ (El Nino) ની વધતી અસરને કારણે આ વર્ષે ભારતમાં નૈઋત્યનું ચોમાસું ‘સામાન્ય કરતા ઓછું’ રહેવાની પ્રબળ શક્યતા છે.

વરસાદના આંકડા અને ભૌગોલિક સ્થિતિ : અહેવાલ મુજબ, આગામી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં લોંગ પીરિયડ એવરેજ (LPA) ના માત્ર ૯૪ ટકા જેટલો જ વરસાદ વરસી શકે છે, જે આશરે ૮૧૭ મીમી જેટલો રહેવાનો અંદાજ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દેશના અનેક ભાગોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાવાનું ૩૦ ટકા જેટલું જોખમ તોળાઈ રહ્યું છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદના બીજા રાઉન્ડમાં ભારે અછત સર્જાતા ખેતીના પાક પર આકાશી સંકટ આવી શકે છે.

પ્રાદેશિક અસરો અને ખેતી પર જોખમ : વરસાદનું વિતરણ સમગ્ર દેશમાં અસમાન રહેવાની ધારણા છે. ઉત્તર અને પશ્ચિમ ભારત: પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા મહત્વના કૃષિ રાજ્યોમાં વરસાદની મોટી ખાધ વર્તાઈ શકે. મધ્ય ભારત: અહીં પણ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની ભીતિ છે.
પૂર્વીય ભારત: પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે.
દક્ષિણ ભારત: દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ સામાન્ય સ્તરે રહેશે.

માસિક વરતારો અને વૈજ્ઞાનિક કારણો : હવામાન નિષ્ણાતોના મતે, છેલ્લા દોઢ વર્ષથી સક્રિય ‘લા-નીના’ની સ્થિતિ હવે પૂર્ણ થઈ છે. જોકે, પોઝિટિવ ‘ઇન્ડિયન ઓશન ડાયપોલ’ (IOD) ને કારણે જૂન મહિનામાં શરૂઆત સામાન્ય (૧૦૧ ટકા) રહેશે, પરંતુ ત્યારબાદ વરસાદ સતત ઘટતો જશે:

જુલાઈ: ૯૫ ટકા વરસાદની અપેક્ષા.
​ઓગસ્ટ: ૯૨ ટકા વરસાદની શક્યતા.
​સપ્ટેમ્બર: ઘટીને માત્ર ૮૯ ટકા સુધી પહોંચી શકે છે.

​આમ, ચોમાસાનો અંતિમ તબક્કો સિંચાઈ અને જળાશયોના સ્તર માટે અત્યંત પડકારજનક સાબિત થશે. ખેડૂતો અને વહીવટીતંત્રે પાણીના સંગ્રહ અને પાકના આયોજન બાબતે અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે, કારણ કે અતિવૃષ્ટિની શક્યતા શૂન્ય ટકા છે.

Most Popular

To Top