Gujarat

બગદાણા હુમલા કેસની તપાસ માટે SITની રચના

રાજકોટ : બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જોકે, આ મામલે તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના 1 જાન્યુઆરી, 2026ના રોજ ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમાવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો.

આજે (5 જાન્યુઆરી) સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માગ કરી હતી. બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ કરવાની માગ સાથે આજે કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે, અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માગ છે. અમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ કરાવવાની માગણી કરી છે.

મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે. બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશઇયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી છે. ધારીના મદદનીશ પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીનીઅધ્યક્ષતામાં રચાયેલી SITમાં પોલીસ ઈન્સપેક્ટર એમ.જી જાડેજા, પી.જે.વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરાયો છે. બગદાણામાં આઠ લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી.

જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.

Most Popular

To Top