નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કેસમાં (Delhi Liquor Policy Case) CBI અને ED બંનેના કેસમાં દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની (Manish Sisodia) જામીન અરજી (Bail application) પર બુધવારે સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન ઈડી અને સીબીઆઈએ હાઈકોર્ટ પાસે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો.
EDના વકીલે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મેં કોર્ટ સમક્ષ અરજી આપી છે. સિસોદિયા જામીન મંજૂરી કેસમાં નોટિસ 3 મેના રોજ જારી કરવામાં આવી હતી, જેના કારણે અમને જવાબ આપવા માટે માત્ર 3 દિવસનો સમય મળ્યો હતો. તેમજ તપાસ અધિકારી IO પૂરક ચાર્જશીટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. જેથી જવાબ દાખલ કરવા માટે કોર્ટે અમને વધુ એક સપ્તાહનો સમય આપવો જોઈએ. દરમિયાન સિસોદિયાના વકીલ વિવેક જૈને સમયની વિનંતી સામે વાંધો ઉઠાવ્યો હતો.
સિસોદિયાના વકીલે માંગવામાં આવેલા સમયનો વિરોધ કર્યો હતો
મનીષ સિસોદિયાના વકીલે કહ્યું કે નીચલી કોર્ટમાં તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબો પહેલાથી જ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે CBI અને ED દોઢ વર્ષથી વધુ સમયથી આ કેસમાં તપાસ કરી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટ સામે કહ્યું, અમે 6 મહિનામાં ટ્રાયલ ખતમ કરીશું. ટ્રાયલ કોર્ટ સમક્ષ જામીન અરજી પણ ઘણી વખત ટઅળવામાં આવી હતી.
આગામી સુનાવણી 13 મેના રોજ થશે
સુનાવણી દરમિયાન CBI અને EDએ આ કેસમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે વધુ એક સપ્તાહનો સમય માંગ્યો હતો. જેના પર જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેંચે તપાસ એજન્સીઓને જવાબ દાખલ કરવા માટે ચાર દિવસનો સમય આપીને સુનાવણી આગામી સોમવાર એટલે કે 13 મે સુધી લંબાવી હતી. આ પહેલા કોર્ટે CBI અને EDને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો.
સિસોદિયાની અરજીઓ નીચલી અદાલતે ફગાવી દીધી હતી
30 એપ્રિલે નીચલી કોર્ટે સિયોદિયાની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. સિસોદિયાએ એવી પણ અરજી દાખલ કરી હતી કે જ્યાં સુધી જામીન અરજી પેન્ડિંગ ન હોય ત્યાં સુધી તેમને તેમની બીમાર પત્નીને એક સપ્તાહ સુધી મળવાની છૂટ આપવામાં આવે. સુનાવણી દરમિયાન EDએ કહ્યું હતું કે જો નીચલી કોર્ટ આ અંગે સિસોદિયાને છૂટ આપશે તો પણ તપાસ એજન્સીને કોઈ વાંધો નથી.