National

‘સાહેબ બ્લંડર હો ગયા…’- ભારત બંધ દરમિયાન પટના પોલીસે SDM ઉપર જ લાઠીચાર્જ કર્યો, VIDEO

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના (Supreme Court) SC-ST અનામતમાં ક્રીમી લેયર પરના નિર્ણય વિરુદ્ધ આજે દેશના 21 સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યુ હતું. જેના કારણે ખાસ કરીને બિહારની રાજધાની પટનામાં (Patna) ભારે પ્રદર્શનો જોવા મળ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પટનામાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. આ બનાવના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપે વાઇરલ થઇ રહ્યા છે.

અસલમાં બિહારની રાજધાની પટનામાં પ્રદર્શન દરમિયાન આજે બુધવારે બિહાર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જે બાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનથી પાણીના ફુવારા પણ છોડ્યા હતા. ત્યારે આ ઘર્ષણ દરમિયાન બિહારના એક પોલીસકર્મીએ તે વિસ્તારના SDM ઉપર જ લાઠીચાર્જ કરી દીધો હતો. ત્યારે SDM ઉપરના લાઠીચાર્જના વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પટનાના ડાકબંગલા ચારરસ્તા પર વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કરી દીધો હતો, ત્યારબાદ પોલીસે બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. ત્યારે પટના પોલીસે પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને તેમનો પીછો પણ કર્યો હતો. આ નાસભાગ દરમિયાન પટના પોલીસના એક કોન્સ્ટેબલએ શહેરના SDM સાહેબ ઉપણ લાઠીચાર્જ કરી દીધો હતો.

પટનામાં SDM ઉપર થયેલા લાઠીચાર્જ બાદ પોલીસ અને વહીવટીતંત્ર વચ્ચે થોડો સમય અસ્વસ્થતાનો માહોલ સર્જાયો હતો. અસલમાં જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીએ પોતાની જ ટીમના પોલીસકર્મીને SDM ઉપર લાઠીચાર્જ કરતા જોયા તો તેમણે પોલીસ અધિકારીને SDMથી દુર કર્યા હતા. ત્યારે લાકડીનો ફટકો પડ્યા બાદ SDM સાહેબ પણ નારાજ થઈ ગયા હતા. દરમિયાન પોલીસ અધીકારીઓએ SDM સાહેબની માફી માંગી હતી અને કહ્યું હતું કે સાહેબ, બ્લંડર હો ગયા હે. ગલતી સે માર દીયા!

જણાવી દઇયે કે લાઠીચાર્જનો ભોગ બનનાર SDMની ઓળખ પટના SDM શ્રીકાંત કુંડલીક ખાંડેકર તરીકે થઈ છે. શ્રીકાંત કુંડલિક ખાંડેકર મહારાષ્ટ્રના વતની છે અને ભારતીય વહીવટી સેવા 2020 બેચના IAS અધિકારી છે. ત્યારે પટનામાં ભારત બંધનું પાલન કરી રહેલા લોકોને રોકવા તેઓ શહેરમાં પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા. વીડિયોમાં SDM સાહેબ સફેદ શર્ટ પહેરેલા જોવા મળે છે. તેમજ તેઓ કાર્ટ પર લોડેડ જનરેટર બંધ કરવાની સૂચના આપી રહ્યા હતા.

અસલમાં ભારત બંધને ધ્યાનમાં રાખીને આજે બુધવારે પટનામાં ઘણી દુકાનો અગાઉથી જ બંધ રહી હતી, જ્યારે કેટલાક દુકાનદારોએ વિરોધ શરૂ થતાંની સાથે જ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. આટલું જ નહીં પણ શહેરની ઘણી શાળાઓએ મંગળવારે રાત્રે જ રજા જાહેર કરી દીધી હતી. જો કે આ સમયગાળા દરમિયાન કેટલીક શાળાઓ ખુલી હતી, પરંતુ વિરોધને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં ચાલુ શાળાઓ પણ બંધ કરવામાં આવી હતી. જો કે ભારત બંધના એલાન બાદ તરત જ બિહાર સરકારે આ ચળવળમાં લોકોને ભાગ ન લેવા જણાવ્યું હતું. તેમજ જે લોકો પ્રદર્શન કરશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી હતી. આમ છતા બિહારમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી હતી. આ અસર અને પ્રદર્શનને રોકવા જતા લાઠીચાર્જની આ ઘટના ઘટી હતી.

Most Popular

To Top