રાજ્યમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ થતા મતદાર યાદી ફ્રીઝ કરાઈ
મતદાર યાદીનું સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન ફેબ્રુઆરી સુધી ચાલશે, જેના કારણે જાન્યુઆરીમાં ચૂંટણી શક્ય નહીં
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી એપ્રિલ અથવા એપ્રિલ પછી યોજાય તેવી શક્યતા હવે વધુ મજબૂત બની છે. શરૂઆતમાં આ ચૂંટણી જાન્યુઆરી 2026માં યોજાવાની સંભાવના દર્શાવવામાં આવી હતી, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા એ સમયમર્યાદામાં ચૂંટણી યોજાવા મુશ્કેલ બની છે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીની વિગતવાર ચકાસણી અને સુધારણા કરવામાં આવે છે. આ પ્રક્રિયા શરૂ થતાં જ હાલની મતદાર યાદી ફ્રીઝ એટલે કે સ્થગિત કરી દેવામાં આવી છે. એટલે હવે નવી નોંધણી, નામ કાપવા કે સુધારણા જેવી કામગીરી જાન્યુઆરી પહેલાં શક્ય નથી. મતદાર યાદી ફ્રીઝ થવાને કારણે જાન્યુઆરી 2026ની સ્થિતિએ નવી યાદીનો ડ્રાફ્ટ તૈયાર થઈ શક્યો નથી. ચૂંટણી પ્રક્રિયા માટે તાજેતરની મતદાર યાદી જરૂરી હોવાને કારણે આ પરિસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું આયોજન જાન્યુઆરીમાં કરવું શક્ય નહીં રહે.
સત્તાવાર માહિતી મુજબ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા ફેબ્રુઆરી 2026 સુધી ચાલુ રહેશે. એટલે કે ફેબ્રુઆરીના અંત સુધી નવી સુધારેલી મતદાર યાદી તૈયાર થઈ જશે. ત્યાર બાદ જ ચૂંટણી પંચ વડોદરા મહાનગરપાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર કરી શકશે. આથી હાલ એવી સ્પષ્ટ સ્થિતિ ઉભી થઈ છે કે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હવે એપ્રિલ 2026 બાદ યોજાય તેવી સંભાવના છે. જો કે, અંતિમ નિર્ણય રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પૂર્ણ થયા બાદ લેવામાં આવશે. મહાનગરપાલિકાની હાલની બોડીનું કાર્યકાળ પૂર્ણ થશે એટલે તાત્કાલિક રૂપે વહીવટદાર વ્યવસ્થા ચાલુ રહેશે.