National

ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં ગાયકના પિતરાઈ ભાઈની ધરપકડ

પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસે તેમના પિતરાઈ ભાઈ સંદીપનની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે સંદીપન ગર્ગ પણ ઝુબીન સાથે સિંગાપોરની યાટ પાર્ટીમાં હાજર હતો. જ્યાંથી આ સમગ્ર ઘટના શરૂ થઈ હતી. હાલ રાજ્યની CID (ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) આ કેસની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે.

યાટ પાર્ટી સાથે જોડાણ બહાર આવ્યું
અહેવાલો મુજબ ઝુબીન ગર્ગ તા. 20 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ત્રણ દિવસીય નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ માટે સિંગાપોર ગયા હતા. કાર્યક્રમ દરમિયાન જ તેમણે યાટ પાર્ટીમાં ભાગ લીધો હતો. તા. 27 સપ્ટેમ્બરના રોજ સ્વિમિંગ કરવા જતા ઝુબીન ગર્ગનું ડૂબી જવાથી મોત થયું હતું. શરૂઆતમાં આને દુર્ઘટના માનવામાં આવી હતી પરંતુ અનેક શંકાસ્પદ પરિસ્થિતિઓ સામે આવ્યા બાદ પોલીસે તપાસને હત્યાની દિશામાં વાળવાનો નિર્ણય લીધો છે.

હમણાં સુધીમાં પાંચ લોકોની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં તાજેતરની ધરપકડ ઝુબીનના પિતરાઈ ભાઈ સંદીપનની છે. અહેવાલ મુજબ સંદીપન પોલીસ વિભાગમાં કાર્યરત છે અને તે ઝુબીન સાથે સિંગાપોર પ્રવાસે ગયો હતો. ધરપકડ બાદ SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) સંદીપનને કોર્ટમાં રજૂ કરશે.

ઝુબીનના અચાનક મોત બાદ ફેન્સ અને સંગીત પ્રેમીઓમાં ભારે આઘાત જોવા મળ્યો હતો. પરંતુ હવે પરિવારજનો અને નજીકના લોકોએ આ ઘટનાને માત્ર અકસ્માત નહીં પરંતુ શંકાસ્પદ ગણાવી છે. પોલીસે યાટ પાર્ટીમાં હાજર અન્ય મહેમાનોની પણ પૂછપરછ શરૂ કરી છે.

CIDની તપાસ ચાલુ
રાજ્ય CIDના અધિકારીઓએ જણાવ્યું છે કે સિંગાપોર પોલીસ સાથે સંપર્ક સાધીને તમામ પુરાવા મેળવવામાં આવી રહ્યા છે. જેમાં યાટ પર હાજર રહેલા લોકોની સૂચિ, CCTV ફૂટેજ અને ઝુબીનના મોબાઇલ ડેટાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top