Columns

સીંગ-ચણાનું યુગલ ગાન

‘જોડીની વાત કરતાં નવી પેઢીને રણબીર-આલિયા તો જૂની પેઢીને રાજ કપૂર-નરગીસ યાદ આવે પણ લોકપ્રિયતામાં અને આવરદામાં બધી જોડીઓને ટપી ગયેલી જોડી સીંગ-ચણાની છે. આપણી પરંપરામાં ચણાને શુદ્ર ગણવામાં આવે છે. કોઈ નકામા માણસ માટે કહેવાય છે, ‘એનો ચણોય ન આવે.’ જ્ઞાતિઆધારિત બીજા ભેદભાવોની માફક, આ ભેદભાવ પણ બિનપાયાદાર છે. છતાં તે ચાલ્યા જ કરે છે. કહેવાતા શુદ્રોની જેમ ચણાની ઉપયોગિતા વિશે પણ બે મત નથી. છતાં, મોભાની વાત આવે ત્યાં ગુણવત્તા ગૌણ બની જાય, એની ક્યાં નવાઈ છે?

મુફલિસ ગણાતા ચણાની સરખામણીમાં સીંગ મોભાદાર ગણાય છે-અને તેમાં પણ શેકેલી ખારી સીંગ એટલે? ખલાસ. તેને ગરીબી કે અભાવ સાથે સાંકળી શકાતી નથી. માણસે તેના સંઘર્ષના દિવસો ચણા ફાકીને ટૂંકા કર્યા હોય એવું સાંભળ્યું છે પણ વખાના માર્યા કોઈએ સીંગ ખાધી હોય એવું જાણ્યું છે? હા, વધુ પડતી સીંગ ખાવાથી, તેમાં રહેલા તેલની આડઅસરો શરીર પર થતાં, સાજાનરવા માણસને સીંગ છોડીને ચણા ખાવાનો વખત આવે એવું બને. બાકી, ચણા હોંશથી અને સીંગ મજબૂરીથી ખાનારા મુખ્યત્વે ચોપગાં, ખાસ કરીને ઘોડા જ હોય, એવું મનાય છે.

ઘણા સમયથી ગુજરાતમાંથી બ્રાન્ડેડ અને હવાચુસ્ત પેકિંગ ધરાવતી સીંગની વિદેશોમાં નિકાસ થાય છે. ક્યાં આવું NRI કનેક્શન ધરાવતી સીંગ અને ક્યાં દેશી, મીઠાવાળા ચણા. પણ ઘણી ફિલ્મી પ્રેમકથાઓ એવી નથી હોતી? હીરોને ન રહેવાનાં ઠેકાણાં હોય, ન ખાવાનાં. પ્રેમમાં પડવા-પાડવા સિવાય બીજું કશું ફાવતું ન હોય. છતાં (કે એટલે જ) તેનો કોઈ અમીર છોકરી સાથે પ્રેમ થાય અને પછી શરૂ થાય જોડીનાં કારનામાં.

એવું જ સીંગ-ચણાની જોડીનું છે. સાચી ભારતીય પરંપરાઓનું સાચું ગૌરવ લેવાને બદલે, શરમ ઢાંકવા ગમે ત્યાંથી સાચુંખોટું ગૌરવ ઘસડી પાડવાની હવે તો ઘણા સમયથી ફેશન ચાલે છે. તેને આગળ વધારતાં કહી શકાય કે ફેમિનિઝમ વિશે યુરોપ-અમેરિકાવાળા ખોટા ખાંડ ખાય છે. સીંગ-ચણાની જોડી આદર્શ જોડીનો ઉત્તમ ભારતીય નમૂનો છેઃ બંને એકબીજા કરતાં સાવ જુદાં છે, છતાં તે વિરોધી નહીં,પૂરક છે. બંનેને ફોતરાં હોય છે અને તે કાઢી નખાય એટલી જ સહજતાથી ખાઈ પણ શકાય છે. તેમની નિકટતામાં મોભાની વાત આવતી નથી. બંને સ્વતંત્ર અસ્તિત્વ અને આગવો ચાહકવર્ગ ધરાવે છે. છતાં, તેમની જોડી વચ્ચે અહંકારનો ટકરાવ થતો નથી. અલબત્ત, સીંગ-ચણાના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ પર ઘણો વધારે મોટો ફાળો તે જોડીના ચાહકોનો છે.

ખરેખર તો એમ કહેવું જોઈએ કે ચાહકો છે, તો આ જોડી છે. બાકી, ઘણા લોકો બંનેને સ્વતંત્ર રીતે માન આપી શકે છે, પણ તેમને જોડી તરીકે સ્વીકારી શકતા નથી. એટલું જ નહીં, તેમનો જોડી તરીકે મહિમા કરનારને તે અણસમજુ ગણી કાઢે છે. ફક્ત સીંગના પ્રેમીઓને તે કહી શકે છે, ‘તમે તો જાણો છો. સીંગની સામે ચણાનો ચણોય ન આવે. આ તો ઠીક છે, સીંગ ઉદાર છે એટલે તેની સાથે નભાવી લે છે. પણ ખરા જાણકારોને તો ખબર જ છે કે મહત્ત્વ કોનું છે.’ આ વાતની ખાતરી ક્યારેક સમૂહમાં સીંગ-ચણા ખાવાનો વારો આવે ત્યારે થઈ શકે છે. તે વખતે બહુમતી ઉત્સાહીઓ ઢગલામાંથી વધુ ને વધુ સીંગ અંકે કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. તેમના પ્રયાસ સફળ થાય તો 60% ચણા અને 40% સીંગ ધરાવતો ઢગલો જોતજોતાંમાં 90% ચણા અને 10% સીંગમાં ફેરવાઈ જાય છે.

સત્તાવાર દારૂબંધી ધરાવતા ગુજરાતમાં જેમ સીંગ ભુજિયાં ખરીદનારે, તેમ સીંગ-ચણા ખરીદનારે પણ ખુલાસા આપવાની નોબત આવી શકે છે. એમાં પણ જો સીંગ-ચણા કાળી કોથળીમાં વીંટળાઈને આવ્યા હોય અને ઘરમાંથી કોઈનું-ખાસ કરીને મહિલાવર્ગનું-ધ્યાન પડે, તો તે સીંગ-ચણા જ છે અને ‘બાઇટીંગ’નથી તે સામેવાળાના ગળે ઉતારવાનું કઠણ બની શકે છે. પહેલાંના સમયમાં માતાઓ તેમનાં સંતાનોના નાસ્તાની અવેજીમાં કપડાંનાં ખિસ્સામાં સીંગ-ચણા ભરી આપતી હતી. અમેરિકાની સિલિકોન વેલીમાં જઈને ડંકો વગાડનારા પહેલવહેલા ભારતીયો એ જ પેઢીના હતા. તેમની સફળતામાં સીંગ-ચણાનો ફાળો કેટલો હતો તે કોઈએ પૂછ્યું? એ બિચારા સામેથી શી રીતે કહે?

સીંગ-ચણામાં સીંગનું પ્રમાણ સામાન્ય રીતે સમાજમાં છોકરીઓના પ્રમાણની જેમ ઓછું હોય છે. પરંતુ એક સીંગને બે-ત્રણ ચણા સાથે ખાવાનું શક્ય હોય છે. કેટલાક લોકો સીંગ અને ચણાનું સરેરાશ સંતુલન જળવાઈ રહે એ રીતે ફાકડો મારે છે. સીંગ-ચણા કેવી રીતે ખાવા, તે વિશે માથાં એટલા અભિપ્રાયો હોઈ શકે છે. મોટા ભાગના લોકોને જો કે અભિપ્રાયોમાં ફાલતુ સમય બગાડવાને બદલે સીંગ-ચણા ખાવાની મુખ્ય પ્રક્રિયા પર અને તેમાં મહત્તમ સીંગ અંકે કરવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનાથી વિપરીત, દરેક બાબતમાં વિશેષ જ્ઞાનનો દાવો ધરાવતા લોકો સીંગ-ચણા ખાવાની રીતોનું પણ વિવેચન કરતા હોય છે. ‘દરેક બાબતનું શાસ્ત્ર છે અને ન હોય તો તે હોવું જોઈએ અને તે ભારતમાં જ રચાયેલું હોવું જોઈએ’-એવી દૃઢ માન્યતા ધરાવતા લોકો સીંગ-ચણાને પણ શાસ્રોક્ત વિધિથી ખાવાનો આગ્રહ રાખે છે. એ શક્ય ન બને તો તે પોતે અપનાવેલી વિધિને શાસ્ત્રોક્ત જાહેર કરીને, શાસ્ત્રની બહારનું કામ કરવાના પાપમાંથી ઉગરી જાય છે.

Most Popular

To Top