નવસારી : નવસારી (Navsari) એસ.ઓ.જી. પોલીસે (Police) બાતમીના આધારે સીમકાર્ડ (SIM card) ખરીદી કરી ગ્રાહકની જગ્યાએ અન્ય વ્યક્તિઓના ફોટા અપલોડ કરી સીમકાર્ડ એક્ટીવ કરનાર ત્રણને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરીટીના અધિક પોલીસ મહાનિર્દેશક તરફથી ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લા વિસ્તારમાં અલગ-અલગ કંપનીના સીમકાર્ડનું વેચાણ કરતા ચોક્કસ રીટેઈલરો દ્વારા એક અથવા અન્ય વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરી ઘણા બધા સીમકાર્ડ અલગ-અલગ વ્યક્તિઓના નામે એક્ટિવ કરી વેચાણ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવા અંગેની માહિતી શેર કરવામાં આવી અને હકીકતની ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેથી નવસારી જિલ્લા વિસ્તારમાં આવી રીતે અન્ય વ્યક્તિઓના ફોટા લગાવી બીજાના નામે સીમકાર્ડ એક્ટીવ કરતા દુકાનદારો/રીટેઈલરોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા એસ.ઓ.જી. શાખા/ટેક્નિકલ સેલને જરૂરી સુચના તથા માર્ગદર્શન હેઠળ મુજબની કામગીરી કરવામાં આવી છે.
આ અંતર્ગત નવસારી સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસે ટેક્નિકલ સેલના સ્ટાફ સાથે ટીમો બનાવી હતી. જે ટીમો દ્વારા એ.ટી.એસ. તરફથી આવેલા ઈનપુટ આધારે ડેટા એકત્રિત કરવામાં આવ્યા અને તે ડેટા એનાલિસિસ કરી નવસારી જિલ્લામાં આવી રીતે એક જ અથવા અન્ય વ્યક્તિઓના ફોટાનો ઉપયોગ કરી ઘણા સીમકાર્ડ વેચાણ કરેલા ત્રણ વ્યક્તિઓને આઈડેન્ટીફાઈ કરવામાં આવેલા જે ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં વિજલપોર ઉદ્યોગનગર પાર્શ્વ ડાયમંડમાં રહેતા અભિષેક ઋષિકેશભાઈ પાંડે કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં અપલોડ કરેલા ફોટાવાળી વ્યક્તિ એજન્ટે એકબીજાની મદદગારીથી ગર્ગ કિરાણાના નામની કુલ 160 વીઆઈ કંપનીના સીમકાર્ડ ગ્રહની જગ્યાએ બીજી વ્યક્તિનો ફોટો એક્ટીવ કરી વેચાણ કર્યા છે.
નવસારી સિંધીકેમ્પ પ્રીતમચોકની બાજુમાં ગુરુનાનક નગરમાં રહેતા હિતેશભાઈ શોભરાજ દેવનાની અને અભિષેક પાંડે એકબીજાની મદદગારીથી સરકારી માન્ય કંટ્રોલના નામથી કુલ 160 વીઆઈ કંપનીના સીમકાર્ડ ગ્રાહકની જગ્યાએ બીજી વ્યક્તિનો ફોટો એક્ટીવ કરી વેચાણ કર્યું છે. તેમજ ગણદેવીના બીલીમોરા ગોહરબાગ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા જય ધીરજલાલ ટંડેલે આશિષ અને વિનીત મોબાઈલના નનામથી કુલ 101 વીઆઈ કંપનીના સીમકાર્ડ ગ્રાહકની જગ્યાએ બીજી વ્યક્તિનો ફોટો તેમજ ગ્રાહકના આધારકાર્ડમાં બીજી વ્યક્તિનો ફોટો અપલોડ સીમકાર્ડ કરી વેચાણ કર્યા છે.
આરોપીઓ વિરુદ્ધ 4 ગુનાઓ નોંધાયા હતા
નવસારી : નવસારી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ મથકે 4 ગુનાઓ નોંધાયા છે. જેમાં નવસારી ટાઉન પોલીસ મથકે, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે, ગણદેવી પોલીસ મથકે અને બીલીમોરા પોલીસ મથકે ગુનાઓ નોંધાયા છે.