વાંકલ: માંગરોળના વાંકલ (Vankal) ગામે પાનેશ્વર ફળિયા નજીક રાજ્ય ધોરી માર્ગ પર સિગ્નલ લાઇટ (Signal light) વિના અડચણરૂપ પાર્ક કરેલી ટ્રક (Truck) પાછળ ઇકો કાર (Car) ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે કારચાલકનો સામાન્ય ઇજા આબાદ બચાવ થયો હતો. વાંકલ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ ભરેલી ટાટા ટ્રક નં.(GJ 12 B Y 8195)ના ટ્રકચાલકે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે પોતાનું વાહન પાર્ક કર્યું હતું. તેમજ સિગ્નલ લાઇટ ચાલુ રાખી ન હતી અને પાછળના ભાગે કોઈ આડસ એડેપ્ટર નહીં લગાવતાં આ અકસ્માત (Accident) સર્જાયો હતો.
વાંકલ ગામના સ્ટેશન ફળિયામાં રહેતા વિકાસકુમાર શ્રીરામ કીરી પોતાની ઇકો કારને સર્વિસ કરાવી મોસાલીથી આવી રહ્યા હતા, ત્યારે કોઈપણ જાતની આળસ કે એડેપ્ટર સિગ્નલ લાઇટ વિનાની અડચણરૂપ પાર્ક કરેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી ગઈ હતી. ચાલક વિકાસભાઈનો માથામાં સામાન્ય ઇજા સાથે આબાદ બચાવ થયો હતો. આ ઘટના બનતાં જ વાંકલ ગામના યુવાનો અને વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મદદે દોડી આવ્યા હતા અને ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. તેમજ ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટના સંદર્ભમાં વિકાસ કીરીએ ટ્રકચાલક વિરુદ્ધ માંગરોળ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઓલપાડના દેલાડમાં ટ્રકચાલકે અડફેટે લેતાં બાઇકસવાર બે પટકાયા, એકનું મોત
દેલાડ: ઓલપાડના દેલાડ ગામની શિવશક્તિ ઇન્ડસ્ટ્રીઝ પાસે પૂરપાટ ઝડપે દોડતા આઇસર લોડિંગ ટ્રકના ચાલકે બાઈક ઉપર સવારી કરી જઈ રહેલા બે મિત્રોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઈક પાછળ સવારી કરી રહેલા એક ઓરિસ્સાવાસી કિશોરનું મોત થયું હતું. મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલ ઓલપાડના સાયણ ટાઉનની આદર્શનગર સોસાયટી-૧, પરિનિવાસ એપાર્ટમેન્ટમાં મકાન નં.૩માં બાબુલા જેના રહે છે અને લૂમ્સના કારખાનામાં કામ કરે છે.
તેમનો પુત્ર રાજેશ જેના (ઉં.વ.૧૩) તેના મિત્ર કાન્હા અભીરામ રાઉત સાથે મો.સા. નં.(જીજે-૦૫, કેજી-૨૨૪૭) બાઈક ઉપર સવાર થઈ દેલાડ ગામે બેંકમાં જવા નીકળ્યો હતો. જ્યારે બંને મિત્ર બાઈક પરથી દેલાડ ગામની શિવશક્તિ ઇન્ડસ્ટ્રીઝ, વિભાગ-૩માં જવાના રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક આઇસર કંપનીની ૧૨ ટાયરવાળી ટ્રક નં.(જીજે-૧૮,એએક્સ-૮૪૫૫)ના અજાણ્યા ચાલકે તેના કબજાની ટ્રક અચાનક ડ્રાઇવર સાઇડ લેતાં મો.સા.ને અડફેટે લીધી હતી. જેથી બંને મિત્ર રોડ ઉપર પટકાતાં પાછળનું ટાયર રાજેશ પર ચઢી જતાં ટાયર નીચે કચડાતાં મોત થયું હતું. જ્યારે કાન્હા રાઉતને શરીરે સાધારણ ઇજા થઈ હતી. જો કે, અકસ્માત સર્જાતાં ટ્રકનો ડ્રાઇવર ત્યાંથી ટ્રક મૂકી ભાગી ગયો હતો. આ બાબતે મૃતક કિશોરના મોટા ભાઈએ આઇસર ટ્રકચાલક વિરુદ્ધ તેના કબજાની ટ્રક ગફલત ભરી રીતે હંકારી રાજેશને કચડી મોત નીપજાવવા બદલ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.