નવી દિલ્હી: સ્વર્ગસ્થ પંજાબી ગાયક (Punjabi singer) સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moosewala) ઘરમાં હાલ ખુશીનો માહોલ છે. તેમની માતા ચરણ કૌરે 58 વર્ષની વયે પુત્રને (Baby Boy) જન્મ આપ્યો છે. જેની માહિતી મૂસેવાલાના પિતા બલકૌર સિંહે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. બલકૌર સિંહે પોતાના ફેસબુક ઉપર પોતાના નાના દિકરાનો ફોટો શેર કરતા સિધ્ધુના ફેન્સને ખુશખબરી આપી હતી.
સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના નાના પુત્રની તસવીર શેર કરતા લખ્યું, ‘શુભદીપને પ્રેમ કરનાર લાખો આત્માઓના આશીર્વાદથી અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં આપ્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું આભારી છું.’
આજે પંજાબના ફેમસ સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના લગભગ બે વર્ષ બાદ બલકૌર સિંહ 60 વર્ષની વયે અને તેમની પત્ની ચરણ કૌરે 58 વર્ષની વયે પુત્રને જન્મ આપ્યો છે. તેમજ સિંગરના મૃત્યુના લગભગ બે વર્ષ બાદ સિંગરના ઘરમાં કિલકારીઓ ગુંજી છે. મૂસેવાલાના પિતાએ તેમના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને કહ્યું કે મૂસેવાલાના આશીર્વાદ તેમના નાના ભાઈને આશીર્વાદ મળ્યા છે.
બલકૌરે પહેલા આ સમાચારને નકારી કાઢ્યા હતા
અગાઉ સિધ્ધુના પિતા બલકૌર સિંહે તેમની પત્નીના ગર્ભાવસ્થાના સમાચારને નકારી કાઢ્યા હતા. તેમજ સિધ્ધુના દરેક ફેનને તેમજ તમામ લોકોને અફવાઓ ઉપર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અમે સિદ્ધુના ફેન્સના આભારી છીએ. કે જેઓ અમારા પરિવારની ચિંતા કરે છે. પરંતુ અમે વિનંતી કરીએ છીએ કે પરિવાર વિશે એટલી બધી અફવાઓ ચાલી રહી છે કે તેના પર વિશ્વાસ ન કરી શકાય. જે પણ સમાચાર હશે તે પરિવાર તમારા બધા સાથે શેર કરશે. આ સાથે જ સિધ્ધુના પિતાએ સિધ્ધુના મૃત્યુ બાદ પણ પરિવાર સાથે રહેવા માટે આભાર માન્યો હતો. તેમજ તેમના પરિવારની ગોપનીયતા જાળવી રાખવા માટે વિનંતી કરી હતી.
સિદ્ધુની માતાએ આ ટેકનિકનો આશરો લીધો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂસેવાલાની માતાએ બાળકને જન્મ આપવા માટે ઇન વિટ્રો-ફર્ટિલાઇઝેશન થેરાપી (IVF) લીધી હતી. તમને જણાવી દઈએ કે 28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલાની માનસામાં 29 મે 2022ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબી ગાયકને તેમની ગાળીમાં શૂટ કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. હુમલાખોરોએ મૂસેવાલા પર 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.