Comments

યુદ્ધની સાઈડ ઈફેક્ટ: ભારતે લાંબો સમય ઈન્ટરનેટ વગર ચલાવવું પડે

સમુદ્રના તળિયે બીછાવેલા આંતર રાષ્ટ્રીય સંદેશા વ્યવહાર માટેનાં કેબલ્સ હોર્મુઝ નજીક એકઠાં થાય છે અને ત્યાંથી પર્સિયન ગલ્ફના રસ્તે મધ્ય પૂર્વ, ભૂમધ્ય સમુદ્ર અને ત્યાંથી યુરોપ-અમેરિકા સુધી પહોંચે છે. આજે એ સાંકડી દરિયાઈ ખાડીની પટ્ટી પર અમેરિકા ડીપ પેનિટ્રેટિંગ બોમ્બર્સનો મારો કરે છે અનેક સમુદ્ર જહાજો ડૂબી ગયાં છે. અકસ્માતને કારણે અથવા ઈરાન વગેરેમાંથી કોઈને કુમતિ સૂઝી તો ઈરાદાપૂર્વક એ કેબલ્સ કાપી નાખે.

આમેય ઈરાનમાં તો ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે, જેથી યુદ્ધમાં સાચી સ્થિતિ ઈરાનીઓ જાણી ન શકે. તેઓ સોશ્યલ મીડિયા વાપરી જાહેરમાં એકઠાં ન થાય. તેમાંય જો ઈન્ટરનેશનલ ઈન્ટરનેટ બંધ કરી દેવાય તો દુનિયાને વધુ પજવવાની ઈરાની શાસકોની ઈચ્છા બર આવે. દુનિયાને સમાધાન માટે ઝુકાવી શકે. આજ કાલના જગતભરના ઉદ્યોગધંધાઓ, કારોબાર, કોમ્પ્યુટરો, ઈન્ટરનેટના માધ્યમથી જ ચાલે છે. તે ઠપ થાય તો વેપાર-વણજ બંધ થઈ જાય. આવું ચોક્કસપણે થશે જ તેમ કહી ન શકાય પણ સંભાવના મોટી છે.

યુક્રેન યુદ્ધના પ્રારંભમાં ઈન્ટરનેટ પ્રવાહને અસર પડી હતી તો અમુક નામી બેન્કોનાં કોમ્પ્યુટરો લાંબો સમય માટે ઠપ થઈ ગયાં હતાં. ભારતનો આંતરિક સંદેશાવ્યવહાર ઘરઆંગણાની વ્યવસ્થાને લીધે ચાલે. પરંતુ જે વ્યવસ્થા માટે વિદેશી ડેટા સેન્ટરો પર ભારત નિર્ભર છે તે સેવા બંધ પડી જાય. સોશ્યલ મીડિયાનાં અમુક એપ્લિકેશનો અને પ્લેટફોર્મ્સ બંધ પડી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

અમુક દેશોમાં ડેટા સેન્ટરો પણ યુદ્ધની અડફેટમાં આવી જશે. હકીકતમાં, એવું થવા માંડ્યું છે. મધ્ય પૂર્વના આરબ દેશો તેમ જ ઈઝરાયલ ખાતેનાં ડેટા સેન્ટરો પર ઈરાન ડ્રોન વિમાનોના હુમલાઓ કરી ચૂકયું છે. આ એક એવી શરૂઆત છે જે બતાવે છે કે ભવિષ્યનાં યુદ્ધોમાં કઈ પ્રવૃત્તિઓ મહત્ત્વનાં નિશાનો ગણાશે? અત્યાર સુધી ટેકનોલોજીઓ (ટેક)ની કંપનીઓ સાવધ રહીને હેકરોના હુમલાઓથી બચતી આવી છે. કેટલાક હુમલાઓનો ખરાબ રીતે ભોગ પણ બની છે. ઈંગ્લેન્ડમાં ટાટાની માલિકોની લેન્ડરોવર-જેગ્વાર કંપનીએ હેકરોના હુમલાઓના કારણે ઘણું મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. ફેક્ટરી લાંબો સમય માટે બંધ રહી હતી. રેન્સમ ચૂકવવી પડી હશે તે અલગ.

પરંતુ હવે ટેક કંપનીઓએ પોતાનાં ડેટા સેન્ટરોને સુરક્ષિત રાખવાની પળોજણો સ્વીકારવી પડશે. ડેટા સેન્ટરો પર ડ્રોન કે મિઝાઈલનો હુમલો આવી ચડે. વર્તમાન ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના પ્રારંભમાં યુએઈ (દુબાઈ નજીક) ખાતેની એમેઝોનની વેબ સર્વિસિઝની બે ફેસેલિટીઓ પર ઈરાની ડ્રોન વિમાનો સીધાં ખાબક્યાં હતાં. આ ઉપરાંત બહેરીન ખાતે પણ એમેઝોન વેબ સર્વિસીઝના એક મકાનને ઈરાનના ડ્રોને નુકસાન પહોંચાડ્યું હતું. આ બધા હુમલાઓ પ્રમાણમાં નાના હતા છતાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. બેન્કો, નાણાંકીય સંસ્થાઓ, ફીનટેક કંપનીઓ, ટેકસીઓ સાથે ગ્રાહકોને સાંકળતી રાઈડ શેર કંપનીઓનાં કામકાજો બંધ પડી ગયાં હતાં અથવા ગતિ મંદ પડી ગઈ હતી.

બીજી સેવાઓ પણ ખોરવાઈ હતી. નાનકડા ડ્રોન વડે પ્રમાણમાં નાનું નુકસાન પહોંચ્યું છતાં આટલી અસર થઈ તો એક ટારગેટેડ મિઝાઈલ દ્વારા પૂરેપૂરું ડેટા સેન્ટર ઉડાડી દેવામાં આવે તો કોઈ પણ અસરગ્રસ્ત દેશના ઉદ્યોગ ધંધાઓની શી હાલત થાય? પેમેન્ટસ જતાં અને આવતાં બંધ થઈ જાય. ગલ્ફના દેશોમાંથી જે લોકો વતનમાં પૈસા મોકલતો હતો તેમાં યુદ્ધ બાદ ઘણી ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને કેરલમમાં જો મધ્ય-પૂર્વના વિશાળ ડેટા સેન્ટરોને ખતમ કરી નંખાય તો દેશના અને કેરલમનાં લોકોની શી હાલત થાય? આ ઉપરાંત જેઓને સ્માર્ટ ફોન સામે મોં ધરીને બેસવાનું વ્યસન થઈ ગયું છે તેઓ પણ આ ઉનાળાના વેકેશનમાં અકળાઈ પડે.

હાલમાં જે ચીવટપૂર્વકની તૈયારીઓ ચાલી રહી છે તે જોતાં લાગે છે કે યુદ્ધ લાંબો સમય ચાલશે. જો કે કેબલ તૂટવાથી સેવામાં જે ખલેલ પહોંચશે તેને ઈલોન મસ્કની સ્ટારલિન્ક કંપની અમુક હદ સુધી પહોંચી વળશે. ભારતમાં કંપનીને પરવાનો મળી ગયો છે પણ હજી સુધી કામકાજ શરૂ થયું નથી. સ્ટારલિન્ક ઉપગ્રહોના જોડાણ થકી ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે તેથી તેને કેબલ્સની જરૂર પડતી નથી. જો કે આ સેવાઓની એક મર્યાદા છે. જ્યાં સ્માર્ટફોન અને અન્ય ડિવાઈસોની ઘનતા, પ્રમાણ, ઊંચાં હોય ત્યાં તે કાર્યક્ષમ સેવા આપી શકતી નથી ખાસ કરીને શહેરોના ધમધમાટવાળા વિસ્તારોમાં.

ઈરાને અમેરિકાની ટેક કંપનીઓ સામે યુદ્ધની ઘોષણા કરી રાખેલી જ છે. થોડા દિવસો અગાઉ ઈરાનની સરકારે અમેરિકાની કંપનીઓ, તેઓનાં સરનામાં અને અન્ય વિગતોની એક યાદી પણ જાહેર કરી હતી. તેમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, પલાન્તીર, આઈબીએમ, એનવિડિયા, ઓરકેલ જેવી સિલિકોન વેલીની જાણીતી કંપનીઓનાં નામો હતાં. આ બધી ઈરાનની દુશ્મન કંપનીઓ છે. તેઓને ભીડવવા ઈરાની સંરક્ષક દળો હોર્મુઝમાંથી પસાર થતાં કેબલો કાપી નાખે. કારણકે હમણાં ઘણા વખતથી ઈરાનીઓ બદલો, બદલો, બદલો બોલી રહ્યા છે.

હોર્મુઝના મુખમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય કેબલ્સનું વ્યૂહાત્મક મહત્ત્વ ખૂબ વધી ગયું છે. અમુક કંપનીઓ સલામતીના ઉપાયો અજમાવી રહી છે. અમુક ભૂગર્ભમાં મજબૂત બંકરો બાંધીને સર્વરો ત્યાં લઈ જઈ રહી છે. આ બંકરો પરમાણુ હુમલામાં પણ સલામત રહે છે એ રીતે બાંધવામાં આવી રહ્યાં છે. આરબ દેશો પાસે નકામી રણની જમીનનો પાર નથી. જો કે તે બધી સગવડતાઓ માટે નાણાંનું મોટું રોકાણ કરવું પડે અને આખરે ગ્રાહકોને સર્વિસો મોંઘી પડે.

એક સમય હતો જ્યારે મિડલ આરબ દેશો પોતાના ભવ્ય દેશોને દુનિયાનાં સૌથી સલામત શહેરો ગણાવતાં હતાં. આજે પણ બાહરી આક્રમણને  બાકાત કરો તે સાવ સલામત જ છે. દુનિયાના ડેટાની સાચવણી માટે સૌથી સલામત સ્થળો ગણાવતા હતા. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લે અખાતની મુલાકાત લીધી હતી. ત્યારે આરબ દેશોને આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં ભવિષ્યના મહત્ત્વનાં મથકો જાહેર કરાયાં હતાં.

સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ વગેરેને આ દેશોએ મળીને અમેરિકાની કંપનીઓમાં બે હજાર અબજ ડોલરનું મૂડી રોકાણ કરવાનાં વચનો ટ્રમ્પને આપ્યાં હતાં એ સમયે આજથી લગભગ એક વર્ષ અગાઉ, કોઈએ ધાર્યું ન હતું કે જ્યાં ડેટા સેન્ટરોની ચીપ્સ ગોઠવાયેલી હશે તે બિલ્ડિંગો પર ઈરાન મિઝાઈલો છોડશે અને વિમાનો અફળાવશે. ગલ્ફના રાજાશાહી દેશોએ અમેરિકન કંપનીઓને અખાતમાં મૂડી રોકવાનાં પ્રલોભનો તરીકે સબસીડીઓ અને સસ્તા દરે વીજળી પૂરી પાડી તેનો લાભ લેવા અમેરિકન કંપનીઓએ ગલ્ફમાં ડેટા સેન્ટરો બાંધી દીધાં છે. હવે તેમને લાગતું હશે કે ભૂલ થઈ ગઈ. ડેટા સેન્ટરોને વીજળીની તેમ જ પાણીની ખૂબ જરૂર પડે. રણ પ્રદેશોમાં આ રીતનાં ડેટા સેન્ટરો બાંધવા તે અમસ્તું પણ એક બ્લન્ડર ગણાય. તેમાં હવે ઈરાન વેરી બન્યું છે, ભુંરાટું બન્યું છે. વધુ ખતરનાક ગરમીના દિવસો શરૂ થયા છે એ પણ રેગિસ્તાનમાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top