સમગ્ર દેશ સહીત છોટાઉદેપુર (chhota udepur) જિલ્લામાં પણ શનિવારે વેક્સીનેશન (vaccination)નો પ્રારંભ કરાયો હતો. જેમાં બે આશાવર્કર બહેનોને રિએક્શન થઇ આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. શનિવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ બંને આશાવર્કર બહેનોએ વેક્સીન લીધી હતી. મળતી માહિતી મુજબ વેક્સીન લીધા બાદ તુરંત જ તેઓને ગભરામણ અને ચક્કર આવ્યા હતા.
ગુજરાત રાજ્યભરના તમામ 33 જિલ્લાઓમાં શનિવારના રોજ 161 વેક્સીનેશન સેન્ટર પર કોરોના વેક્સીન (corona vaccine) અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત શનિવારે સાંજે 6 કલાક સુધીમાં અંદાજે 11,800 જેટલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. અને આજે પણ આ કામગીરી ચાલુ જ છે ત્યારે રાજ્યભરમાં આપવામાં આવેલ રસીથી એકપણ કોરોના વોરિયર્સને રસીની કોઇ આડ અસર જોવા મળી નથી. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં બે આશાવર્કરોને આડ અસર થઇ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ સમગ્ર દેશ સહીત રાજયના છોટાઉદેપુર જિલ્લામાં વેક્સીનેશનનો પ્રારંભ કરાયો હતો. જેમાં અચાનક બે આશાવર્કર બહેનોને રિએક્શન આવ્યું હતું. જેમાં માહિતી મુજબ એક પાવીજેતપુરની મહિલા અને બીજી બોડેલીની મહિલાની તબિયત બગડી હતી.
આ બંને કિસ્સા પૈકી પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ પીએચસી ખાતે વેક્સિન લીધા બાદ એક આશાવર્કર બહેનને રિએક્શન આવતા ગભરામણ બાદ ચક્કર આવ્યા હતા. ત્યાં જ બીજા કેસમાં બોડેલી તાલુકાના સુર્યાઘોડા સેન્ટરમાં એક આશા વર્કર બહેનને પેટમાં દુખાવો અને ચક્કર આવતા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જોકે બંનેને સારવાર મળતા તબિયત સુધારા પર આવી ગઈ હતી, અને તેમને રજા પણ આપી દેવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વેકસીન આપવાની શરૂઆત બોડેલીના સૂર્યાઘોડા ખાતે રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં વેક્સીનેશન (Largest Vaccine Drive) નો પ્રારંભ કરાયો હતો. ચાર કેન્દ્ર ઉપર 300 હેલ્થ વર્કર્સને વેક્સીન આપાઈ હતી. બોડેલી તાલુકાના સૂર્યાઘોડા, પાવીજેતપુર તાલુકાના સુસકાલ, કવાંટ તાલુકાના સૈડીવાસણમાં રસીકરણ (vaccination) શરૂ કરાયું હતું.
કોરોના વેક્સીન મૂક્યા બાદ તબિયત બગડે તો શું કરવું?
કોરોના વેક્સીન મૂકાવ્યા બાદ ઇન્જેક્શનની જગ્યાએ સામાન્ય દુખાવો થવો, ઉબકા આવવા, ઠંડી લાગવી, સામાન્ય તાવ આવવો, સામાન્ય નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો વગેરે જેવા લક્ષણો દેખાવા સામાન્ય છે. નિષ્ણાંતો મુજબ જો આમાંથી કઈ પણ જણાય તો ગભરાવવાની કોઈપણ જરૂર નથી. એના માટે પેરાસિટામોલ અને એવિલ ટેબ્લેટ લઈ શકાય. મહત્વનું છે કે વેક્સીન અંગેની અને તેની આડઅસરને લગતી કોઈ પણ અફવાઓથી દૂર રહેવું.