નવી દિલ્હી: પંજાબના (Punjab) માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે 29 મે 2022ના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala) ગોળી મારીને હત્યા (Murder) કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રાર એ લીધી હતી. ત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે 1 મે ના રોજ સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડને (Goldie Brar) અમેરિકામાં આજે સવારે ઠાર મારવામાં આવ્યો હતો.
ગેંગસ્ટર સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો હતો. તેમજ ગોલ્ડી બ્રાર પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી, ત્યારબાદ ગોલ્ડી બ્રારનું નામ હેડલાઈન્સમાં આવવા લાગ્યું હતું. તેમજ હાલમાં જ જાહેર થયેલા અમેરિકન ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર આજે અમેરિકામાં ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
અનેક હત્યાઓની જવાબદારી લીધી હતી
ગોલ્ડી બરાડનો જન્મ 11 એપ્રિલ 1994ના રોજ શમશેર સિંહ અને પ્રીતપાલ કૌરના ઘરે થયો હતો. તે પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે. ગોલ્ડી બ્રારના પિતા પોલીસમાં નોકરી કરતા હતા. તેમજ ગોલ્ડી બ્રાર સામે રાજકારણીઓ પાસેથી ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવા અને અનેક હત્યાઓની જવાબદારી લેવાના કેસ નોંધાયેલા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોલ્ડી બ્રારના પિતરાઈ ભાઈ ગુરલાલ બરાડની હત્યા બાદ, ગોલ્ડીએ ગુનાનો રસ્તો પસંદ કર્યો અને ઘણા ગેંગસ્ટરોના સંપર્કમાં આવવા લાગ્યો હતો. કેનેડાના બ્રામ્પટનમાં રહેતો ગોલ્ડી બ્રાર ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબજર સાથે સંકળાયેલો હતો.
કેન્દ્રીય મંત્રાલયના નોટિફિકેશન મુજબ, શાર્પ-શૂટર્સની સપ્લાય ઉપરાંત, ગોલ્ડી બ્રાર સરહદ પારથી દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની દાણચોરી અને હત્યાને અંજામ આપવા માટે જરૂરી તમામ સામગ્રીની સપ્લાયમાં પણ સામેલ હતો.
રેડ કોર્નર નોટિસ જારી
ફ્રાન્સના ઇન્ટરપોલ સચિવાલય જનરલ (IPSG) દ્વારા ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તેની વિરુધ્ધ 15 જૂન 2022ના રોજ લુક આઉટ સર્ક્યુલર પણ જારી કરવામાં આવ્યો હતો. આ પછી 12 ડિસેમ્બર 2022 ના રોજ, ગોલ્ડી બ્રાર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યો હતો.
ગોલ્ડી બ્રાર વર્ષ 2023માં કેનેડાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં 15માં ક્રમે હતો. તેમજ પોલીસ તેને હત્યા, હત્યાનું કાવતરું અને હથિયારોની દાણચોરીના ગુનામાં શોધી રહી હતી.