Comments

શું બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ જેવા શબ્દો દૂર કરવા જોઈએ?

તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવ્યાનાં ૫૦ વર્ષ પૂરાં થયા પછી બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. ૧૯૭૬માં જ્યારે કટોકટી અમલમાં હતી ત્યારે બંધારણ (૪૨મો સુધારો) અધિનિયમ દ્વારા પ્રસ્તાવનામાં સુધારો કરીને આ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આ જ સુધારામાં મૂળભૂત ફરજો પરનું પ્રકરણ પણ ઉમેરવામાં આવ્યું હતું. આરએસએસના મહાસચિવ (સરકાર્યવાહ) દત્તાત્રેય હોસબલેએ બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવા અંગે ચર્ચા કરવાનું સૂચન કર્યું છે. હોસબલેએ કહ્યું છે કે, આ બે શબ્દો ભારતના સાંસ્કૃતિક વારસા સાથે મેળ ખાતા નથી. કારણ કે, ભારત હંમેશાં સર્વધર્મ સમભાવમાં માને છે અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દની કોઈ આવશ્યકતા નથી. હોસબલેએ કહ્યું કે, ભારતીય બંધારણના પિતા ડૉ. બી.આર. આંબેડકર પણ આ બે શબ્દોને પ્રસ્તાવનામાં સમાવવાની વિરુદ્ધ હતા, પરંતુ તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારે આ બે શબ્દોનો સમાવેશ કરવા માટે બંધારણમાં સુધારો કર્યો.

હોસાબલેની ટિપ્પણી પછી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરથી લઈને કેન્દ્રીય મંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ અને જીતેન્દ્રસિંહ સુધીના ઘણા મુખ્ય નેતાઓએ પ્રસ્તાવનામાં કટોકટી દરમિયાન કરવામાં આવેલા સુધારા પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષે આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું: ‘’આરએસએસનો પડદો હટી ગયો છે. આરએસએસ-બીજેપી બંધારણ નહીં, પણ મનુસ્મૃતિ ઇચ્છે છે, તેઓ દલિતો અને ગરીબ વર્ગના અધિકારો છીનવીને તેમને ગુલામ બનાવવા માંગે છે.’’ આરજેડી વડા તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે, ભાજપ અને આરએસએસ બંધારણને ખતમ કરવાનો પોતાનો એજન્ડા આગળ ધપાવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, અનામત અને બંધારણને ખતમ કરવાનો ભાજપનો છુપાયેલ એજન્ડા છે. બિહાર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં થઈ રહી હોવાથી કોંગ્રેસ અને આરજેડી પાસે ભાજપને ઘેરવાની તક છે. હકીકત તો એ છે કે, બંધારણ સભામાં પ્રસ્તાવનામાં આ બે શબ્દોનો સમાવેશ કરવો કે નહીં તે અંગે ચર્ચા થઈ હતી. જવાહરલાલ નેહરુ અને ડૉ. આંબેડકર બિનસાંપ્રદાયિકતાના સમર્થક હતા, પરંતુ તેઓ પશ્ચિમી દેશોના બંધારણોની નકલ કરીને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દનો સમાવેશ કરવાનો વિરોધ કરતા હતા.

આખરે બંધારણમાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ ન ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હકીકતમાં, પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ શબ્દ ઉમેરવા માટે પ્રોફેસર કેટી શાહે 15 નવેમ્બર, 1948ના રોજ એક સુધારો રજૂ કર્યો હતો, પરંતુ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. આંબેડકરે તેને ફગાવી દીધો હતો. આંબેડકરે કહ્યું હતું કે, બંધારણને ભવિષ્યની પેઢીઓ પર કોઈ પણ સામાજિક અથવા આર્થિક વિચારધારા લાદતા દસ્તાવેજ તરીકે જોવું જોઈએ નહીં. આમુખમાં 42મા સુધારા દ્વારા ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’નો સમાવેશ થાય તે પહેલાં જ 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી ચુકાદામાં 13 ન્યાયાધીશોની બેન્ચે કહ્યું હતું કે, બિનસાંપ્રદાયિકતા બંધારણનું મૂળભૂત લક્ષણ છે જેને દૂર કરી શકાતું નથી. ૧૯૮૦માં બીજા એક કેસમાં સુપ્રીમ કોર્ટે કટોકટી દરમિયાન કરવામાં આવેલા બંધારણીય સુધારાઓ પર ચર્ચા કરી હતી. કોર્ટે સ્વીકાર્યું કે, બંધારણના ઘડવૈયાઓ માટે ‘સમાજવાદ’ એક બંધારણીય આદર્શ હતો. તેણે બંધારણના ભાગ IVનો ઉલ્લેખ કર્યો, જે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો સાથે સંબંધિત છે, જે એક બિન-લાગુ કરી શકાય તેવી નીતિ છે, પરંતુ તે રાજ્ય માટે માર્ગદર્શિકા તરીકે કામ કરે છે, જેમાં અનેક સમાજવાદી વિચારો છે.

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. તેમણે તેને એક મોટો મુદ્દો બનાવ્યો અને ચૂંટણીલક્ષી લાભ ઉઠાવ્યો. તેવી જ રીતે, બિહાર ચૂંટણીમાં વિપક્ષ હોસાબલેના સૂચનને ટાંકીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેથી, ભાજપના ટોચના નેતૃત્વે તમામ નેતાઓને આ તબક્કે આ વિષયને મુદ્દો ન બનાવવા ચેતવણી આપી છે.

રસપ્રદ વાત એ છે કે, ૧૯૭૭માં જ્યારે મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળની જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી ત્યારે તેણે કટોકટી યુગના અનેક બંધારણીય સુધારાઓને ઉલટાવી દીધા. ૧૯૭૮માં તેમાં ૪૪મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો, જેનાથી નાગરિક સ્વતંત્રતાઓ પુનઃસ્થાપિત થઈ, ન્યાયિક સમીક્ષા સત્તાઓ પુનઃસ્થાપિત થઈ અને પ્રેસ સ્વતંત્રતાનું રક્ષણ થયું. જો કે, તેણે પ્રસ્તાવનામાં ફેરફારો અને મૂળભૂત ફરજોનો સમાવેશ જાળવી રાખ્યો. ગયા વર્ષે ૨૫ નવેમ્બરના રોજ ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બે ન્યાયાધીશોની બેન્ચે સુધારાને પડકારતી રિટ અરજીઓ ફગાવી દીધી હતી.

બેન્ચે કહ્યું કે, ‘’આ શબ્દોને વ્યાપક સ્વીકૃતિ મળી ચૂકી છે. તેમના અર્થ ‘આપણે, ભારતનાં લોકો’ કોઈ પણ શંકા વિના સમજીએ છીએ.’’ શું તેનો અર્થ એ છે કે, હોસાબલે દ્વારા ઉઠાવવામાં આવેલો આ મુદ્દો શાંત થઈ જશે? કદાચ, આગામી રાઉન્ડની વિધાનસભા ચૂંટણી સુધી નહીં, ખાસ કરીને ૨૦૨૭માં ઉત્તર પ્રદેશમાં, તેને ફરીથી ઉઠાવવામાં આવશે. એક એવું સૂચન પણ છે કે, કોઈ પણ શબ્દોને દૂર કરવાને બદલે બંધારણમાં ‘સર્વધર્મ સમભાવ’ જેવો શબ્દ ઉમેરી શકાય છે.         
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top